અંગ્રેજીએ સંવેદનાઓને હાંસિયામાં ધકેલી દીધી છે

Amit Patel
ધરતીની સોડમ
3 min readDec 31, 2019

--

એક સરકારી નિર્ણયે એક પરીક્ષામાં અંગ્રેજી ભાષાને હાંસિયામાં ધકેલી દીધી છે, પરંતુ સમાજમાં અંગ્રેજીએ તમામ ભારતીય ભાષાઓને કચરા ટોપલીમાં પહેલાથી જ ફેંકી દીધી છે. આજે હું એમ કહું છું કે દાંત બત્રીસ હોય છે તો મારા પૌત્રો પુછે છે, “વોટ્સ બત્રીસ”, ત્યારે મારે તેમને “થર્ટી ટૂ” કહીને સમજાવવું પડે છે.

હકીકતમાં, આ મુદ્દો માત્ર ભાષાનો નથી, પરંતુ જીવનશૈલી દ્વારા વિકસિત વિચાર પ્રક્રિયાનો છે, કેમ કે ભાષાઓમાં લોકપ્રિયતાનો આધાર તેની નોકરી અપાવવાની ક્ષમતા પર આધાર રાખે છે. રાજભાષા જ્યારે ફારસી અને અંગ્રેજી હતી ત્યારે આપણાં યુવાનોએ ફારસી અને અંગ્રેજી શીખી હતી. કેટલાક લોકપ્રિય નિર્ણય અત્યંત અવ્યવહારિક હોય છે, જેમ કે પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ જાહેર કરવામાં આવી, પરંતુ ત્યાં પંજાબી, સિંધી અને પશ્તો જ વધુ બોલવામાં આવે છે. અંદાજે બે દાયકા પહેલાં જ ભારતમાં અંગ્રેજીનો પ્રચાર-પ્રસાર કરતી લંડનની સંસ્થાએ નિર્ણય લીધો કે અંગ્રેજીના પ્રચાર-પ્રસાર કરતાં વધુ જીવનશૈલીમાં અંગ્રેજીપણું દાખલ કરી દેવાનું છે અને આ કામમાં બજાર અને જાહેરાત શક્તિઓ નિર્ણાયક છે. તેણે નારો ઉછાળ્યો “દિલ માંગે મોર”, જેની લોકપ્રિયતા અને અસરકારક્તા જોઈને ફિલ્મમાં ગીત બન્યું, “પપ્પુ કાંટ ડાન્સ સાલા”. છેલ્લા બે દાયકાના ગીતો અને ફિલ્મના ડાયલોગમાં અંગ્રેજીની અસર વધુ છે, જ્યારે આઝાદી બાદના વરસોમાં જ ગીત આવ્યું હતું, “આના મેરી જાન, સંડે કે સંડે”, પરંતુ એ સમયે [ફિલ્મના ગીત અને ટાઈટલમાં અંગ્રેજીનો જ્વલ્લે જ ઉપયોગ થતો હતો, આજે તો આખા કૂવામાં જ ભાંગ પડી છે.

