જાગી ઊઠી પુનઃ માતૃત્વની સરવાણી….

…. …… મીનાક્ષી વાણિયા

કંપાઉન્ડમાં પંખીઓએ કાગારોળ મચાવી હતી…. એને એની મૃતક જેઠાણીનો નિયમ યાદ આવ્યો હશે કે શું ? હાથમાં ચણ સાથે વરંડા તરફ જતી જ્યોતિને જોઇ તેણે વિચાર્યુ .

“જો ને, આ પંખીઓને પણ જાણે કે ખબર પડી ગઇ છે કે એમને ચણ નાંખનારી હવે નથી રહી.”

ઘરમાંથી આવતા રૂદનના અવાજો સાથે ભળી જઇ વાતાવરણને વધુ કરૂણ બનાવતા પંખીઓના કલશોરથી દ્રવિત થઇ ઉઠેલાં ડાહીમા બોલી ઉઠયાં.

“એ તો જેની અહીં જરૂર એની ત્યાંય જરૂર…..” બાકી તો પશુ- પંખી અને નાના-મોટા સૌનું ધ્યાન રાખનારી આવી માયાળુ અને પરગજુ સ્ત્રીઓ કેટલી ?, આ જમાનામાં.” એણેય એની વેદના ઠાલવી.

“પણ આવી સતી સ્ત્રીનાં છોકરાં જ રખડી પડવાનાં ને ! બિચારાં- માં-બાપ ગુમાવ્યા છે , એવુંય સમજે એટલાં નથી.” બોલતાંની સાથે જ ડાહીમાથી ડુસકું મુકાઇ ગયું.

“હશે, કાકી … જેવી ભગવાનની મરજી…. અને આ જયોતિ છે ને ….” - વરંડાના હીંચકા પર કાકીના હાથે કોળિયો ભરતા બંને બાળકો પર નજર પડતાં તેનાથી બોલી જવાયું

“તોય કાકી માની તોલે થોડી જ આવે ? અને એ પણ કેટલા દિવસ? આજે લાગણીના પુરમાં તણાઇ છે .પણ કાયમ આવો જ પ્રેમ થોડી રાખી શકવાની છે ? એ તો એનેય એનું થશે એટલે ...” ડાહીમા આગળ શું બોલ્યા એ એને ન સંભળાયુ.

સંભળાય પણ કયાંથી ? “એ તો એનેય એનું થશે એટલે” શબ્દોના ધ્વનિ એને ખેંચી રહયા . એ તો પહોંચી ગઇ હતી, ચારેક વર્ષ પહેલાની જીંદગી માં.

“મારી .. ગુડ્ડી .. હવે તારા હવાલે.” તૂટતા, કદીય ન જોયેલા એ ચહેરાના શ્વાસો જાણે એને કહી રહયા હતા.

“કેમ ’લી., કયાં ખોવાઇ ગઇ ?”, -ડાહીમાએ એને ઢંઢોળી.

“આટલી મોટી ઢાંઢા જેવડી થઇ તોય નાનકાની બિસ્ક્ટોમાં જીવ છે? જા ઝટ વાસણ માંજી નાંખ….! હજી પોતુંય બાકી છે. આ તારા જેવડી સાત આઠ છોકરી તો ફુદરડીની જેમ આખા ઘરનું કામ ચપટી વગાડતાંમાં પતાવી દે.”, – સવારે પોતાના જ બોલાયેલા એ શબ્દો એને યાદ આવ્યા . પણ ત્યારે પેલી બે મોટી, નિર્દોષ, પ્રેમભૂખી આંખોમાં તગતગી ગયેલ બે આંસુ એને કાં ન દેખાયાં ?

એ દોડી. “બેટા” કહી સતત હડધૂત થતી એ દીકરીને પ્રેમથી ભીંજવી દેવા…...