Trek to Jambughoda through Invincible NGO
Day 1: Visit to Champaner and activities on a Hill
ઘણા સમય પછી રાજકોટનાં મિત્રો સાથે ટ્રેકમાં જવાનો મોકો મળ્યો. સાતમ-આઠમની રજાઓમાં ક્યાંક ફરવા જાવાની ઈચ્છા હતી અને ખબર પડી કે ચાર ‘૪ અક્ષર’ ટ્રેકમાં જાય છે એટલે મેં પણ ‘Invincible’માંથી જાંબુઘોડાનો ટ્રેક બૂક કરી લીધો. અમારી સાથે મારા જૂનાં સાપુતારા ટ્રેક વાળા ૨ મિત્રો, હિતેશ અને ઋષભ, પણ જોડાઈ ગયા જેમાંથી હિતેશ કવિ છે.

જન્મદિવસ પૂરો થયો એ રાત્રે રાજકોટથી મિત્રો અમદાવાદ આવી ગયા અને અમે નીકળ્યા. કંદુએ એની કાબિલિયત પ્રમાણે LD કોલેજમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવા છતાં સેટિંગ કરી જ નાખ્યું. LD કોલેજમાં ગ્રુપ બન્યા અને ઇન્સ્ટ્રકટર વરૂણ અને અભિષેક સાથે બસમાં નીકળ્યા. ‘આકાશ’ કંપનીની બસ એના નામ પ્રમાણે મોડી જ પહોંચી (આકાશ અમારો એક મિત્ર છે જે હંમેશા મોડો જ આવે). એટલે તેની રાહમાં બધાં મોડા થયા. સવારે ૫:૩૦ વાગ્યે ધીંગા-મસ્તી કરતાં અને છેલ્લે સૂતા-સૂતા પહોંચ્યા ત્યારે ખુલ્લા ઘાંસવાળા મેદાનમાં બસ પાર્ક થઈ.

સૌથી પહેલા તો ઇન્સ્ટ્રકટરે શીખવાડ્યું એમ બધાં એ પોતાની ટેન્ટ બાંધી અને સામાન એમાં રાખીને અમે નીકળ્યા. સૌથી પહેલા જ જયારે ‘ફોલ-ઈન’ (ઇન્સ્ટ્રકટર સીટી મારે એટલે ૫ મીનીટમાં બધાં એ પોતાના ગ્રુપ પ્રમાણે લાઈનમાં ઊભું રહી જવાનું) થયું ત્યારે હું મોડો પહોંચ્યો. વરુણેભાઈએ આગળ બોલાવ્યો. એ તો મને ખબર હતી કે પહેલી વખત તો કાંઈ કરશે નહિ એટલે તે બહાને મને એક ‘ફોલ-ઈન’નો ફોટો પાડવા મળી ગયો. વોર્નિંગ આપીને જવા દીધો.

ત્યાર પછી તો ૫-૬ મિત્રો ખુલ્લામાં પેશાબ કરતાં પકડાયા એમને ૨૦ push-ups કરાવ્યાં અને બીજે દિવસે એક મિત્ર મોડો આવ્યો એને પણ ૨૦ push-ups કરાવ્યાં. ફરી વાત પર આવીએ તો ફોલ-ઈન પછી નાસ્તો કરીને બસમાં ચાંપાનેર જોવા નીકળ્યા. સરસ મજાની હેરીટેજ મસ્જીદ જોઈ જેમાંથી એક તો મેં પહેલેથી જોઈ હતી. લોકો બૂટ-ચપ્પલ પહેરીની અંદર જઈ રહ્યા હતા એ ન ગમ્યું પણ આ જ દુનિયા છે, શું કરીએ અને કેટલાકને સમજાવીએ? ત્યાં એવી કોઈ બૂટ-ચપ્પલ બહાર કાઢવા માટે સૂચના પણ નથી લખેલી.
