મારે મધર મેરીની ઉપાસના કરવી છે પણ હું અજ્ઞાાની છું

એ વખતે ફ્રાન્સમાં લૂઈનું રાજ્ય હતું. ફ્રાન્સના એક નાનકડા નગરમાં બાર્નેબી નામનો એક નટ કલાકાર રહેતો હતો. શહેરોમાં ફરીને તેની નટકળાના હેરતગંજ નમૂના પેશ કરતો હતો. તાંબાના છ સિક્કા પગેથી ઉચાળી હાથથી પકડી લેતો હતો. એક ડઝન ચાકુ વારાફરતી ઉછાળી બીજા હાથે ઝીલી લેતો હતો. લોકો તેના ખેલ જોઈ મંત્રમુગ્ધ થઈ જતા હતા. શહેરોમાં અને ગામોમાં રખડયા બાદ સાંજ પડયે કોઈ એક સડક પર સાદડી બિછાવી સૂઈ જતો હતો. જીવનની તમામ મુશ્કેલીઓથી તે ટેવાઈ ગયો હતો. કોઈ વાર વરસાદ પડતો, કોઈ વાર બરફ પડતો તો કોઈ વાર વાવાઝોડું આવતું, પણ બાર્નેબી બધું સહન કરી લેતો હતો.

કોઈ વાર ભૂખ્યા જ સૂઈ જવું પડતું. તે સીધો અને સરળ આદમી હોઈ બધાં જ દુઃખોને સહન કરી લેતો હતો. બાર્નેબીએ ધનસંપત્તિ પેદા કરવા કદી વિચાર જ કર્યો નહોતો. એણે કદીયે વિચાર્યું નહોતું કે, મનુષ્ય-મનુષ્યમાં સમાનતા કેમ નથી. બધાંને એકસરખું ભોજન કેમ નથી મળતું એ પણ તેણે વિચાર્યું નહોતું. હા, એને વિશ્વાસ હતો કે, આ જન્મમાં કોઈ મનુષ્યને દુઃખ છે તો ભવિષ્યમાં સ્વર્ગમાં તો સુખ અવશ્ય મળશે. આ આસ્થા પર જ તે દુઃખ સહી લેતો હતો. બાર્નેબીએ ઈશ્વરને કદીયે નિર્દય કહ્યા નહોતા. તેને પત્ની નહોતી છતાંયે કોઈ પણ સ્ત્રી પર તે નજર નાખતો નહોતો. પવિત્ર બાઈબલમાં લખેલી સેમસન એન્ડ ડલાઈલાહની કહાણી તે જાણતો હતો. આ કહાનીએ તેને શીખવ્યું હતું કે, “કોઈ પણ શક્તિશાળી પુરુષની સૌથી મોટી શત્રુ નારી છે.”

બાર્નેબી ધર્મભીરુ હતો. કોઈ વાર ચર્ચ પાસેથી પસાર થતો તો મધર મેરી (ઇસુનાં માતા)ની પ્રતિમા સમક્ષ જઈ ઘૂંટણિયે પડી પ્રાર્થના કરતો : “હે દેવી ! જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તું મારી રક્ષા કરજે. મારા મૃત્યુ પછી હે માતા ! તું મને સ્વર્ગના બધાં જ સુખ આપજે.”

એક દિવસ તે કંઈ બબડતો હતો અને એક પાદરી તેને સાંભળી ગયા. તેમણે પૂછયું “તું કોણ છે?”

બાર્નેબી બોલ્યો : “મારું નામ બાર્નેબી છે. હું લોકોને નટકળાના ખેલ બતાવું છું. જીવનમાં આનાથી વધુ સારું બીજું શું કામ હોઈ શકે જે મને બે વખતની રોટી આપી શકે ?”

સંન્યાસીએ કહ્યું : “જો બાર્નેબી ! સમજી વિચારીને જવાબ આપજે. સંસારમાં ભિક્ષુ-જીવનથી વધુ આનંદદાયક બીજું કોઈ જીવન નથી. ખ્રિસ્તી ભિક્ષુ તરીકેનું જીવન જીવતો માનવી જ હંમેશાં ભગવાનને યાદ કર્યા કરે છે. ભિક્ષુ જ મધર મેરીને સતત પ્રાર્થના કરતો રહે છે.”