ભારતમાં અંદાજે અખબારોની અઢાર કરોડ નકલો વેચાય છે, જેમાં સૌથી ઓછી સંખ્યા અંગ્રેજીમાં પ્રકાશિત થતા અખબારોની છે, પરંતુ ભવ્ય કોર્પોરેટ કંપનીઓ અંગ્રેજીમાં મોંઘા ભાવે જાહેરાત આપે છે અને ગામડાં તથા અંતરિયાળ વિસ્તારોમાં પહોંચતા ભારતીય ભાષાઓના અખબારોને ઓછા દરે જાહેરાત આપે છે. આ જ રીતે કર્મચારીઓ અને પત્રકારોના પેગારધોરણમાં પણ મોટું અંતર છે. ભારતીય સિનેમાના મોટાભાગના દર્શકો સુધી ભારતીય ભાષાના અખબારો પહોંચે છે, તેમ છતાં અંગ્રેજી અખબારોના જાહેરાતના દર વધુ છે. વાત આગળ ત્યાં સુધી પહોંચે છે કે, કલાકારો પણ અંગ્રેજી ભાષાના અખબારોને ઇન્ટરવ્યુ પહેલા આપે છે અને ભારતીય ભાષાઓના પત્રકારોને હીન દષ્ટિએ જોવામાં આવે છે. કારમાં જતા સમયે તમે જોઈ શકો છો કે ૫૦૦ કે ૭૦૦ ની વસતીવાળા ગામમાં પણ એક અંગ્રેજી મિડિયમની સ્કૂલનું બોર્ડ જોવા મળે છે. ફિલ્મ તથા ટીવીમાં બધી જ પટકથાઓ અંગ્રેજીમાં લખવામાં આવે છે અને ડાયલોગ એ રોમન અંગ્રેજીમાં લખાય છે. જો અભિનેતાનું ઉચ્ચારણ સાચું ન હોય તો એ ખોટું જ વાંચવાનો છે. એ બાબતમાં કોઈ આશ્ચર્ય નથી કે મહાન દિલીપ કુમાર પોતાની ભૂમિકાની તૈયારી માટે બધા જ સંવાદ હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીમાં બોલીને રિયાઝ કરતા હતા. આજે ધાર્મિક કથાઓ પર બનતી ધારાવાહિકોમાં વિચિત્ર ભાષા, વિચિત્ર ઉચ્ચારણ સાથે બોલવામાં આવે છે. આ પ્રકરણનું એક મહત્ત્વનું પાસું એ છે ઊચ્ચ પદો પર તમામ પરીક્ષાઓમાં અંગ્રેજી અને વિજ્ઞાન સાથે જોડાયેલા પ્રશ્નો વધુ હોય છે અને બજાર તથા જાહેરાત શાસિત યુગમાં એ જ નક્કી કરે છે કે ઉચ્ચ પદ પર કોણ બેસે, કેમ કે શુદ્ધ ભારતીયતાથી બનેલું મન તેમના ષડયંત્રને નિષ્ફળ કરી દેશે. આર્થિક અંતરમાં વિવિધતા ક્યાં-ક્યાં નથી ફેલાઈ. આ પરીક્ષાઓમાં પાસ થયેલો ભૂરો સાહેબ પોતાના વિશાળ બગીચાના ફૂંડામાં ચાર દાણા નાખીને જૂએ છે કે કેટલો પાક ઉતર્યો છે અને તેના આધારે પોતાના વિસ્તારની પેદાશના આંકડા ઉપર મોકલે છે. લગભગ બધા જ આંકડા આવી રીતે રચવામાં આવે છે.

અમદાવાદથી પાંત્રીસ કિમી દૂર સાદરા ગામમાં ગાંધીજી દ્વારા ૧૯૨૦માં સ્થાપવામાં આવેલી એક શિક્ષણ સંસ્થામાં તમામ સગવડો છે, પરંતુ અભ્યાસક્રમમાં સાહિત્ય, ઇતિહાસ, સમાજશાસ્ત્રને મહત્ત્વ આપવાને કારણે મફતના ભાવે મળી રહેલું શિક્ષણ મેળવવા માટે પણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આવતા નથી. આખો સમાજ સફળતાના આગ્રહમાં એટલો બંધાયેલો છે કે જીવન મૂલ્યોની કોઈને ચિંતા નથી અને જીવનમૂલ્યના અભાવે જન્મેલા ભ્રષ્ટાચાર પર છાતી ફૂટવામાં આવે છે. હકીકતમાં તમામ સંરચના અત્યંત ચતુરાઈથી રચવામાં આવી છે અને તેઓ કોઈ વિરોધ અસરકારક નથી હોતો.

અંગ્રેજીને હાંસિયામાં ધકેલવી એ આંદોલનનો એકમાત્ર ઉદ્દેશ્ય ન હતો. હકીકતમાં, આ સમગ્ર રમતે જીવનમાં સંવેદનાઓને જ હાંસિયામાં ધકેલી દીધી છે અને કોઈને આ બાબતની ચિંતા નથી. આપણે આટલી હદે ગાફેલ થઈ શકીએ છીએ, જેની કોઈ મર્યાદા નથી.

પરદે કે પીછે — જયપ્રકાશ ચૌકસે, દિવ્ય ભાસ્કર(૭ /૮ /૨૦૧૪)

--

--

Amit Patel
ધરતીની સોડમ

A freelance Ruby on Rails developer. Passionate about web technologies and following best practices.