વાહ... કનકસિંહ.... વાહ.......

Amit Patel
ધરતીની સોડમ
2 min readApr 8, 2020

આજે સવારમાં દાઢી વધી ગયેલી, થોડા અસ્તવ્યસ્ત વાળ અને પ્રથમ દ્રષ્ટિએ માનસિકરીતે વિક્ષિપ્ત હોય એવી એક વ્યક્તિ મારા ઘર પાસેથી પસાર થઈ. મેં સહજભાવ થી જોયું, ધ્યાન ન આપ્યું.

આ વ્યક્તિ બીજી વખત નિકળી તો પૂછ્યું, “ક્યાં જવું છે?”

“દુકાન ગોતુ છું.”

“કેમ?”

“ચા પીવી છે અને શિરાવવું છે.”

“દુકાનો તો બંધ છે અને હજુ બંધ જ રહેશે.”

“કેમ?”

“એક મોટો રોગ આવ્યો છે અને માણસો મરી જાય છે.”

“હા..હા..એક દાદા મરી ગયા છે, એટલે દુકાનો બંધ છે?”

આ વ્યક્તિનું ગામ વીરવા, મોરબી રાજકોટ હાઈ-વે ઉપર 12 વિઘા જમીન-વાવવા આપી દે છે. એમના બા સાથે એમના બેનને ત્યાં કોઇક ગામે આવ્યા છે.

“વાહન વ્યવહાર બંધ છે છતાં ગઢડા કેમ પહોંચ્યા?” તેનો જવાબ નથી. ગઈ કાલે રાત્રે દરવાજા પાસે સુતા હતા. ગઢડામાં દરવાજા તો ઘણા છે. આ માહિતી મેં તેની પાસેથી કટકે કટકે વાત વાતમાં જાણી છે.

પહેલાં તો ચા, ભાખરી અને ચવાણાની વ્યવસ્થા કરી. અને હવે જે ઘટના બને છે તેનાથી શબ્દો નિકળી પડે છે વાહ કનકસિંહ વાહ... હૃદય ભાવથી ભરાઈ જાય છે. ઘટના સાવ નાની છે પણ સમજાય તો બહુ મોટી છે.

જમવાની વ્યવસ્થા કરી પાણી લઈને આવ્યો તો ચવાણું આજુબાજુ વેરેલું હતું અને ભાખરીનો ભૂકો કરી પોતે બેઠા હતા ત્યાં વેરતા હતા. પ્રથમ દ્રષ્ટિએ આ હરકત માનસિક વિક્ષિપ્ત વ્યક્તિની લાગે, કુતુહલ ખાતર પૂછ્યું, “આ શું કરો છો?”

જવાબ મળ્યો, “કિડીયારું પૂરું છું, પુણ્ય થાય ને!”

થોડીવાર પછી એક ગાય નિકળી. અડધી ભાખરી તેના મોઢામાં પોતાના હાથથી જ આપી.

મેં કહ્યું, “તમે ભુખ્યા હશો, ગાયને તો કોઇક ખવરાવશે.”

પાછો એજ જવાબ, “ગાયને ખવરાવું જોઇએ ને? પુણ્ય થાય.”

વાહ કનકસિંહ વાહ. લોહીના ગુણ કહેવાય તે આજ ને? પ્રથમ દ્રષ્ટિએ માનસિક વિક્ષિપ્ત લાગે પણ કિડીયારું પુરવા અને ગાયને ખવરાવવનો જ્ઞાતિધર્મ, કુટુંબધર્મ નથી છોડ્યો.

આ વાત તમારી આગળ રજૂ કરવાનો હેતું એક જ છે, દરેક વ્યક્તિ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરીએ, બાહ્ય દેખાવ જોઇ વહેવાર ન કરીએ. તેનામાં આપણા કરતાં વધારે સદ્ગુગુણો હોઇ શકે. તેમજ તેના કુટુંબીજનોને ભાળ મળે.

— લક્ષ્મણ માંડાણી(ગઢડા — સ્વામીના)

--

--

Amit Patel
ધરતીની સોડમ

A freelance Ruby on Rails developer. Passionate about web technologies and following best practices.