બાર્નેબીએ ખ્રિસ્તી સંન્યાસીને કહ્યું : “હે મહારાજ ! આપનાં અને મારાં કર્મોની સરખામણી કેવી રીતે થઈ શકે ? હું લોકોને ખુશ કરવા ચાકુ ઉછાળવાની કળા જાણું છું, પણ મારામાં આપના જેવા કોઈ ર્ધાિમક ગુણ નથી. હા, હું દિવસ-રાત ભગવાનને યાદ કરું છું અને મધર મેરીને પ્રાર્થના કરું છું. તમે કહેતા હો તો તમારા જેવો ભિક્ષુ-સંન્યાસી બનવા મારી નટકળાનો ધંધો છોડવા પણ તૈયાર છું.”

નટ બાર્નેબીની સરળતાથી ખ્રિસ્તી સાધુ પ્રભાવિત થયા. તેઓ બોલ્યા : “બાર્નેબી ! તું ભલો આદમી છે. આજથી તું મારો મિત્ર છે. તું મારી સાથે ચાલ. હું તને એ ધર્મસ્થળે લઈ જઈશ, જેનો હું અધ્યક્ષ છું. હું તારા જીવનની મુક્તિનો પથદર્શક બનવા માગું છું.”

અને તે દિવસે જ બાર્નેબી પણ ખ્રિસ્તી સાધુ બની ગયો. તેને એક વિહારમાં લઈ જવામાં આવ્યો, જ્યાં બધા જ ખ્રિસ્તી સંન્યાસીઓ મધર મેરીની એક યા બીજી રીતે ઉપાસના કરતા હતા. અહીં રહેતા સંન્યાસીઓ અત્યંત બુદ્ધિમાન અને કોઈ ને કોઈ શસ્ત્રવિદ્યામાં પારંગત હતા. વિહારના અધ્યક્ષ મધર મેરીની વંદનામાં કોઈ ને કોઈ ધર્મશાસ્ત્ર લખી ઉપાસના કરતા હતા. બ્રધર મોરિસ નામના સાધુ અધ્યક્ષ લખેલી પ્રતિલિપિને ચામડાના પત્ર પર ઉતારી લેતા હતા. બ્રધર એલેક્ઝાન્ડર નામના સાધુ એ પુસ્તક માટે ર્ધાિમક ચિત્રો દોરી મધર મેરીની ઉપાસના કરતા હતા. એ બધાં જ ચિત્રો તેઓ મધર મેરીના ચરણોમાં અર્પણ કરતા હતા. બ્રધર મારબોડ નામના એક સાધુ પથ્થર પર શિલ્પકામ કરી મધર મેરીની પ્રતિમાઓ અને ર્મૂિતઓ ઘડતા હતા. તેઓ પણ મધર મેરીને આ રીતે રાજી કરવા પ્રયાસ કરતા હતા. એ સિવાય બીજા એક ખ્રિસ્તી સાધુ સાહિત્યકાર હતા. તેઓ લેટિન ભાષામાં મધર મેરીની પ્રાર્થનાઓ અને કવિતાઓ લખતા હતા. બીજા એક સાધુ મધર મેરીનાં યશોગાન કરતાં ગીતો જ ગાઈ મધર મેરીની ઉપાસના કરતા હતા.

આ બધું જોઈ બાર્નેબીએ પોતાની જાત માટે લાંબો નિઃસાસો નાખ્યો. તેને પોતાની અજ્ઞાાનતા માટે બહુ જ અફસોસ થયો. એ વિચારવા લાગ્યો કે, “બીજા સંન્યાસીઓની જેમ હું મધર મેરીની ઉપાસના કરી શકતો નથી. મધર મેરીનાં યશોગાન લખી શકતો નથી. મધર મેરીનાં યશોગાન ગાઈ પણ શકતો નથી. મધર મેરીની ર્મૂિત પણ બનાવી શકતો નથી. હું મૂર્ખ છું. મારામાં કોઈ ગુણ જ નથી.”

આવું વિચારતો બાર્નેબી દુઃખી રહેવા લાગ્યો. એણે જોયું તો એક સાંજે કેટલાક સાધુઓ બીજા એક અજ્ઞાાની સાધુની ચર્ચા કરતા હતા. એક સાધુ પાસે કોઈ જ્ઞાાન નહોતું. તે ઉપેક્ષિત હતો. તે માત્ર ‘મેરી મેરી’ બોલ્યા કરતો હતો. એક દિવસ તેનું મૃત્યુ થયું ત્યારે તે ‘મેરી મેરી’ બોલતો હતો અને જેટલી વાર તે ‘મેરી મેરી’ બોલ્યો એટલી વાર તેના મુખમાંથી ગુલાબના ફૂલ નીકળ્યાં. આ કહાણી સાંભળ્યા બાદ બાર્નેબીના હૃદયમાં મધર ર્વિજન મેરી માટેની શ્રદ્ધા એકદમ વધી ગઈ, પણ પોતાના અજ્ઞાાન માટે ફરી અફસોસ થયો. આમ છતાં એણે મનોમન નક્કી કરી નાખ્યું કે, હું મધર મેરીને ઉપાસના કરી જરૂર રાજી કરી લઈશ.” … પણ કઈ રીતે એ તે નક્કી કરી શકતો નહોતો. એ વધુ ઉદાસ રહેવા લાગ્યો.

