એક ડાહ્યો રાજા સોલોમન સ્વરૂપવાન સ્ત્રીના આકર્ષણથી મુક્ત ન થઇ શક્યો (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

ઈસુના જન્મ પૂર્વે ૯૬૦-૯૨૨ સુધીનો કાળ રાજા સોલોમનનો હતો. એના રાજ્યનું નામ ઇઝરાયેલ હતું. જેરૂસલેમ તેનું પાટનગર હતંુ. તે કિંગ ડેવિડનો પુત્ર હતો. એક રાત્રે યહૂદીઓના દેવ યહોવાહે રાજા સોલોમનને સાક્ષાત્કાર આપી કહ્યું, “માંગ સોલોમન! હું તને શું આપું?”

રાજા સોલોમન ડાહ્યો માણસ હતો. એણે વિનમ્રતાથી કહ્યું, “હે ભગવાન! પૃથ્વીની રજ જેટલા અસંખ્ય લોકોનો તેં મને રાજા બનાવ્યો છે. હું એ બધાને સંભાળી શકું એટલા માટે મને ડહાપણ અને વિવેકબુદ્ધિ આપો જેથી હું એ બધાંને ન્યાય આપી શકું.”

દેવ ખુશ થયા. એમણે કહ્યું, “સોલોમન! તેં ધાર્યું હોત તો ધન,સંપત્તિ અને લાંબું આયુષ્ય માગી શક્યો હોત. તેં ધાર્યું હોેત તો તારા દુશ્મનનો જીવ માગી શક્યો હોત. એના બદલે તેં તારી પ્રજાનો ન્યાય કરી શકે એટલા માટે ડહાપણ અને વિવેકબુદ્ધિ માગ્યાં. એ તો મેં તને બક્ષ્યાં જ છે, પણ એની સાથે સાથે હું તને એટલું બધું ધન અને સંપત્તિ આપીશ કે જે અગાઉના કોઈ રાજા પાસે ન હોય.”

એ પછી રાજા સોલોમને જેરૂસલેમમાં તેના દેવ યહોવાહનું ભવ્ય મંદિર બનાવડાવ્યું. એ મંદિરનાં દ્વાર અને બારીબારણાં સોનાથી મઢી લેવાયાં. મંદિર તૈયાર થતાં ૨૦ વર્ષ લાગ્યાં. એ મંદિર બાંધવા માટે ત્રણ હજાર વર્ષ પહેલાં ૮૦ હજાર માણસોને કામે લગાડવામાં આવ્યા હતા.

રાજા સોલોમને તેના રાજ્ય ઇઝરાયેલને ૧૨ પ્રાંતોમાં વહેંચી નાખ્યું હતું. સોલોમન અને તેમના રાષ્ટ્રની અદેખાઈ કરનારાં બીજાં અનેક રાષ્ટ્રો હતાં. તેમાં ઇજિપ્તનો રાજા અર્થાત્ ફેરો એ રાષ્ટ્રનો વડો હતો. ઇજિપ્તનાં સાથીરાષ્ટ્રોમાં એક રાષ્ટ્ર શીબા પણ હતું. આજે તે યેમેનના નામે અને કદીક ઇથોપિયાના નામે જાણીતું હતું. એ શીબા પર રાણી જ રાજ કરતી હતી અને તે ક્વીન ઓફ શીબા કહેવાતી હતી. રાજા સોલોમનને હરાવવામાં બધાં જ રાષ્ટ્ર નિષ્ફળ ગયાં ત્યારે ક્વીન ઓફ શીબાએ ઇજિપ્તના ફેરોને કહ્યું, “આ કામ હું કરી દઈશ.”

“પણ તને ખબર છે ને કે તે ખૂબ જ વિચારશીલ રાજા છે. વિચારશીલ માણસો સશસ્ત્ર માણસો કરતાં વધુ ખતરનાક હોય છે. વળી તે રાજા ડાહ્યો પણ છે.” સાથીદેશના એક રાજાએ કહ્યું.