મસ્જીદમાં ખૂબ સરસ કોતરકામ કરેલું હતું અને ખૂબ ભવ્ય મસ્જીદો લગતી હતી. શહેર-કી-મસ્જીદ, નગીના મસ્જીદ અને જામા મસ્જીદ જોઈ જેમાં સૌથી સરસ અને ભવ્ય જામા મસ્જીદ લાગી. એ જોઈને પાછા બેઈઝ કેમ્પમાં ફર્યા જે સાઉ નજીક જ હતો.





જમીને જાંબુઘોડા તરફ એક પહાડ ચઢવા ગયા. એક-દોઢ કલાકનો રસ્તો. બસમાં બધાંએ ગીતો વગાડ્યા ત્યાં આવી ગયું. રેપલીંગ થઈ ન શક્યું કારણ કે અમને એવું જણાવવામાં આવ્યું કે વરસાદનાં કારણે પથ્થર લપસણા થઈ ગયા છે. તેથી એક નાનો પહાડ ચઢ્યા. અઘરી જગ્યા હતી. કુદરતે પથ્થરો વ્યવસ્થિત તોડીને ગોઠવ્યા હોય એવું લાગતું હતું. ઉપર ગયા ત્યાં તો સરસ નજારાઓ દેખાવા લાગ્યા. જેમ જેમ ઉપર જાય એમ એમ ઈશ્વરનો પડદો ખુલે અને દર્શન થાય તેમ જ અહિયાં પ્રકૃતિ રૂપી ઈશ્વરનાં પડદા ખુલતા ગયા અને રળિયામણા નજારાઓ વધુને વધુ સારા દેખાતાં ગયા.

ચારે-કોર પર્વતમાળા દેખાતી હતી. ઉપર અલગ અલગ એક્ટીવીટી કરાવવામાં આવી જેમ કે ચીમની (નજીક સ્થિત બે ઊંચા પથ્થર વચ્ચે હાથ અને પગ સામસામે ટેકવીને ચઢવું), રોક ક્લાઈમ્બીંગ (મોટા એક પથ્થર પર ગ્રીપ બનાવીને ચઢવું), બેલેન્સીંગ, વગેરે. ટેકનીકના અભાવ અને ઘર્ષણવાળા પટ્ટા અને જીન્સનાં કારણે ચીમની તો ન કરી શક્યો પણ ત્રણ કોશિશે પથ્થર ચઢી શક્યો. વરસાદ ચાલુ થયો એટલે થોડું રોકાઈ અને પછી પાછા ફર્યા. ધીરે ધીરે લપસણા ઢાળવાળા પથ્થરો ઉતરતા નીચે પહોંચ્યા.

બસ ચાલુ થઈ અને અંતાક્ષરી રમતાં-રમતાં ફરી બેઈઝ કેમ્પ એક-દોઢ કલાકે પહોંચ્યા. જમવામાં પાઉંભાજી, પુલાવ અને છાશ હતાં અને પીરસવામાં અમારો, એટલે કે ચાર્લી ગ્રુપનો, વારો હતો. બધાંને પેટ ભરીને જમાડ્યા. જે લેવા આવે એમના મોઢે ‘જય સીયારામ’ કે ‘જય શ્રીકૃષ્ણ’ બોલાવવાનું અને પછી જ આપવાનું કારણકે બાર વાગ્યે કૃષ્ણજન્મ હતો. રાત્રે કેમ્પ ફાયરમાં ઓળખાણ થઈ, કવિરાજની એક સાંભળેલી કવિતા ફરી સાંભળી અને પછી હળવેકથી ઊભા થઈને બહાર રખડવા ગયા. અમને બહારની ખુલ્લી અને ઠંડી હવા મદિરાના નશા જેવી ચડી ગઈ અને એક અલગ જ મૂડમાં અમે આવી ગયા. ખૂબ વાતો અને મોજ મજા કરીને પાછા ફર્યા. પાછા આવીને ગેઈટ પાસે ઝાડવા નીચે મસ્ત ફરતો ઓટો બનાવેલો હતો ત્યાં એકાંતમાં ભીડથી દૂર બેઠા અને વાતો-મસ્તી કરી. વાદળીયું વાતાવરણ હોવાનાં કારણે તારામંડળ દેખાતું નહોતું. પાવાગઢનો ડુંગર તો દૂરથી કેસરી લાઈટથી રંગાયેલ કેસરી વાદળાઓથી ઢંકાઈ ગયો હતો અને રોપ-વેનાં થાંભલાઓની બત્તી તારાઓ જેવી ચમકતી હતી. રાત્રે ૧૦.૩૦ વાગ્યે તો સુવા ગયા અને ૧૧ વાગ્યે તો સુઈ પણ ગયા. પાડ્યા ભેગી ઊંઘ પણ આવી ગઈ.
