નવી દિલ્હીમાં સરદાર સાહેબનું નિવાસસ્થાન સ્મારક ના બન્યું


નવી દિલ્હી હવે કેટલાક નેતાઓના જ સ્મારકોની નગરી બની રહી છે કેમ ?

દેશની રાજધાની નવી દિલ્હીનું સ્વરૂપ બદલાતું જાય છે. મંત્રીઓ અને નવા ચૂંટાયેલા સાંસદો માટે બંગલા ઓછા પડે છે. સિનિયર સાંસદોને બંગલા મળે છે. નવા સાંસદોને ફ્લેટ્સ મળે છે. કેટલાક સાંસદો હારી ગયા પછી પણ તેમને અપાયેલા બંગલા ખાલી કરતા નથી. તેઓ એ બંગલાઓને પોતાની જાગીર સમજે છે. તેનો લેટેસ્ટ દાખલો પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહના પુત્ર અજિતસિંહ છે. ચૌધરી અજિતસિંહ છેલ્લાં ૩૬ વર્ષથી આ બંગલામાં રહેતા હતા, પરંતુ તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓમાં અજિતસિંહ અને તેમના પુત્ર ચૌધરી જયંત એ બંને હારી ગયા. તેમને બંગલો ખાલી કરવા નોટિસ આપવામાં આવી છતાં બંગલો ખાલી ના કર્યો. છેવટે વીજળી-પાણીનાં જોડાણો કાપવામાં આવતાં વિવશ થઈ બંગલો ખાલી કરવો પડયો.

સ્મારક અને જાટ

ચૌધરી અજિતસિંહ નવી દિલ્હીના તુગલક રોડના આ બંગલામાં રહેતા હતા. અજિતસિંહની માગણી હતી કે, આ બંગલામાં તેમના પિતા ચૌધરી ચરણસિંહ રહેતા હોઈ બીજા પૂર્વ વડા પ્રધાનોની જેમ આ બંગલાને પણ ચૌધરી ચરણસિંહના સ્મારકમાં પરિર્વિતત કરી નાખવું જોઈએ. કેન્દ્ર સરકારે તેમ કરવાનો ઈનકાર કરી દીધો છે. અજિતસિંહનું કહેવું છે કે, “મારા પિતા ઘણા દાયકા સુધી આ બંગલામાં રહ્યા હતા. આ જ મકાનમાં તેમનું નિધન થયું હતું”, પરંતુ કેન્દ્ર સરકારે એવી કોઈ વાત સ્વીકારી નથી. એ કારણસર અજિતસિંહે જાટ-કાર્ડ ખેલ્યું. તેમણે કહ્યું, “ચૌધરી ચરણસિંહ જાટોના-ખેડૂતોના નેતા હતા. આ ઘટના જાટોનું અપમાન છે.” એ પછી એમણે જાટોને ઉશ્કેર્યા. હરિયાણા, રાજસ્થાનના જાટોમાં મોદી સરકાર વિરુદ્ધ રોષ ફેલાવાની કોશિશ થઈ. દિલ્હીમાં જબરદસ્ત દેખાવો થયા. ઉત્તર પ્રદેશની પોલીસ સાથે સંઘર્ષ થયો. અનેક લોકોની ધરપકડ થઈ. જાટોની આ નારાજગીની અસર હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ના પડી.

અજિતસિંહનો આરોપ

ચૌધરી અજિતસિંહનો આરોપ છે કે, ભાજપાની સરકારે દ્વેષભાવથી આ બંગલો ખાલી કરાવ્યો છે. ચૂંટણીમાં હારી ગયેલા કેટલાયે ભાજપાના નેતાઓએ કેટલાક બંગલાઓનો ગેરકાયદે કબજો જારી રાખ્યો છે. ૧૫ વર્ષ પહેલાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ભવિષ્યમાં એક પણ નેતાના આવાસને સ્મારકમાં બદલી નાખવામાં નહીં આવે તો પછી લાલબહાદુર શાસ્ત્રી અને બાબુ જગજીવરામના બંગલાઓને સ્મારકના રૂપમાં કેમ પરિર્વિતત કરવામાં આવ્યા ?

અન્ય સ્મારકો !