ક્વીન ઓફ શીબાએ કહ્યું, “માનવી ગમે તેટલો ડાહ્યો અને વિવેકબુદ્ધિ ધરાવતો હોય પણ આખરે તો તે માનવી જ છે. દરેક માણસની કોઈ ને કોઈ નબળાઈ હોય છે. હું મારા હોઠથી તેને પરાજય આપી દઈશ.”

ક્વીન ઓફ શીબાએ રાજા સોલોમનને હરાવવાનું બીડું ઝડપ્યું. તેના સૌંદર્યની અને કૌમાર્યની ચર્ચા દૂર દૂર સુધી ફેલાયેલી હતી. ક્વીન શીબાએ ઇઝરાયેલ અર્થાત્ ફિલિસ્તાન સાથે વેપારધંધો કરતા અમીર સોદાગર તામરિનને બોલાવી કહ્યું, “આપણા દેશમાં જેટલી પણ મૂલ્યવાન સુંદર ચીજો છે તે એકત્ર કરી રાજ્ય સોલોમનને ભેટ મોકલો.” અમીર સોદાગર તામરિન મૂલ્યવાન ચીજવસ્તુઓ લઈ રાજા સોલોમન પાસે ગયો અને રાણી શીબા તરફથી તે ચીજવસ્તુઓ ભેટ ધરી. રાજા સોલોમને શીબાએ મોકલેલી ભેટ સ્વીકારી અને બદલામાં ઘણી ચીજવસ્તુઓ શીબાને મોકલી. રાજા સોલોમને મોકલાવેલાં હીરા અને ઝવેરાત જોઈ ક્વીન ઓફ શીબા સ્તબ્ધ થઈ ગઈ અને રાજા સોલોમનને મળવા બેચેન થઈ ગઈ.

ક્વીન ઓફ શીબાએ જેરૂસલેમ જવાની તૈયારીઓ શરૂ કરી દીધી. શીબા રાજા સોલોમને બંધાવેલું ભવ્ય મંદિર પણ જોવા માગતી હતી અને તેની બુદ્ધિમત્તા તથા ડહાપણ પણ ચકાસવા માગતી હતી. ક્વીન શીબા માત્ર રૂપાળી નહોતી પણ સ્વયં શ્રેષ્ઠ બુદ્ધિ,સમજદારી અને પોતાના પદનું ગૌરવ ધરાવતી સાચા અર્થમાં કુંવારિકા પણ હતી. તેના સ્વરમાં ગજબનાક માધુર્ય હતું. તે કુશળ વક્તા પણ હતી. અરબી ભાષામાં તેનું નામ ‘બાલ્કિસ’ હતું, પણ લોકો તેને શીબા તરીકે જ ઓળખતા હતા. શીબાએ મોટા કાફલા સાથે ઇથોપિયાથી જેરૂસલેમ જવાની તૈયારી શરૂ કરી. ઇથોપિયાથી જેરૂસલેમ ૧૪૦૦ માઇલ દૂર છે. અરબસ્તાનના રણમાં થઈ જેરૂસલેમ પહોંચતાં શીબાને છ મહિનાનો સમય લાગ્યો હતો. ૮૦૦ જેટલાં ઊંટ અને ખચ્ચરો પર કીમતી ભેટસોગાદો સાથે ક્વીન શીબા જેરૂસલેમ પહોંચી.

રાજા સોલોમને ક્વીન શીબાનું ભવ્ય સ્વાગત કર્યું. ક્વીનને જબરદસ્ત સન્માન બક્ષ્યું અને પોતાના મહેલની બાજુમાં જ આવેલા એક મહેલમાં રાણીને ઊતરવાનો પ્રબંધ કરી આપ્યો. ક્વીન શીબાને જે મહેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો તેની ભવ્યતા જોઈ તે સ્તબ્ધ થઈ ગઈ.

ક્વીન હવે રાજા સોલોમનની સાથે વિવિધ સ્થળે જવા લાગી. એક દિવસ ક્વીને પૂછયું, “તમારા આરાધ્યદેવ કોણ છે?”

