સ્નેહાળ બંધન એ જ મુક્તિ

રસોઇ તૈયાર થઇ ગઇ. હજુ તો સાંજના સાડા સાત જ વાગ્યા હતા. વરંડામાંથી દિકરીને ખૂબ જ ગમતા જુઇના ફુલ લાવી, કાચના બાઉલમાં મુક્યા. પતિને પસંદ પીળા ગુલાબના કુંડા પ્રવેશદ્વાર આગળ ગોઠવ્યા. ફરી એક વાર ડાઇનીંગ ટેબલની સજાવટમાં થોડો ફેરફાર કરી લીધો. ઘડિયાળમાં આઠના ટકોરા વાગ્યા. હવે, ગાડી પ્લેટ્ફોર્મ પર આવી ગઇ હશે; પપ્પાની આંગળી પકડી સ્ટેશનનો દાદર ચડતી પ્રિયલની કલ્પનાથી એ રોમાંચિત થઈ ઊઠી. હવે, સ્ટેશનની બહાર આવી ગયા હશે એ લોકો. રિક્ષામાં ઘરે આવતાં, વધુમાં વધુ 10 મિનિટ, -તેણે વિચાર્યુ. રસ્તાની સામે જ પડતી બાલ્કનીમાં આવીને તે આરામખુરશીમાં ગોઠવાઈ. સ્ટેશનેથી ઘર સુધી આવતા લોકો પર અછડતી નજર ફેકી. આમ, શાંતિથી કોઇ પણ જાતની ખલેલ વગર નિરાંતે બેસીને પુસ્તક વાંચવાનું કે અસ્ત થતા સૂર્યને નિહાળવાનું એને કેટલું મન થતું? પણ આજે? આજે એને ઘડિયાળના કાંટા થંભેલા જણાતા હતા.
 સવારે દૂધવાળો આવે ત્યારથી રાત્રે પ્રિયલના હાથમાં દૂધનો પ્યાલો પકડાવવા સુધીમાં એને કેટલી દોડધામ થતી.. દિકરીને ઉઠાડવી, તૈયાર કરવી, નાસ્તાનો ડબ્બો, વોટર બેગ… સાથે પતિના ફરમાનો. પથારીમાં ખાંસતા સસરા અને દિ’ આખો પૂજા કરતાં સાસુ. વળી વધારામાં, ઘરખર્ચને પહોંચી વળવા ખાનગી સ્કુલમાં કરવી પડતી નોકરી.
 ક્યારે મળશે શાંતિ?, હું જ ક્યાંક ભાગી જાઉં, આ બધી જંજાળથી ! કવચિત, પણ તેને વિચાર તો જ આવી જતો. ક્યારેક કંટાળતી તો, બોલી ઉઠતી; “હું નઈં હોઉં, ત્યારે ખબર પડશે બધાને…” જવાબમાં મધુરા મલકાટ સાથે બાપ- દીકરી કહેતા, “પણ અમે એમ કંઇ તને થોડા જવા દેવાના હતા?” અને “ અમારી અન્નુ તો લાખોમાં એક છે. નશીબદાર હોય એને આવી વહુ મળે.”- સાસુ સસરાના પ્રેમાળ વેણ તેનો આખા દિવસનો થાક ઉતારી દેતા. હીરના તાંતણે બંધાતી જતી હતી એ.
 ગયા શુક્રવારે જ કંપનીના કામે એમને કલકત્તા જવાનું થયું. “હું મોટા પપ્પાને ત્યાં રહીશ“, -કહી પ્રિયલ પણ જીદ કરીને સાથે જ ગઇ. “અમે પણ થોડો હવાફેર કરી આવીએ; આમેય મોટો કાયમ બોલાવ્યા કરે છે. તો આ વખતે પંદરેક દિવસ જઈ આવીએ.”, સાસુજી પણ વાતમાં જોડાયેલાં. પોતે ઘરે જ રહેવાનું પસંદ કરેલું. શનિવારે સવારે સંપુર્ણ પરિવારને વિદાય આપ્યા પછી નિરાંતે ટી.વી. પર ફિલ્મ જોઇ. બપોરે ઊંઘી ગઇ. સાંજ અડોશ-પડોશમાં સખી મંડળ સાથે વિતાવી. રવિવારની પણ મન ભરીને મઝા માણી! પણ સોમવારથી ? હવે મુક્તિ એને બંધન લાગતી હતી. 
“ગુરૂવારની રિટર્ન ટિકિટ બુક કરાવીએ? ફાવશે તને આખું અઠવાડિયું એકલા?” પ્રશ્નના પ્રત્યુત્તરમાં “ અઠવાડિયું પણ ક્યાં પૂરું..? આજે શુક્રવાર તો થયો. કાલે શનિવારથી પાંચ દિવસ! અને આમ પણ મારે ઘણું કામ છે; નિરાતે પૂરું કરીશ બધું.” — કહેતા હસી હતી એ. હવે પાંચ મિનીટ પણ એને પાંચ યુગ જેટલી લાગતી હતી. 
 નીચે રિક્ષા આવીને ઊભી રહી. તે દરવાજો ખોલવા ઊઠી……
 જમીને વાસણનો ખડકતો એમ જ રહેવા દઇ, એ બેડરૂમમાં આવી, “મમ્મી, માથું ખુબ દુ:ખે છે, બામ ઘસી દે ને ?”પ્રિયલે એના ખોળામાં માથું ગોઠવ્યું. “સાચું કહું, ત્યાં ભાભી ખૂબ સાચવતાં હતાં પણ મને તારા વિના જરાયે ન ફાવ્યું. આજની ટિકિટ બુક કરાવેલી હતી; નહીંતર હું તો બીજે જ દિવસે પાછો આવી જાત.” -બોલી મહાશય પડખું ફેરવી, ઊંઘી ગયા.
 એણે એક સ્નેહાળ નજર ઘસઘસાટ ઊંઘતા બંને સ્વજન તરફ નાખી. લાઇટ બંધ કરી એ રસોડામાં અધૂરા મુકેલા કાર્યો કરવા ચાલી. . . . . મીનાક્ષી વાણિયા