Day-2: Trek to Makhaniya Hill and Hathini waterfall
સવારે ૫.૩૦ વાગ્યે ઉઠ્યો અને સવારની ક્રિયાઓ પતાવી સામાન પેક કરીને વહેલો નવરો થઈ ગયો. મારા ગ્રુપવાળા તો નિરાતે ઉઠનારા એટલે નાસ્તો હિતેશના ગ્રુપ સાથે કર્યો. મસ્તીના ભજીયા ખાતો હતો ત્યાં એક મિત્રએ આવીને કીધું કે “આજે મારે ઉપવાસ છે”. એ સાંભળીને ખૂબ અફસોસ થયો. કૃષ્ણજન્માષ્ટમી અને શ્રાવણ મહિનાનો સોમવાર બન્ને એકસાથે. ખૂબ જ મહત્વપૂર્ણ દિવસનો ઉપવાસ ચૂકી ગયો. છેવટે નામથી કામ ચલાવવાનું નક્કી કર્યું.
ફોલ-ઈન પતાવીને બધાં બસમાં પોત-પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. બીજો એક પથ્થરનો ડુંગર ચઢવા જવાનું હતું. ફરી પાછા જાંબુઘોડાના રસ્તે બસ ગઈ અને આ વખતે એક બીજો રસ્તો લીધો જેમાં ફટાફટ ડુંગર સુધી પહોંચી ગયા. બસમાં મને, બાપુને અને કંદુને ફૂલ મોજ આવી જેના કારણો અહિયાં લખાશે નહિ. આ વખતે તો DSLR ભૂલ્યા વિના સાથે લઈ જ લીધો હતો. ઉતરતા વહેત ફોટા ચાલુ. શરૂઆત સિગ્નેચર ફોટાથી કરી જેમાં એક ડબ્બા પર ફોકસ રાખીને આખા ‘૪ અક્ષર’ ગ્રુપનો બ્લર ફોટો પાડ્યો.
પછી લોકોના થોડા ફોટાઓ પડીને Nature Photography શરુ કરી. થોડી વારમાં ચાલીને એક લાઈનમાં નાનકડી કેડીમાંથી ડુંગર તરફ ગયા જેનું નામ પાછળથી ગામડાનાં લોકો પાસે ખબર પડી. એ હતો ‘માખણીયો ડુંગર’. ચઢવાનું ચાલુ કર્યું અને હળવે હળવે ચાલતાં હું ગ્રુપથી આગળ નીકળી ગયો અને એલોકો છેલ્લે આવતાં હતા. છેલ્લે આવવાનો એક મોટો વાંધો એ કે જેવા જગ્યાએ પહોંચી કે તરત આગળ વધવાનું થાય અને નિરાતે માહોલની મજા લેવાનો મોકો ન મળે. ખાલી ગ્રુપમાં મસ્તી કરતાં કરતાં નિરાતે આવવા મળે એટલું જ. જગ્યાને માણવાની મજા રહી જતી હોય છે. એટલે રાહ જોયા વગર એકલો આગળ નીકળ્યો. ગતી વધારી અને કુદરતની પેઇન્ટિંગ નિહાળતા અને ઠંડી મજાની હવાને ભટકાતા આગળ વધતો ગયો. આગળ પહોંચ્યો ત્યાં હિતેશ-ઋષભ વાળા ગ્રુપ સાથે થઈ ગયો.