રાજાએ કહ્યું, “મારા આરાધ્યદેવ યહોવાહ છે, જે ઇઝરાયેલના ભગવાન છે.”

ક્વીન શીબા અનેક દેવોને પૂજતી હતી. ક્વીન ધીમે ધીમે રાજા સોલોમનની નિકટ આવતી થઈ પણ હજુ તેણે પોતાનું કૌમાર્ય અકબંધ રાખ્યું. ક્વીન શીબાએ રાજા સોલોમનની બુદ્ધિમત્તાની અનેક વાર કસોટી કરી. ક્વીન શીબાને છ મહિના જેરૂસલેમ આવ્યાને થઈ ગયા. તે દરરોજ સોલોમનને મળતી. અલબત્ત, રોજબરોજના આ મિલનમાં કામવાસનાને કોઈ સ્થાન નહોતું. ક્વીન શીબાની ભૂખ રાજા સોલોમન પાસેથી જ્ઞાાનપ્રાપ્તિની જ હતી, પરંતુ રાજા સોલોમનની સ્થિતિ હવે ભિન્ન હતી. એક તરફ તેને હવે ક્વીનના અદ્વિતીય સૌંદર્યનું સંમોહન થવા લાગ્યું હતું, બીજી તરફ તેની વિવેકબુદ્ધિ તેને સંયમી રહેવા ફરજ પાડતી હતી.

પૂરા છ મહિના બાદ ક્વીન શીબાએ રાજા સોલોમનને સંદેશો મોકલ્યો. “આપની બુદ્ધિમત્તાથી સંમોહિત થયેલી હું આજીવન આપની પાસે રહી જ્ઞાાન-પિપાસા તૃપ્ત કરવા માગું છું, પરંતુ મારા દેશ પ્રત્યેનું કર્તવ્ય મને ત્યાં પાછું બોલાવે છે. હવે મારા દેશ પાછા જવાનો સમય થઈ ગયો છે.”

શીબાનો આ સંદેશો સાંભળતાં જ રાજા સોલોમનની મનમાં રહેલી અભિપ્સાઓ ઊભરી આવી. ક્વીન શીબાના સૌંદર્યથી તે મોહિત હતો. એણે શીબાના તનનું સૌંદર્ય જોવા એક યોજના બનાવી. રાજા સોલોમને ક્વીન શીબાએ એક સંદેશો મોકલ્યો, “આવતીકાલે મારા દરબારમાં મારી શાસનપ્રણાલી પણ તમે નિહાળો. દરબારમાં તમારું સિંહાસન એવી જગ્યાએ ગોઠવવામાં આવશે કે એક પરદાની ભીતર તમે હશો. તમે બધાંને જોઈ શકશો પણ બીજા લોકો તમને જોઈ નહીં શકે.”

આ સંદેશો મળતાં જ ક્વીન શીબાએ સ્વીકૃતિ મોકલી આપી.

નિર્ધારિત સમય પર ક્વીન શીબા રાજા સોલોમનના મહેલમાં પહોંચી ત્યારે મહેલના વિશાળ કક્ષમાં ક્વીનના સ્વાગત માટે કતારબદ્ધ કેટલીક દાસીઓ ઊભી હતી. તે પ્રત્યેક બાંદીઓના હાથમાં પાણીથી ભરેલું એક પાત્ર હતું. બાંદીઓની કતાર પૂરી થયા બાદ છેલ્લે રાજા સોલોમન ક્વીન શીબાના સ્વાગત માટે ઊભા હતા. ક્વીન શીબા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ બાંદીઓ ક્વીનના પગને સ્પર્શે તે રીતે પાણી ફર્સ પર ઢોળતી ગઈ. પાણીથી વસ્ત્રો ભીનાં ન થાય તે હેતુથી ક્વીન શીબા તેનાં નીચેનાં વસ્ત્રો છેક ઘૂંટણ સુધી ઊંચકતી ગઈ. ક્વીન શીબાએ પગ પર ઢોળાતા પાણીને સ્વાગતની કોઈ પ્રણાલિકા સમજી લીધી, પરંતુ વાસ્તવિકતા એ હતી કે, રાજા સોલોમન શીબાના ઘૂંટણને જોવા માંગતો હતો. રાજાએ શીબાના ઘૂંટણના સૌંદર્યની ચર્ચા અનેક વાર સાંભળી હતી અને આજે તે શીબાના સ્વરૂપવાન ઘૂંટણ જોઈ અતિ પ્રસન્ન થયો.

