સૌજન્ય: https://twitter.com/Yi_Indore

આપણો ભવ્ય વારસો ભૂતકાળ બંને તે પહેલાં

Amit Patel
ધરતીની સોડમ
3 min readApr 10, 2018

--

ગુલામ બનેલી પ્રજા એની માતૃભાષાને જાળવી રાખશે ત્યાં સુધી બહારની કોઈ પણ સત્તા એને પરાધીન બનાવી શકશે નહીં.

ગુજરાત સરકારે રાજ્યના તમામ બોર્ડની શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત બનાવવાની જાહેરાત કરી છે તે અનુસંધાનમાં ફ્રેન્ચના વાર્તાકાર-નવલકથાકાર આલ્ફોન્સ દોદે (૧૮૪૦-૧૮૯૭)ની વાર્તા ‘ધ લાસ્ટ લેસન’ યાદ આવે છે. આ વાર્તા ૧૮૭૦-૭૧માં ફ્રાન્સ અને પ્રશિયા વચ્ચે થયેલા યુદ્ધના પશ્ચાદ્ભૂમાં લખાઈ છે. જર્મની અને પોલેન્ડ જેવા દેશ પ્રશિયાના હિસ્સા હતા. એમણે ફાન્સના સીમાવર્તી વિસ્તારો પર કબજો જમાવ્યો હતો. વિજયી દેશ પરાધીન વિસ્તારો પર પોતાની સંસ્કૃતિ, સભ્યતા અને ભાષા ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરે છે તેનો ઇતિહાસ સાક્ષી છે. ભારતમાં અંગ્રેજોએ અંગ્રેજી ભાષા લાદી. એનાં પરિણામ આપણે આજ સુધી ભોગવીએ છીએ.

‘ધ લાસ્ટ લેસન’ વાર્તામાં આવી જ વાત છે. ફ્રાન્સના અલ્સેસ પ્રાંતના એક ગામડામાં ચાલીસ વર્ષથી ભણાવતા હેમલ નામના શિક્ષકને વિજેતા રાષ્ટ્રના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતી કાલથી વિદ્યાર્થીઓને એમની માતૃભાષા ફ્રેન્ચ નહીં, પરંતુ જર્મની શીખવવામાં આવશે. શિક્ષકનો શાળામાં છેલ્લો દિવસ છે. ગામના વડીલો પણ વર્ગમાં આવીને બેઠા છે. હેમલ ફ્રેન્ચનો છેલ્લો પાઠ ભણાવવા લાગે છે. એ કહે છે:

‘આપણે બધાને આજ સુધી એમ હતું કે આપણી માતૃભાષા શીખવા માટે આપણી પાસે ઘણો સમય છે, પરંતુ હવે તમારી પાસે માતૃભાષામાં ભણવાનો આ છેલ્લો દિવસ છે. ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, તમે આપણી માતૃભાષાને ભૂલશો નહીં. માતૃભાષા જેવી ઉત્તમ ભાષા બીજી કોઈ હોતી નથી.’ પછી એ વેધક વાત કહે છે: ‘આપણે આપણી માતૃભાષાને જાળવી રાખવી પડશે. એક વાત ધ્યાનમાં રાખજો કે ગુલામ બનેલી પ્રજા એની માતૃભાષાને જાળવી રાખશે ત્યાં સુધી બહારની કોઈ પણ સત્તા એને પરાધીન બનાવી શકશે નહીં.’

વર્ષમાં એક વાર ‘માતૃભાષા દિવસ’ની ઊજવણી વખતે આખો દિવસ ટીવી- રેડિયો પર, સેમિનારમાં, અખબારોમાં માતૃભાષાનાં ગુણગાન ગાજ્યા કરે છે. પછી બીજા જ દિવસથી શિક્ષણ અને રોજિંદા વ્યવહારમાં અંગ્રેજી ભાષાની ગુલામી સજીવન થઈ ઊઠે છે — આવતા ‘માતૃભાષા દિવસ’ સુધી. વૈશ્વિકરણના આજના યુગમાં લોકોએ અંગ્રેજી જેવી આંતરરાષ્ટ્રીય ભાષાનો મહત્તમ પ્રયોગ કરવો પડે છે. આથી દુનિયાની ઘણી ભાષાઓ ભૂંસાઈ જવાનો ભય ઊભો થયો છે.

ઘણાં બધાં માતાપિતા એમનાં સંતાનોને માતૃભાષા છોડીને અંગ્રેજીમાં જ શિક્ષણ આપવાનું પસંદ કરે છે. પરિણામે તેઓ એમની ‘બોલી’થી દૂર જવા લાગ્યાં છે. પ્રશ્ન દેખાદેખીનો, માનસિકતાનો પણ છે. આ માનસિકતા બદલાય નહીં તો કોઈ પણ સ્થાનિક ભાષા અને બોલી ભૂંસાઈ જવાનો ખતરો વધતો જશે.

માતૃભાષા આપણને મળેલી ઉત્તમમાં ઉત્તમ ભેટ છે. આપણે પોપટિયા લહેજામાં કેટલી સહેલાઈથી બોલી નાખીએ છીએ કે આપણી માતૃભાષા મરી રહી છે. માતૃભાષાનું મૃત્યુ એટલે શું તેનો પણ વિચાર કરતા નથી. માતૃભાષાના મૃત્યુનો અર્થ છે આપણી સમગ્ર સંસ્કૃતિ-સભ્યતા, પરંપરાઓ, મૌખિક સાહિત્ય, સામાજિક એકરૂપતા, વ્યક્તિચેતના — આપણી સમગ્ર ઓળખનું મૃત્યુ. ભૂંસાતી માતૃભાષા પ્રજાના સાંસ્કૃતિક ઇતિહાસના વિસ્મરણનું કારણ બને છે. માતૃભાષા વિના કોઈ પણ વ્યક્તિ કે પ્રજાસમૂહ પોતાના ભૂતકાળના વારસાના મૂળ સુધી પહોંચવાનાં નથી.

આ સંદર્ભમાં દક્ષિણ આફ્રિકાના સુપ્રસિદ્ધ સંગીતકાર હગ માસેકેલાએ કહેલી વાત યાદ રાખવા જેવી છે. એમણે કહ્યું હતું: ‘હું મારી ત્રીજી પેઢીનાં સંતાનોને મારા સાંસ્કૃતિક વારસાનું અને માતૃભાષાનું મહત્ત્વ સમજાવવામાં નિષ્ફળ જઈશ તો આવતાં વીસ વર્ષ પછી આપણે મૂળભત રીતે આફ્રિકન સભ્યતાના લોકો હતા તે વાત એમને અફવા લાગશે.’ દરેક ભાષાના અસ્તિત્વ સામે આ ચિંતા મોઢું ફાડીને ઊભી છે. સવાલ એટલો જ છે કે આ બાબત આપણને ચિંતાજનક લાગે છે કે કેમ.

લેખકઃ વિનેશ અંતાણી
સૌજન્ય: દિવ્યભાસ્કર(Apr 07, 2018)

--

--

Amit Patel
ધરતીની સોડમ

A freelance Ruby on Rails developer. Passionate about web technologies and following best practices.