તાળુ

ગઈ કાલે બજારથી આવતાં થોડું મોડું થઈ ગયેલું. દૂરથી એને જોતાં જ સ્વાતિ દોડતી આવી, “મમ્મી તું ના હોય તો મને નથી ગમતું, કહેતાં એને બાઝી પડેલી.

“ગાંડી નહીં તો’ હવે તો મોટી થઈ” એણે વહાલથી દીકરીનાં વાંસે હાથ ફેરવતાં પ્રત્યુત્તર આપેલો, “એ જે હોય તે. પણ મારી સ્કુલ છૂટે તે પહેલાં તારે ઘરે આવી જવાનું, કહેતા સ્વાતિ સખીઓ સાથે પુન: રમતમાં જોડાઈ ગયેલી.

હજુય સાવ નાદાન જ રહી ! ગઈ કાલની એ ઘટના અને સંવાદ યાદ આવતા એ મનોમન હસી પડી. હજુ તો બે જ વાગ્યા છે. ભાભીને ફોન કરી દીધો છે. એટલે ઘરે જ હશે. કલાકેક રોકાઈને નીકળીશ, તો પણ પાંચ પહેલાં તો ઘરે પહોંચી જ જવાશે. વળી જરા વહેલું- મોડું થાય તો પડોશીને નજર રાખવાનું કહ્યું જ છે ને ! વિચારતાં તેણે ઝડપથી ચાલવા માંડ્યું.

ગામના પાદરથી પસાર થતા જ નજર સમક્ષ બાળપણ તાદ્રશ્ય થઈ ગયું. કેટલા સમય પછી એ આ ગામમાં આવતી હતી! બાપુજી તો વર્ષો પહેલાં ગુજરી ગયેલા. બાને ગયે પણ સાત-આઠ વર્ષ થઈ ગયા. હવે તો ભાઈ-ભાભીના ઘરે પ્રસંગોપાત જ જવાનું થતું.

પોળમાં વળતાં પરિચિત વાતાવરણથી પ્રસન્ન થઈ જવાયું. ઢાળ ચઢીએ બીજા ફળિયામાં પ્રવેશી. સામે જ ઘર દેખાયું. ખુશીની એક લહેર ઉઠી. પણ ક્ષુણ પૂરતી જ. ઘરને તાળું! વેદનાની એક ટીસ ઉઠી. આજે બા હોત તો . . . . . ! એના ગળે ડૂમો ભરાયો. એનાથી બાજુના ઘરના પગથિયા પર જ બેસી જવાયું.

એને પુનઃ ગઈકાલે દીકરી સાથે – થયેલો સંવાદ યાદ આવી ગયો…….

-મીનાક્ષી વાણિયા