મને મારી ભાષા ગમે છે, કારણ બાને હું બા કહી શકું છું

Amit Patel
ધરતીની સોડમ
3 min readApr 14, 2018

--

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી-
કારણ કે બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ વાંચી શકતી.
બા બેન્કમાં સર્વિસ કરવા ક્યારેય ગઇ નહોતી અને
અને રાત્રે લાયન્સ પાર્ટીમાં ગઇ હોય એવું પણ યાદ નથી,
બા નવી નવી ડિશ શીખવા કૂકિંગક્લાસમાં પણ ગઇ નહોતી.
છતાં ઇંગ્લિશ નામ ખડક્યાં વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે, કારણ કે મને મારી બા ગમે છે.

વિપિન પરીખ

ગુજરાત સરકારે તાજેતરમાં શાળાઓમાં ગુજરાતી ફરજિયાત કર્યું. આ પગલું ખરેખર ખૂબ જ આવકારદાયક છે. અત્યારે માત્ર ધોરણ એકથી આઠ સુધી ફરજિયાત ગુજરાતીને માન્યતા મળી છે, જે શરૃઆતમાં ૧-૨ ધોરણ સુધી લાગુ પાડી પછી તબક્કાવાર આગળના ધોરણમાં અમલી બનાવશે. સાહિત્યકારો બારમા ધોરણ સુધી ફરજિયાત ગુજરાતી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે. માન્યતા તો મળી, પણ હવે તેની પર અમલ કેટલે અંશે થાય છે તેની વાતો અનેક સાહિત્યકારોએ, મનોવૈજ્ઞાાનિકોએ કરી જ છે.

આજે વિપિન પરીખની આ કવિતાની વાત કરવી છે. વિપિન પરીખ ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા કવિ છે. ૨૬ ઓકટોબર ૧૯૩૦ના રોજ જન્મેલા આ કવિનું અવસાન ૧૦ ઓકટોબર ૨૦૧૦માં થયું. તેમણે મુખ્યત્વે અછાંદસ કવિતાઓ લખી છે. તેમની કવિતામાં સરળતા અને વિચારોની સચોટતા ધ્યાન ખેંચે તેવી હોય છે. તેમનાં ઘણાં કાવ્યોમાં કટાક્ષ અને કરુણતાનો સુભગ સમન્વય જોવા મળે છે.

બાળકને ભાષાનું શિક્ષણ ગર્ભાવસ્થાથી જ મળવાનું શરૃ થઇ જાય છે. ગર્ભમાં મસ્તિષ્કનો વિકાસ થાય તેની સાથે જ માતા જે ભાષાનો ઉપયોગ કરતી હોય તે જ ભાષા બાળક ગર્ભમાં રહીને સંવેદવા લાગે છે. એટલે જ તો મા દ્વારા મળેલી આ ભાષા માતૃભાષા કહેવાય છે, પિતૃભાષા નથી કહેવાતી. કવિએ અહીં બા અને ભાષાને જોડી દીધા છે. મને મારી ભાષા ગમે છે કારણ કે હું બાને બા કહી શકું છું. એમ કહી ભાષા અને માતાને સમાન ગણી દીધાં છે. ભાષાનું મૂલ્ય પણ મા જેટલું જ મહત્ત્વનું છે.

ગુજરાતમાં અંગ્રેજી ભાષાનું ઘેલું લાગ્યું છે. અંગ્રેજી મીડિયમમાં બાળકને ભણાવવામાં માતાપિતા ગૌરવ અનુભવે છે. અંગ્રેજીનો વિરોધ નથી. અન્યને ગાળ દઇને આપણે પોતાની પ્રસંશા ક્યારેય ન કરી શકીએ. અંગ્રેજી પણ જરૃરી છે, પરંતુ ગુજરાતીના ભોગે નહીં. આપણે ઊંધું કરી રહ્યા છીએ. ગુજરાતીના ભોગે અંગ્રેજી શીખી રહ્યા છીએ. શરીર કરતાં કપડાંને વધારે મહત્ત્વ આપી રહ્યા છીએ. આપણને ભય છે કે અંગ્રેજી નહીં જાણે તો બળક પાછળ રહી જશે.

માતૃભાષામાં ભણનાર પાછળ રહી જાય એવું કોણે કહ્યું ? ‘ગીતાંજલિ’ માટે નોબેલપ્રાઇઝ મેળવનાર રવીન્દ્રનાથ ટાગોર માતૃભાષામા ભણ્યા હતા, અર્થશાસ્ત્ર માટે નોબેલપ્રાઇઝ મેળવનાર અમર્ત્યસેન માતૃભાષામાં ભણ્યા હતા. વિજ્ઞાાનમાં નોબેલ મેળવનાર સી.વી. રામન માતૃભાષામાં જ ભણેલા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિજ્ઞાાની અબ્દુલકલામે પણ માતૃભાષામાં જ શિક્ષણ લીધેલું. અવકાશયાત્રી કલ્પના ચાવલાએ ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કરેલો. બાબાસાહેબ આંબેડકરે પણ તેમની માતૃભાષામાં શિક્ષણ લીધેલું. મહાત્મા ગાંધી પણ ગુજરાતી શાળામાં જ ભણેલા. વિશ્વની મહાન આત્મકથાઓમાં સ્થાન પામેલી ‘સત્યના પ્રયોગો’ તેમણે પ્રથમ ગુજરાતીમાં જ લખેલી, અંગ્રેજીમાં પછી અનુવાદિત થઇ. ગુજરાતી ભાષા પાસે સાહિત્યનો પણ કેટલો મોટો વારસો છે !

વિપિન પરીખે સરળ અને સીધુંસટ્ટ કહી દીધું છે કે મા ઇંગ્લિશ નામના ખડકલાં કર્યાં વગર થાળીમાં જે પીરસતી તે અમૃત બની જતું. આપણે પણ ભાષાની થાળીમાં ઇંગ્લિશ શબ્દોના ખડકલા કર્યા વિના માતૃભાષાના અમૃતને માણવાનું છે. ગાંધીજીએ કહેલું કે અંગ્રેજી ભાષા એક બારી સમાન છે, તેમાંથી નવી તાજી હવા ભલે આવે, પણ કમનસીબે આપણે બધાએ અંગ્રેજી ભાષાને બારીને બદલે બારણું બનાવી દીધી છે.

એમણે એમ પણ કહ્યું હતું કે માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને મધુર શબ્દો મળે છે તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઇએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ, તેનું ભારે પ્રાયશ્ચિત્ત આપણે કરવું પડશે.

સરકારે તો જાહેરાત કરી દીધી હવે તેની પર કેવો અમલ થાય છે તે જોવો રહ્યો. જો સમયસર નહીં જાગીએ તો ઉદયન ઠક્કરની જેમ કહેવું પડશે.

ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે
કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી
સંચાલકો અને માતાપિતાની
બેદરકારીને કારણે પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઇ ક્ષણે
ગુજરાતી વાંચતી લખતી એક આખી પેઢી.
ઓળખવા માટે નિશાની: કાનુડાએ કોની મટકી ફોડી ?
એમ પૂછો તો કહેશે, ‘જેક એન્ડ જિલ’ની…
ગોતીને પાછી લાવનારને મારે ઇનામ..
એકેય નથી,
કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.

— ઉદયન ઠક્કર

લેખકઃ અનિલ ચાવડા

સૌજન્ય: અંતરનેટની કવિતા — ગુજરાત સમાચાર રવિપૂર્તિ(Apr 07, 2018)

--

--

Amit Patel
ધરતીની સોડમ

A freelance Ruby on Rails developer. Passionate about web technologies and following best practices.