સ્નેહૌષધિ

ઘરે પહોંચતા જ, પર્સ એક બાજુ ફેંકી તેણે સોફા પર જ લંબાવ્યું. માથું ફાટફાટ થતું હતું. નોકરીથી છૂટી ‘ડે કેર’માંથી દીકરીને લઈને ઘર સુધી પહોંચતા સુધીનો રસ્તો એને જોજનો દૂર લાગેલો. “બેટા, તું થોડી વાર રમી આવ”, કહી આંખો બંધ કરી તે થાક ઉતારવાનો પ્રયત્ન કરી રહી.

કાંઈક ખખડાટ થતાં એણે આંખો ખોલી. રોજ તો રમવા માટે ઉતાવળી થતી અને ક્યારેક પોતાને પણ સાથે રમવા માટે ખેંચી જતી દીકરી, અત્યારે ફર્સ પર બેસીને એક હાથમાં પાણીનો વાટકો અને બીજા હાથમાં આઈસ ટ્રે લઈને કશુંક કરી રહી હતી. હવે આખો રૂમ પાણી પાણી કરી મૂકશે અને વળી બરફ ખાઈને બિમાર થશે તે જુદુ. બે-ત્રણ મિનિટો પછી થનારું રૂમનું દૃશ્ય કલ્પીને તે ગુસ્સે ભરાઈ ગઈ. પરંતુ કશું કહેવા જેટલી શક્તિ પણ હણાઈ ગયેલી. તેણે ચુપચાપ પુનઃ આંખો બંધ કરી દીધી.

થોડીવારે કપાળ પર ઠંડા રૂમાલનો સ્પર્શ અનુભવતાં તેણે આંખો ખોલી. “મમ્મી, જ્યારે મને તાવ આવ્યો’ તો ત્યારે તેં પોતાં મૂક્યાં હતાં ને? મને કેવો તાવ ઉતરી ગયેલો ! જોજેને, તને પણ જલ્દી મટી જશે.”, કહેતી દીકરીના ટચુકડા હાથોનો હુંફાળો સ્પર્શ ચમત્કાર સર્જી રહ્યો હતો. એ જાદુ સાત વર્ષની સમજણનો હતો કે મમ્મીમય બનેલ દીકરીના રસાળ હૈયામાંથી વહી રહેલી સ્નેહની સરવાણીનો? એની બધીય વેદના બે અશ્રુબિંદુ સાથે વહી આવી. એ દીકરીને ભેટી પડી. “ચાલ બેટા આપણે થોડું રમી આવીએ. પછી તને ભાવતું શાક બનાવી આપું.”, કહી એની આંગળી પકડી ઘરની બહાર બગીચા તરફ ચાલી.

મિનાક્ષીબેન સી. વાણિયા. શ્રી. આર.પી.અનડા કોલેજ ઓફ એજ્યુ.,બોરસદ