ક્વીન શીબાના સત્કારમાં ભવ્ય મિજબાની રાખવામાં આવી. અતિ સુંદર મનોરંજન પણ પીરસવામાં આવ્યું. જાતજાતનાં પીણાં અને ભાતભાતનાં વ્યંજનો પીરસવામાં આવ્યાં. એ ભોજન અને પીણાંમાં એક યુક્તિ એવી કરવામાં આવી હતી કે ભોજનના કેટલાક સમય બાદ ખૂબ જ તરસ લાગે. મિજબાની સમાપ્ત થયા બાદ શાહી મહેમાનોએ વિદાય લીધી. નોકરચાકરોને વિદાય કરીને રાજા સોલોમન ઊભા થઈ ક્વીન શીબા પાસે ગયા. ખૂબ જ વિનમ્રતાથી તેમણે કહ્યું, “તમને મારા માટે સન્માનની લાગણી હોય તો મારી વિનંતી છે કે આજની રાત અહીં જ વિશ્રામ કરો.”

શીબા ક્ષણભર માટે વિચારમાં પડી ગઈ. પણ થોડી વાર બાદ તે બોલી, “હું રોકાઈ જવા તૈયાર છું, પરંતુ તમારે મને વચન આપવું પડશે કે તમે મારી સાથે કોઈ પણ બળનો પ્રયોગ નહીં કરો.”

રાજા સોલોમને તરત જ કહ્યું, “હું વચન આપું છું કે, હું તમારી સાથે કોઈ બળપ્રયોગ નહીં કરું, પરંતુ તમારે પણ મને એક વચન આપવું પડશે.”

શીબાએ પૂછયું. “કયું વચન?”

રાજાએ કહ્યું, “તમે આ મહેલમાંથી ચોરીછૂપીથી કોઈ પણ ચીજ લેવાનો પ્રયાસ નહીં કરો.” ક્વીન શીબાએ કહ્યું, “આટલા બુદ્ધિમાન થઈ તમે મારી પર શંકા કરો છો? મારા રાજ્યમાં ધનદોલતની કોઈ કમી નથી. મને તમારી પાસેના જ્ઞાાન સિવાય બીજી કોઈ ચીજવસ્તુની જરૂર નથી. છતાં હું તમને વચન આપું છું કે હું તમારી કોઈ ચીજને નહીં લઉં.”

આ પ્રકારના વચનબદ્ધ થઈ બેઉ એક જ મહેલમાં અલગ અલગ શયનકક્ષમાં ચાલ્યાં ગયાં. બંનેના શયનખંડ બાજુબાજુમાં જ હતા. સૂતાંની સાથે થોડી જ વારમાં ક્વીન શીબાને તરસ લાગી. એણે બાંદીને પાણી લાવવા કહ્યું. બાંદીએ કહ્યું, “પાણી નથી.” આ તરફ ભોજન સમારંભમાં પીવરાવવામાં આવેલા વિશેષ પીણાની અસરથી શીબાની પાણીની તરસ વધવા લાગી હતી. એ રાત્રે રાજા સોલોમને પીવાના પાણીની તમામ સવલતો પ્રતિબંધિત કરી દીધી હતી. ક્વીન શીબાથી ન રહેવાતાં તે બેચેન થઈ ગઈ ને તે પીવાનું પાણી લેવા રાજા સોલોમનના કક્ષમાં ગઈ. ત્યાં મૂકેલું પીવાના પાણીનું પાત્ર ઉઠાવીને તે પાણી પીવા જતી હતી ત્યાં જ રાજા સોલોમને તેનો હાથ પકડી લેતાં કહ્યું, “થોભો.”

