રંગપૂરણી

Minakshi Vania
Jul 27, 2017 · 4 min read

ચિત્ર નંબર અગિયાર કિટી પાર્ટીની વોલેન્ટિયર ઓર્ગેનાઈઝરનો અવાજ ગૂંજવો. વૃંદાના દિલની તેજ ધડકનો થોડી ક્ષણો શાંત થઈ. હાશ ! ૨૪ નંબરનું ચિત્ર હજુ બાકી છે. તેણે પુનઃ આંખો બંધ કરી પ્રાર્થના કરી લીધી; ચિત્ર નંબર ૨૪ તેને જ મળે !

વૃંદા છેલ્લા આઠેક વર્ષથી આ મહિલા મંડળમાં જોડાઈ; ત્યારથી મંડળની પ્રવૃત્તિઓમાં નાવીન્ય આવ્યું હતું. તે દર મહિને કોઈ નવી જ સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવતી. આ મહિને રંગપૂરણી સ્પર્ધા હતી. પરંતુ સ્પર્ધાની વિશેષતા એ હતી કે સ્પર્ધકે પોતે કોઈ ચિત્ર કે રેખાકૃતિ દોરવાની ન હતી. વળી બધાને એક સમાન ચિત્ર પણ મળવાનાં ન હતા. બધાં જ ચિત્રો જુદાં હતાં. જેને ભાગે જે ચિત્ર આવે તેમાં જ તેણે રંગપૂરણીનું કૌશલ્ય બતાવવાનું હતું.

છેલ્લાં ત્રણ માસથી સમગ્ર વોલેન્ટિયર મંડળ ચિત્રો શોધવાનાં, તેને નંબર આપવામાં અને સ્પર્ધકોના નામની ચિઠ્ઠીઓ બનાવવામાં પ્રવૃત્ત હતું. વૃંદાએ પોતે પણ ખૂબ જ રસ લઈને ચિત્રોની તારવણી કરેલી. પણ તેને ચિત્ર નં ૨૪ પહેલી નજરેજ ગમી ગયેલું. તેની કલ્પનામાં ચિત્રના રંગો, શેડ્સ, આંતરિક બારીક રેખાંકન અને સંપૂર્ણ ઉપસતી રેખાકૃતિનું રંગીન 3 D ચિત્ર ઉપસી આવેલું. આ ચિત્ર મને મળે તો બધા કરતાં શ્રેષ્ઠ રંગપૂરણી મારી જ હશે. તેણે વિચારી લીધેલું. જાણે તેને આ ચિત્ર જ મળવાનું ન હોય ? તેમ તેને બીજું ચિત્ર મળે તો કઈ રીતે કાર્ય કરવું તેનો વિચાર સુધ્ધાં ન આવ્યો. એણે જુદા જુદા શેડ્સ મુજબ પેન્સિલ, વોટર અને પેસ્ટલ કલર પણ વિચારી લીધા. એના મનોચક્ષુ સમસ્ત રંગસભર ૨૪ નંબરનું ચિત્ર તરવરી રહ્યું.

“બંસરી રાઠોડ !”, બાઉલમાં હાથ નાંખી, ચિઠ્ઠી ઉપાડીને વોલેન્ટિરે મોટેથી વાંચી. “ઓહ ! ફુવડ”, — વૃંદાથી મનોમન બોલાઈ ગયું.

બંસરીનું કુટુંબ છેલ્લા દોઢેક વર્ષથી આ શહેરમાં રહેવા આવેલું એટલે તે હજુ છેલ્લા આઠેક માસથી જ આ મંડળમાં જોડાયેલી. પ્રથમ મુલાકાત સમયે જ વૃંદાને એક રમૂજી વિચાર આવી ગયેલો, “નામ બંસરી; પણ દેખાવે તો છે ઢોલ !” વળી વસ્ત્ર પરિધાન પણ ભડક લાલ, લીલા રંગનું જ. વાત કરે ત્યારે કારણ વગર ખી ખી ક્યાં કરતી. એને જોતાં જ વૃંદાને એક અજીબ ચીડ આવતી; પણ મંડળની સદસ્ય એટલે અવારનવાર મળવાનું થતું. બંસરી મોટા ભાગે એના ઘરે કિટી પાર્ટી ગોઠવાય તેવો આગ્રહ રાખતી. શ્રીમંતાઈનું પ્રદર્શન કરવા જ સ્તો ! પણ એથી તો વૃંદાની બાજ નજરમાં, ગૃહિણી તરીકે એ ઝીરો થઈ જતી. નોકરોના હવાલો અસ્તવ્યસ્ત ઘર અને તૈયાર નાસ્તા. . . . આવી સ્ત્રીઓના કારણે જ કુટુંબ અને સમાજ દિશાવિહિન બને છે, એ વિચારતી.