થોડી વાર પછી હું ફોટા પડતો હતો અને એલોકો આગળ નીકળી ગયા. રસ્તામાં એક ઝરણાંનો અવાજ સંભળાયો. અમે ૨-૩ મિત્રો જોવા ગયા ત્યાં તો મસ્તીનો ધોધ વહેતો હતો. અમે લોકો તો નહાવા ગયા અને મન ભરીને હાથ-પગ ધોયા, ઝરણાનું ચોખ્ખું પાણી પીધું, ફોટા પડાવ્યા અને પછી પાછા ફર્યા. હવેની ચઢાઈ કપરી હતી પણ બૂટ સારા હોવાથી લપસાતું નહોતું. રસ્તામાં અમુક ગામડાનાં લોકો આગળ જતાં હતા. એમણે પૂછ્યું તો ખબર પડી કે ઉપર માતાજીનું અને શિવજીનું મંદિર છે જ્યાં માનતા લેવા લોકો જાય છે.
લગભગ ૧ કલાક ચાલ્યા પછી એક વણાંક જેવું આવ્યું અને એ જગ્યા પ્રકટ થઈ હોય એમ સામે આવી. એવું લાગ્યું જાણે ભગવાનનાં દર્શન ખુલ્યા હોય. એક નાનું તળાવ હતું જે ખૂબ રમણીય દેખાતું હતું. સામેની તરફ હિતેશવાળું ગ્રુપ બેઠું હતું. પહેલી નજરે જોઈને આબુના ટ્રેકની યાદ આવી ગઈ જ્યાં આ જ પ્રકારનો માહોલ હતો પણ એ વધારે સરસ અને પહોંચવામાં અઘરું હતું. છતાં ખૂબ જ રમણીય જગ્યા હતી. ડાબી બાજુ એક કેડીમાંથી સામેની તરફ જવાનો રસ્તો હતો ત્યાં ગયો.
ઈંટથી બનાવેલ મંદિર હતું. અંદર શિવલિંગ, માતાની મૂર્તિ અને ઝગમગતો દીવો. ત્યાં ગામડાનાં લોકો આવ્યા હતા. અમે એમને પૂછ્યું કે શેના માટે આવ્યા છે, તો જવાબ મળ્યો કે સંતાનપ્રાપ્તિ માટેની માનતા લેવા. અહિયાં સ્ત્રી શિવલિંગના પથ્થરને ઉપાડે. જો તે પથ્થર પેટથી ઉપર સુધી ઉપાડી શકે તો સંતાન થાય અને જો ન ઉપાડી શકે તો ન થાય. આને શ્રદ્ધા કહો, સાયન્સ કહો કે અંધવિશ્વાસ કહો; જાણવાની મજા આવી. આ જ છે રખડવાના ફાયદા અને રખડવાનો આનંદ. મંદિર પાસે બહાર લોકોએ ઈંટ ઉપર ઈંટ ગોઠવી હતી. તેના વિષે તો ખબર જ છે કે ઘર મળે એવી માન્યતાના લીધે લોકો આવું કરતાં હોય છે બધી જગ્યાએ. કાં તો ઈંટ અથવા પથ્થર ગોઠવે.
ત્યાંથી તળાવના કિનારે બૂટ કાઢીને આરામથી બેઠો અને કેમેરો સાઈડમાં રાખ્યો માહોલની મજા લેવા. ઘણી વાર બેઠા પછી રાજકોટનું ગ્રુપ ઉપર આવ્યું. આવતાં જ આમ-તેમ ફોટા પડવાનું શરૂ થઈ ગયું. ઇન્સ્ટ્રકટરોનાં કહેવા મુજબ ગ્રુપ ફોટા પાડ્યા. અને થોડી વારમાં પાછા ફર્યા. ઉતરતી વખતે તો વધારે ધ્યાન રાખવું પડે એમ હતું કારણકે પથ્થરોનો ઢાળ ખૂબ અઘરો હતો. 45–50 ડીગ્રીની નજીકનો સ્લોપ હોવો જોઈએ. ચડતી વખતે જે નઝારો ન જોયો એ નઝારો ઉતરતી વખતે દેખાણો. ખૂબ જ અલૌકિક!