શીબાએ કહ્યું, “કેમ?”

રાજા સોલોમને કહ્યું, “તમે વચનભંગ કરી રહ્યાં છો.”

શીબાએ પૂછયું, “પાણી પીવાથી વચનભંગ કેવી રીતે? પાણી શું ધનદૌલત છે?”

રાજા સોલોમને કહ્યું, “પાણીથી અધિક મૂલ્યવાન ચીજવસ્તુઓ પૃથ્વી પર કાંઈ જ નથી. તમે વચન આપ્યું હતું કે, તમે મારા મહેલની કોઈ ચીજવસ્તુને ગ્રહણ કરશો નહીં.”

ક્વીન શીબાએ રાજા સોલોમનના એ તર્કનો સ્વીકાર કર્યો અને કહ્યું, “ઠીક છે. હું વચનભંગ કરીને પાપ કરી રહી છું, પરંતુ તમે તમારું વચનભંગ ન કરતા અને મને જળ પીવા દો.”

રાજા સોલોમને કહ્યું, “તમે ખુશીથી પાણી પી શકો છો, પરંતુ મારી પણ વિનંતી છે કે મને પણ મારી વચનબદ્ધતાથી મુક્ત કરો.”

ક્વીન શીબાએ અસહાય થઈને કહ્યું, “ઠીક છે. આપની જે ઇચ્છા હોય તે કરી લો પણ મહેરબાની કરી મને પાણી પીવા દો.”

રાજા સોલોમને તરત જ ક્વીન શીબાનો પકડેલો હાથ છોડી દીધો. શીબાએ પાણી પીધું અને રાજા સોલોમને પ્રસારેલા બાહુઓનું આમંત્રણ સ્વીકારી ક્વીન શીબા તેમાં સમાઈ ગઈ. ક્વીન શીબાએ તે સામે કોઈ જ વિરોધ ન નોંધાવ્યો. રાજા સોલોમનને જે કામના હતી તે પરિપૂર્ણ થઈ. એ રાત્રે ક્વીન શીબાના કૌમાર્યનો ભંગ થયો, પરંતુ એ રાત્રે રાજા સોલોમનને એક વિચિત્ર સ્વપ્નઆવ્યું. આકાશમાંથી સૂર્ય ધરતી પર ઊતરી આવ્યો. પહેલાં તેણે ઇઝરાયેલ પર પોતાનાં પ્રકાશકિરણો પ્રસાર્યાં. તે પછી સૂર્ય સરકતો સરકતો ક્વીન શીબાના દેશ ઇથોપિયા પર પ્રકાશ પ્રસારવા લાગ્યો. કેટલીક વાર બાદ બીજો એક સૂર્ય ઇઝરાયેલ પર ઊતરી આવ્યો પણ ઇઝરાયેલના લોકો તેને જોવા માગતા નહોતા. લોકો તલવારો લઈને તેનો વિરોધ કરવા લાગ્યા. આ સ્વપ્નથી રાજા સોલોમન ડરી ગયો.

બીજા દિવસે ક્વીન શીબાએ રાજા સોલોમનની વિદાય લઈ ઇથોપિયા તરફ પ્રસ્થાન કર્યું. રાજાએ અસંખ્ય ધનદૌલત અને અનેક પશુ ક્વીન શીબાને ભેટ આપ્યાં, જેમાં ૬૦૦૦ જેટલાં ઊંટ અનેક કીમતી વસ્તુઓથી ભરેલાં હતાં. જતી વખતે રાજા સોલોમને ક્વીન શીબાને એક વીંટી ભેટ આપી અને કહ્યું, “આ મારા પ્રેમની નિશાની છે. તમને પુત્રનો જન્મ થાય તો તેને મારી પાસે મોકલી દેજો.”