ચિત્ર નંબર ૨૪ ! ઓહ. . . . વૃંદાના કાને શબ્દ પડતાં જ એક ચીસ ઊઠી. આ ગમાર, ફુવડના ભાગે આ ચિત્ર. . . . તે શૂન્યમનસ્ક બની ગઈ. પછીના ક્રમે પોતાનું સંભળાતાં તે કમને ઉઠી, પોતાને મળેલ ચિત્ર લઈ, હોલના એક ખૂણામાં ફળવાયેલ સ્ટેન્ડ પર જઈ યંત્રવત રંગ પૂરવા લાગી. રંગો તો હતા જ વળી આગવી સૂઝ. અજ્ઞાત મનનું દિશા સૂચન. સમય પૂર્ણ થયો. અરે વાહ ! પોતાના ચિત્ર પર નજર પડતાં તે સ્વયં આનંદોશ્વાર્યથી ચકિત થઈ ગઈ.

. . . . “મમ્મા, તારા ચિત્રને પ્રથમ ઇનામ મળ્યું છે.” સપરિવાર ચિત્ર પ્રદર્શન જોવા આવેલી વૃંદાને, દોડીને આગળ જઈ ચિત્રો જોઈ પરત આવેલી દીકરીએ કહ્યું. “અભિનંદન. મને તો 100 % ખાત્રી હતી જ.”, પતિએ પ્રસન્ન વદને સૂર પૂરાવ્યો. પગથિયાં ચડી ડાબી બાજુ વળતાં જ તેના મુખમાંથી ઉદ્ગાર સારી પડ્યો, “ઓહ નો !” રંગોના લપેડાએ ૨૪ નંબરના ચિત્રને ઉલ્ટાનું કુરૂપ કરી મૂક્યું હતું. એનો પ્રથમ નંબર મળ્યાનો આનંદ બાષ્પીભવન થઈ ગયો. બીજા ચિત્રો જોવામાંય એને રસ ન પડ્યો.

પતિ અને દીકરી સાથે લગભગ ખેંચાઈને જ એ પોતાના ચિત્ર સામે ઉભી રહી. “અદભૂત, પાછળથી ચિરપરિચિત અવાજ કાને પડ્યો.” અરે, તન્મય તું ?. . . તમે ! કેટલા વર્ષે. . .”, બે ત્રણ દિવસની વધેલી દાઢી, નિસ્તેજ આંખો અને મ્લાન ચહેરાવાળા એ ચોળાયેલા લેંઘા ઝભ્ભા ધારીને જોતાં જ વૃંદાના મનોચક્ષુ સમક્ષ 15 વર્ષ પહેલાંનો તરવરિયો, કલીન શેવ, એકપણ સળ વિનાનાં સૌમ્ય વસ્ત્રોવાળો તન્મય તરવરી ઊઠ્યો.

“હા, અહીં છું છેલ્લા દોઢેક વર્ષથી”, તન્મયે પ્રત્યુત્તર આપતાં પૂછ્યું , “ અને વિનય ? કેમ છે ? ક્યાં છે ?”

“ભાઈ તો લગ્ન પછી બીજા જ વર્ષે અમેરિકા ગયેલા ત્યાં જ સેટ થઈ ગયા છે. આખા કુટુંબ સાથે. . .”

“અને અંકલ આન્ટી ?. . . .” પ્રશ્ન પૂછાવાની રાહ જોવા વિના જ વૃંદાએ કહી દીધું, “મમ્મી પપ્પાતો ત્યાં જ છે; એ જ જૂનાં ઘરમાં.”