પહાડોની હારમાળા અને આજુબાજુ ડેમ કે નદીનું પાણી. ખૂબ જ સરસ દેખાવ હતો અને તરત જ અમને ચારેયને વિચાર આવ્યો કે “આહા! અત્યારે ૪ ખુરશી, ૧ ટેબલ, ૪ ગ્લાસ અને એમાં ભરવા માટેનું પ્રવાહી બરફ અને સોડા સાથે મળી જાય તો કેવી મજા આવે!” છેવટે કલ્પનાની કિતાબને બંધ કરીને નીચે ઉતરવાનું શરૂ કર્યું. રસ્તામાં ફરી પાછા ગુફામાં ઝરણાં પાસે ગયા, માથું પલાળ્યું, પાણી પીધું અને ભરીને નીકળ્યા. ઉતરતી વખતે રાજકોટનાં ગ્રુપ સાથે છેલ્લે જ રહ્યો જેના લીધે મોજ પણ આવે અને વધારે સમય પણ મળે. ફૂલ મજાક-મસ્તી અને ‘૪ અક્ષર’ કરતાં-કરતાં નીચે ઉતરતા હતા.

એક છોકરી (નામ નથી લખવું) પાસેથી કંદુએ બોટલ લઈને પાણી પીધું અને પછી આપવા માટે ઘા કર્યો તો પથ્થર વચ્ચેથી નીચે સરકી ગઈ. બધાં એને કહે કે જવા દે બોટલ તો એને કહ્યું કે મારી નથી; ઓફીસની બોટલ છે અને નીચે ઉતારીને લઈ આવી. હતી સાદી કોકા-કોલાની બોટલ. ઉપર આવી એટલે મસ્તી શરૂ! “હું તો એક વાર આગમાં કૂદીને બોટલ લેવા ગયો કારણ કે એ ઓફીસની બોટલ હતી”, “હું એક વાર બોટલ લેવા માટે નાયેગ્રા ફોલમાંથી નીચે કૂદી પડ્યો કારણકે ઓફીસની બોટલ હતી”, વગેરે. બધાંને આ ‘૪ અક્ષર’માં મોજ આવી. એ છોકરી પણ સારી હતી. એને ખોટું ન લાગ્યું. આખરે આપણે માહોલને હળવો કરવા માટે જ ફરવા નીકળતા હોઈએ. એમાં પણ અહં પકડી રાખીએ તો શું કામનું?
અમે બધાં ધીરે ધીરે ઉતરતા-ઉતરતા અને અમારો ‘બાઘો’ પડતા-પડતા નીચે પહોંચી ગયા. નીચે બસ તરફ જતી વખતે એક ગામડાંના બાપા હળ બાંધેલા બળદ લઈને ઘરે જતાં હતા. એમની પાસેથી કંદુએ દોરી માંગી અને બળદને હંકારવાનો અનુભવ મળ્યો. મેં પણ હંકાર્યા. મીકાએ હાથમાં લીધાં તો બળદ આખું ચકેડું ફરી ગયા. બધાં ખૂબ હસ્યા ને ફૂલ મોજ આવી. નીચે એક ઘરમાં ડંકી સીચીને હાથ મોઢું ધોઈને બસમાં બેઠા અને બીજાબધાં રમતાં-રમતાં અને અમે અમારી મોજ કરતાં-કરતાં ફરી બેઈઝ કેમ્પ પહોંચ્યા જ્યાં જમવાનું અમારી રાહ જોઈ રહ્યું હતું અને સામાન બંધાવા માટે રાહ જોઈ રહ્યો હતો.