ક્વીન શીબાને પાછા પોતાના રાજ્યમાં પહોંચતાં મહિનાઓ લાગ્યા. રસ્તામાં જ ક્વીન શીબાએ પોતાની સાથે પુત્રરત્નને જન્મ આપ્યો. પોતાના રાજ્ય પહોંચીને ક્વીન શીબાએ પોતાની સાથે લાવેલું ધન લોકોમાં વહેંચી દીધું અને પુત્ર મોટો થતાં ક્વીન શીબાએ રાજા સોલોમન પાસેથી જે જ્ઞાાન પ્રાપ્ત કર્યું હતું તે જ્ઞાાન પુત્રને પણ આપ્યું. તે પુત્રનું નામ મેલેનિક. વયસ્ક થતાં પુત્રએ તેની માતાને પૂછયું. “મારા પિતા કોણ છે?”

શીબાએ કહ્યું, “અત્યારે એ જાણવાની જરૂર નથી.”

રાજકુમાર હવે ૨૨ વર્ષનો થયો એટલે ફરી એણે પિતાનું નામ જાણવાની માગણી કરી, “મારે મારા પિતાને મળવું છે. મને આજ્ઞાા આપો.”

ક્વીન શીબાએ અમીર વેપારી તામરિનને કહ્યું, “રાજકુમારને રાજા સોલોમન પાસે લઈ જાવ. રાજાએ આપેલી વીંટી સાથે પુત્રને જેરૂસલેમ મોકલ્યો. ક્વીન શીબાનો પુત્ર અદ્દલ રાજા સોલોમન જેવો જ દેખાતો હતો. કેટલાક એમ સમજ્યા કે ક્વીન શીબાનો પુત્ર જેરૂસલેમની ગાદી પર બેસવા આવ્યો છે પણ તેને સ્પષ્ટતા કરી, “હું તો કેવળ મારા પિતાનાં દર્શન કરવા જ આવ્યો હતો, સિંહાસન પર બેસવા નહીં.”

આ સાંભળતાં જ રાજા સોલોમને પુત્રને ગળે લગાડયો. તેને પોતાના મહેલમાં રાખ્યો. કેટલાક દિવસ બાદ પુત્રએ વિદાય લીધી. રાજા સોલોમને તેને ખૂબ ધનસંપત્તિ આપ્યાં.

ઇથોપિયા પહોંચ્યા બાદ ક્વીન શીબાએ પુત્રને પ્રેમથી ગળે લગાડયો. એ જ દિવસે ક્વીન શીબાએ ઘોષણા કરી, “આજથી હું સિંહાસન છોડું છું અને આજથી મારા પુત્રને ઇથોપિયાના રાજા તરીકે ઘોષિત કરું છું.”

લોકોએ ક્વીન શીબાના પુત્રનો નવા રાજા તરીકે જયજયકાર કર્યો. આ જયજયકારની ગુંજ ઇઝરાયેલ સુધી પહોંચી તો રાજા સોલોમનને સ્વપ્ન યાદ આવતાં ખ્યાલ આવી ગયો કે ઇઝરાયેલના ભાગ્યનો સૂરજ હવે ડૂબી રહ્યો છે અને તે સૂર્ય હવે ઇથોપિયાના આકાશ પર ચમકવા લાગ્યો. છે.

જેરૂસલેમનો રાજા સોલોમન એક ડાહ્યો અને ન્યાય આપવામાં કુશળ રાજકર્તા ગણાયો છે. એક વાર સોલોમનના દરબારમાં એક જ બાળક માટે લડતી બે સ્ત્રીઓ આવી. બંને સ્ત્રીઓ દાવો કરતી હતી કે, “આ બાળક મારું છે. બંને કલ્પાંત કરતી હતી. બાળકનો કબજો લેવા માટે એકબીજાને પીંખી નાખવા તૈયાર હતી. રાજા સોલોમને બંનેની દલીલો સાંભળી, પણ કોઈ નક્કી કરી શકતું નહોતું કે, આ નાનકડા બાળકની અસલી માતા કોણ છે?” બધા સ્તબ્ધ હતા. છેવટે રાજા સોલોમને પોતાની તલવાર ઉપાડી અને કહ્યું, “હું આ બાળકના બે ટુકડા કરી નાખું છું. બંને સ્ત્રીઓને એ બાળકના અડધા અડધા ટુકડા વહેંચી દો.”