માણસ આટલો બધો બદલાઈ જાય ? એની વાણી, વેશભૂષા, ભાષા, શૈલી. . . સઘળું જ ? તન્મય સાથે વાતો કરતા વૃંદા વિચારી રહી.

તન્મય વિવેકનો ખાસ મિત્ર અને વૃંદાનો મિત્ર, માર્ગદર્શક અને મદદગાર. સંકટ સમયની સાંકળ. ગણિતના અઘરા દાખલા હોય કે નિબંધ લેખન, વક્તૃત્વની સ્પર્ધા હોય કે સખી મંડળ સાથે પિક્ચર જોવા જવા માટે ઘરેથી રજા મેળવવી હોય. વૃંદાનું ગાડું જ્યાં અટકે ત્યાં તન્મય હાજર. ઊંમરમાં બંન્ને વચ્ચે ચાર જ વર્ષનું અંતર પણ સ્વભાવમાં જમીન આસમાનનું. વૃંદા ચંચળ, ઉતાવળી, રમતિયાળ. તન્મય શાંત, ઠરેલ અને ધૈર્યવાન, પણ રમૂજી બંન્ને. રમત કે રાજકારણ, પુરાણ કે સાંપ્રત પ્રવાહ, ધર્મ કે વિજ્ઞાન બંનેની ચર્ચા કલાકો ચાલતી. એ ચર્ચામાં પણ બંન્નેની વિનોદવૃત્તિ ઘરને જીવંત બનાવી દેતી.

એકવાર તન્મય એના મામાના ઘરે અઠવાડિયું રોકાવા ગયેલો. પાછો આવ્યો ત્યારે “હવે મારું ઘર બનશે ફરીથી નંદનવન !” વૃંદાના મમ્મીએ કહેલું. અને વૃંદા દોડેલી રસોઈ ઘરમાં, તન્મયને મનપસંદ હલવો લાવવા. પણ તન્મય તો “મારે ઉતાવળ છે. મને શહેરમાં નોકરી મળી છે. આજ સાંજની ટ્રેઈનમાં જ જઈએ છીએ. હજુ પેકિંગ પણ બાકી છે કહેતાં, મીઠાઈનું બોક્સ આપીને ઝડપથી નીકળી ગયેલો. વૃંદાને એના અવાજમાં કે ચહેરા પર નોકરી મળવાની ખુશી નહોતી વર્તાઈ.

“પછી તમે તો ક્યારેય ડોક્યા જ નહી આ શહેરમાં. . .?” વૃંદાએ પૂછ્યું. “ક્યારનાય ત્યાં શું કરો છો ? મોડું નથી થતું હવે ?” એક કર્કશ અવાજે સંવાદ અટકાવ્યો. વૃંદાએ અવાજની દિશામાં જોવું, ઓહ બંસરી.

“હા. . .આ. . .., ચાલ”, કહેતાં તન્મય ઢોલ પાછળ દોરવાયો.

વૃંદાએ પુનઃ ૨૪ નંબરના ચિત્ર પર નજર નાંખી. હજુ થોડા લાઈટ શેડ્સ આપી ચિત્ર સુધારી શકાય. વૃંદાની કલ્પનામાં રંગોના લપેડા પર સૌમ્ય રંગોની પીંછી ફરતી રહી. એણે હેતથી ૨૪ નંબરના ચિત્ર પર હાથ પસવાર્યો. તે સુધારશે ચિત્ર. શીખવશે રંગ પૂરનારને. એના કર્ણપટ પર બંસરીના મધુર સ્વરો ગૂંજી ઊઠ્યા. ==== ==== =======@ મિનાક્ષી વાણિયા (શ્રી આર.પી.અનડા કોલેજ ઓફ એજ્યુ, બોરસદ)

Minakshi Vania

Written by

I don't teach, students learn because they have the potential. Values can't be taught. @જેને કાન હોય તે સાંભળે#

Welcome to a place where words matter. On Medium, smart voices and original ideas take center stage - with no ads in sight. Watch
Follow all the topics you care about, and we’ll deliver the best stories for you to your homepage and inbox. Explore
Get unlimited access to the best stories on Medium — and support writers while you’re at it. Just $5/month. Upgrade