એ વાત સાચી છે કે, નવી દિલ્હી હવે સ્મારકોની જ નગરી બનતી જાય છે. દિલ્હીમાં કેટલાયે નેતાઓના મૃત્યુ બાદ તે નિવાસોને સ્મારક બનાવી દેવાયા છે. શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીથી જ થઈ હતી. બાપુ એક વિરાટ પ્રતિભા હતા. તેમનું સ્મારક બને તેની સામે કોઈને ય વાંધો હોઈ ના શકે. બાપુનું જ્યાં નિધન થયું તે બિરલા હાઉસને સ્મૃતિ સ્થળ તરીકે બદલી નાખવામાં આવ્યું. એ પછી પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ કે જેઓ તીનર્મૂિત ભવનમાં રહેતા હતા તેને નહેરુ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ફેરવી નાખવામાં આવ્યું. નવી દિલ્હીના સફ્દર જંગ રોડ ખાતે જ્યાં પૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી રહેતાં હતાં અને જ્યાં તેમની હત્યા થઈ તેને ઇન્દિરા સ્મારક ભવનમાં બદલી નાખવામાં આવ્યું. એ જ રીતે લાલબહાદુર શાસ્ત્રી કે જેઓ જનપથ રોડના જે બંગલામાં રહેતા હતા તે બંગલાને લાલબહાદુર શાસ્ત્રી સ્મારક ભવન તરીકે બદલી નાખવામાં આવ્યું. દલિત નેતા બાબુ જગજીવનરામના આવાસને પણ સ્મારક ભવનમાં બદલી નાખવાનો મામલો વર્ષો સુધી લટકતો રહ્યો, પરંતુ લોકસભાની છેલ્લી ચૂંટણીના ૧૦ મહિના પહેલાં જ પૂર્વ યુપીએ સરકારે તેમના નિવાસ સ્થાનને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપ્યો. ડો. આંબેડકરના અલીપુર રોડ સ્થિત આવાસને રૂ. ૫૦ કરોડનો ખર્ચ કરીને એક ઉદ્યોગપતિ પાસેથી ખરીદીને કેન્દ્ર સરકારે તેને ‘આંબેડકર સ્મૃતિ સદન’નો દરજ્જો આપ્યો છે. એ જ રીતે મૌલાના આઝાદ અને ડો. ઝાકિર હુસેન, ફકરુદ્દીન અલી અહેમદના સ્મારક પણ કેન્દ્ર સરકારના ખર્ચે જ દિલ્હીમાં બની ગયા છે.

જેમનાં સ્મારક નથી !

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય નેતાઓનાં સ્મારકો બનાવવામાં પણ વ્યક્તિગત કારણો અને પક્ષીય રાજનીતિની અસર દેખાય છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ એક ઉમદા વ્યક્તિ હતા, પરંતુ દેશની રાજધાનીમાં તેમનું કોઈ જ સ્મારક નથી. દેશના એવા જ એક વિદ્વાન રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નવી દિલ્હીમાં કોઈ જ રાષ્ટ્રીય સ્મારક નથી. ડો. શ્યામા પ્રસાદ મુકરજીના આવાસને પણ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપ્યો નથી. આ જ સ્થિતિ સરદાર વલ્લભભાઈ પટેલની છે. દેશની ૫૦૦થી વધુ રિયાસતોને એક કરી હિન્દુસ્તાનના નેજા હેઠળ લાવવાનું ભગીરથ કાર્ય કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડા પ્રધાન તરીકે જે મકાનમાં રહેતા હતા તેને આજ સુધી રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવ્યું નથી. સરદાર સાહેબ દિલ્હીના જે મકાનમાં રહેતા હતા તે મકાનમાં કેટલીક રાજકીય પાર્ટીઓના માણસો ઘૂસી ગયા છે અને તેમાં તેમના પક્ષોની ઓફિસ ચલાવે છે. આ મકાન બિસ્માર હાલતમાં છે. તેની માવજત પણ થતી નથી અને તેની પરથી ઉખડી ગયેલો રંગ પણ નવેસરથી કરવામાં આવતો નથી. સરદાર સાહેબનું નિધન મુંબઈ ખાતે થયું હતું અને તેમની અંતિમક્રિયા પણ એક સામાન્ય સ્મશાન ખાતે કરી દેવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાાન ઝૈલસિંહના પરિવારજનોના ભારે દબાણ છતાં ચાણક્યપુરી ખાતેના તેમના નિવાસને રાષ્ટ્રીય સ્મારકમાં બદલવાની માગણી ફગાવી દેવામાં આવી છે.

દિલ્હીમાં આટલા બધા નેતાઓનાં સ્મારકો છે પણ દેશની રાજધાનીમાં સરદાર સાહેબ જે બંગલામાં રહેતા હતા તે નિવાસસ્થાન જ સ્મારકમાં પરિર્વિતત નથી

કેમ ?

One clap, two clap, three clap, forty?

By clapping more or less, you can signal to us which stories really stand out.