રાજા સોલોમને જેવો બાળક પર તલવારનો ઘા કરવા હાથ ઉઠાવ્યો ત્યાં જ એક સ્ત્રી બોલી ઊઠી. “નહીં, નહીં મારે બાળક નથી જોઈતું. બાળક આ સ્ત્રીને આપી દો.”

રાજા સોલોમન સમજી ગયો કે બાળકની અસલી માતા કોણ છે. તેઓ જાણતા હતા કે, “બાળકની સાચી મા કદી બાળકના ટુકડા થવા નહીં દે.” રાજા સોલોમન તરત જ “બાળક પેલી સ્ત્રીને સોંપી દો.” કહેનાર સ્ત્રીને બાળકની અસલી માતા તરીકે જાહેર કરી એ બાળક એને સોંપી દીધું.

આ વિદ્વાન રાજા સોલોમનના ઉદય અને ક્વીન શીબાના આગમન પછી તેના પતનની કથા પણ બાઇબલની રસપ્રચુર કહાણી છે. રાજા સોલોમન વિદ્વાન હતો. કવિ પણ હતો. તેની વિદ્વત્તાનાં અનેક પ્રમાણ છે. એક વાર તે તેના દરબારમાં નાગરિકો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે કોઈ પ્રશ્નના સંબંધમાં તેણે કહ્યું હતું. “સામાન્ય રીતે બુદ્ધિમાન લોકો મૌન રહેવાનું પસંદ કરે છે અને કોઈ વાર મૂર્ખ માણસ પણ મૌન રહે તો તે પણ બુદ્ધિમાન લાગે છે.”

લોકોને તેનું આ વિધાન સમજતાં વાર લાગી હતી. સમજણ પડયાં પછી બધા હસી પડયાં હતાં. રાજા સોલોમને બીજાં ઘણાં ગહન સત્યો પણ ઉચ્ચાર્યાં છે. ક્વીન શીબા સાથેનાં લગ્ન બાદ તે પ્રજાજનોને ભૂલી ગયો હતો. તેણે પાછલી જિંદગીમાં કેટલીક ભૂલો પણ કરી હતી. પવિત્ર બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટ પર આધારિત આ કથો બાઇબલની વધુ કહાણીઓ તરફ આર્કિષત કરે છે.

એક તબક્કે તેણે કબૂલ કર્યું હતું કે, “જ્ઞાાનની વ્યાપકતા ક્યારેક દુઃખો પણ લાવે છે.

દર વર્ષે સોલોમન પાસે અઢળક સોનું આવતું હતું. અરબસ્તાનના ખંડિયા રાજાઓ, અમીરો તથા વેપારીઓ તરફથી કર પેેટે આ સોનું આવતું હતું. સોલોમને એના સમયમાં સોનાની ૨૦૦ મોટી ઢાલો, ૩૦૦ નાની ઢાલો બનાવડાવી હતી. પોતાના માટે હાથીદાંતનું મોટું સિંહાસન બનાવ્યું હતું. તેને સોનાથી મઢી લીધું હતું. રાજાના પીવાનાં સર્વે પાત્રો સોનાનાં હતાં. એના સમયમાં ચાંદીની કોઈ કિંમત જ નહોતી. ઘોડાઓ માટે ચાર હજાર તબેલા બનાવ્યા હતા. રાજા સોલોમને ઇઝરાયેેલ ઉપર ૪૦ વર્ષ રાજ કર્યું અને ઇઝરાયેલ પાસે આજે પણ જે ધનસંપત્તિ છે, તેનું કારણ સોલોમન છે. સોલોમને લખેલાં કાવ્યો પૌરાણિક સાહિત્યમાં અણમોલ ગણાય છે. સોલોમન પ્રજા માટે ડાહ્યો રાજા હતો, પરંતુ તેનું અંગત જીવન વિલાસી હતું. તે પુષ્કળ કામુક હતો. એણે પુષ્કળ લગ્નો કર્યાં હતાં અને હારેમની કેટલીક સ્ત્રીઓને ર્મૂિતપૂજા કરવાની પણ છૂટ આપી હતી. તે ફેરોઝની દીકરીઓને પણ પરણ્યો હતો. સોલોમને વેપાર-ધંધા પણ ખૂબ વધાર્યા હતા અને કહેવાય છે કે ભારતના વેપારીઓ પાસેથી પણ એ કેટલીક અમૂલ્ય ચીજો ખરીદતો.