મસ્ત છોલે-પૂરી જમીને, વરુણભાઈએ શીખવાડ્યા પ્રમાણે ટેન્ટ બાંધીને અમે બસમાં બેઠા અને હાથણી ધોધ તરફ પ્રયાણ શરૂ કર્યો. ફરી એક કલાકે સાંજે ૬ વાગ્યે પહોંચ્યા અને અમારે પાસે નહાવા માટે સવા કલાક હતી. ૭.૩૦ વાગ્યે બસ ઉપાડવાની હતી. ખૂબ ભવ્ય અને વિશાળ ધોધ હતો. ધોધ જોઇને જ ઉપર ચઢવાનું શરૂ કરી દીધું કે જ્યાં સૌથી વધારે ફોર્સ હોય. ચડ્ડી પહેરીને ગરદી વચ્ચે માંડ જગ્યા મળી નહાવાની. એકવાર ધોધ પાસે આવ્યો ત્યાં તો પૂરું. ગેલનો ભરી ભરીને ફૂલ ફોર્સથી પાણી આવતું હતું. પકડ બરાબર ન રે તો ઘા થઈ જાય એવો ફોર્સ હતો. પથ્થરોના ટેકે એક હાથે ચડ્ડી સાંભળી અને બીજા હાથે ચશ્મા સાંભળીને મન ભરીને નહાયા. છેવટે કીધું કે ૧૦૦ જટાશંકર ધોધ ભેગા થાય ત્યારે એક હાથણી ધોધ થાય. મારો આવો પહેલો વિશાળ ધોધમાં નહાવાનો અનુભવ હતો. જોયા તો ઘણાં પણ ધોધ નીચે નહાવાનો મેળ પહેલી વખત પડ્યો. મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર (પંચ કેદારમાનાં બે) વખતે અતી વિશાળ ધોધ પાસે ઊભું રહેવા મળ્યું પણ નીચે રહીને નહાવાનો અનુભવ આ પહેલી વખત હતો. કપડાં પહેરીને નીકળ્યા અને પાર્કિંગ પાસે મોજ કરી અને પ્રસાદ લઈને બસમાં બેઠા.

બસ ઉપડી. બધાંને સર્ટીફીકેટ અને કી-ચેઈન મળ્યા. મોજ મજા કરતાં કરતાં એક ટોલનાકા પાસે પહોંચ્યા. હાલોલ હતું. કંદુને કીધું કે રાત્રે એક વાગ્યે પહોંચીશું. એ કહે કે ૧૨ પહેલા પહોંચી જઈશું. વરુણભાઈને પૂછ્યું તો એ પણ કહે કે ૧૨ સુધીમાં પહોંચી જઈશું. વગર પૈસાની શરત લગાવી. થોડી વારમાં ગજબ સર્વિસ વળી હોટલમાં હોલ્ટ કર્યો. ઓર્ડર આપીએ કે થોડી જ વારમાં હાજર! પંજાબી જમ્યા. છેલ્લે તો મેનેજરે સામેથી પૂછ્યું કે ભાત ખાવા છે? અમે જેવી હા પડી કે એના હાથ માં ભાત હતા એ મૂકી દીધા. ફૂલ હસવું આવ્યું કે આ મેનેજર અંતર્યામી છે. ઓર્ડર આપતાં પહેલા જ આવી ગયો. બીલ ચૂકવીને બસમાં બેઠા અને દર વખતની જેમ રાઈટ એક વાગ્યે અમદાવાદ પહોંચ્યા. બાપુ સાથે વિદાય લીધી અને આશ્રમેથી સામાન લઈને રાજકોટ જવા માટે નીકળા.
કંદુ ગાડી ચલાવતો હતો એટલે અમે બધાં જગ્યા. ખૂશનસીબે સાજા-સારા રાજકોટ પહોંચી ગયા સવારે ૫હ વાગ્યે. પડ્યા ભેગી ઊંઘ અને ટ્રીપ પૂરી. જય સીયારામ !!!