સોલોમનના સમયમાં જેરૂસલેમ એની ઊંચામાં ઊંચી ભવ્યતાના સમયમાંથી પસાર થઈ રહ્યું. અલબત્ત, અહીં બંધાયેલું જેરૂસલેમનું મંદિર ઇઝરાયેલના યહૂદીઓ માટે જ નહીં, પરંતુ બિન-યહૂદીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. આ મંદિર અનેક વાર તૂટયું અને અનેક વાર ફરી બંધાયું. સદીઓથી યહૂદીઓ માટે સોલોમને બંધાવેલું મંદિર અને મોઝીઝે પ્રાપ્ત કરેલા શિલાલેખ જે અહીં સ્થાપિત કરાયા હતા તે યહૂદીઓ માટે આજે પણ શ્રદ્ધાનું કેન્દ્ર છે.

રાજા સોલોમનના મૃત્યુ પછી તેને દાઉદનગરમાં દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેનો પુત્ર રહાબઆમ રાજા બન્યો. રાજા સોલોમને બાંધેલી જેરૂસલેમની ઊંચી દીવાલો આજે પણ દૃશ્યમાન છે. એના ચોરસ પથ્થરોની ભીતર હજારો વર્ષ પુરાણી રાજાશાહીની ભવ્યતા અને શીબાની પ્રણયકથાની કંઈકેટલીયે વાતો ધરબાયેલી છે.

આજથી ૩૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલો રાજા સોલોમન એક ડાહ્યો રાજા હોવા છતાં એક સ્ત્રીનાં સૌંદર્યથી આકર્ષાઈને ભાન ભૂલ્યો હતો. ક્વીન શીબા કે જે ખુદ રાજા સોલોમનનું સામ્રાજ્ય ધ્વસ્ત કરવા આવી હતી તે પણ રાજાનાં જ્ઞાાન અને બુદ્ધિમત્તાને જોઈ કિંગ સોલોમનના પ્રેમમાં પડી ગઈ હતી. પાછલી જિંદગીમાં રાજા સોલોમને ઘણી ભૂલો કરી હતી. ઈશ્વરે દર્શાવેલા મૂળ રાહમાંથી તે ભટકી ગયો હતો. એણે લોકો પર ખૂબ આકરા કર નાખ્યા હતા. બીજી એક દંતકથા પ્રમાણે જેરૂસલેમના લોકોએ મંદિરમાં પ્રાર્થના કરવા ગયેલી ક્વીન શીબાને ઇઝરાયેલનાં બધાં જ દુઃખોનું કારણ કહી પથ્થરો મારી ઘાયલ પણ કરી દીધી હતી. રાજા સોલોમન ઈશ્વરની આજ્ઞાાથી ડરતો હતો ત્યારે ક્વીન શીબા રાજા સોલોમનના ઇષ્ટદેવની અનુરાગી બની ગઈ હતી. પાછલી જિંદગીમાં રાજા સોલોમને ખૂબ દુઃખ અનુભવ્યું હતું અને ઇઝરાયેલ પર નારાજ થયેલા દેવની અવકૃપા પણ એણે નજરોનજર નિહાળી હતી.

પવિત્ર બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટ પર આધારિત આ કથાએ કોલેજકાળ પર મને બાઇબલની વધુ કહાણીઓ તરફ આર્કિષત કર્યો હતો. સોલોમને બાંધેલાં અને હવે ખંડેર થઈ ગયેલાં એ મંદિરની દીવાલ ‘રુદનની દીવાલ’ તરીકે ઓળખાય છે.

One clap, two clap, three clap, forty?

By clapping more or less, you can signal to us which stories really stand out.