એક દિવસ સવારે તે ઊઠયો ત્યારે બહુ જ પ્રસન્ન હતો. તે દોડીને ચર્ચમાં ગયો. એક કલાક સુધી ચર્ચમાં રહ્યો. બપોરનું ભોજન લી તે ફરી ચર્ચમાં ગયો. આ રીતે તે વધુ ને વધુ સમય ચર્ચની અંદર જ સમય પસાર કરવા લાગ્યો. બીજા સાધુઓ જ્યારે પુસ્તક લખતા, પત્ર પર લિપિ ઉતારતા, ર્મૂિતઓ બનાવતા, કવિતાઓ લખતા ત્યારે એકલો બાર્નેબી જ ચર્ચમાં પ્રવેશી જતો. બહારથી બારણું બંધ કરી દેતો અને મોડેથી તે બહાર આવે ત્યારે બહુ જ પ્રસન્ન લાગતો. તેના ચહેરા પરથી ઉદાસી હવે ગાયબ થઈ ગઈ હતી.

ખ્રિસ્તી સંકુલના વડા પાદરી કે જે અધ્યક્ષ હતા તેઓ તેમના તમામ શિષ્ય પર નજર રાખતા હતા. એક દિવસ તેઓ બે વૃદ્ધ સાધુઓ સાથે સંકુલના ચર્ચ તરફ ગયા અને જોયું તો ચર્ચનાં બારણાં બંધ હતાં. તેમણે ચર્ચના જૂના દરવાજાની તિરાડમાંથી જોયું તો મધર મેરીની પ્રતિમાની સમક્ષ બાર્નેબી તાંબાના સિક્કા પગથી ઉછાળી હાથમાં ઝીલી રહ્યો હતો. તે પછી બાર જેટલા ચાકુ હવામાં ઉછાળી વારાફરતી ઝીલી રહ્યો હતો. એક પણ ચાકુ તે નીચે પડવા દેતો નહોતો. જે કળાથી તે પ્રસિદ્ધ હતો તે કળાનું પ્રદર્શન કરી મધર ર્વિજન મેરીને તે પ્રસન્ન કરવા પ્રયાસ કરી રહ્યો હતો.

આ દૃશ્ય બીજા બે વૃદ્ધ સાધુઓએ પણ જોયું. તેમના મોંમાંથી આઘાત સાથે શબ્દો નીકળી પડયા : “ઓહ ગોડ! આ માણસ તો ધર્મ વિરુદ્ધનું આચરણ કરી રહ્યો છે. આ તો પાપ છે.”

પરંતુ ચર્ચ સંકુલના વડા પાદરી- અધ્યક્ષ જાણતા હતા કે, બાર્નેબીનો આત્મા શુદ્ધ છે, પણ અત્યારે તે પાગલ થઈ ગયો છે. તેથી સાવધાનીપૂર્વક તેને મધર મેરીની ર્મૂિત આગળથી હટાવી લેવો જોઈએ. તેઓ ચર્ચના દ્વાર ખોલવાનો વિચાર કરતા હતા ત્યાં જ તેમણે એક અલૌકિક દૃશ્ય નિહાળ્યું. તેમણે જોયું તો ચર્ચની ભીતર એક પવિત્ર પ્રકાશપુંજ રેલાયો. મધર મેરી ખુદ પોતાના આસન પરથી ઊતરી નીચે આવ્યાં અને પોતાના નીલાંચલ વસ્ત્રથી ચાકુ ઉછાળી ઉછાળીને થાકી ગયેલા બાર્નેબીના કપાળ પરથી પસીનો લૂછયો.

આ દૃશ્ય જોઈ ચર્ચના વડા પાદરી બારણાની બહાર જમીન પર ઘૂંટણિયે બેસી ગયા અને બોલ્યા : “સરળ હૃદયના માનવી જ ધન્ય છે, કારણ કે એવા લોકો જ ઈશ્વરનાં દર્શન કરી શકશે.”

બીજા બંને વૃદ્ધ સાધુઓએ પણ પૃથ્વીને ચૂમતાં કહ્યું : “તેમ જ થાય.”

- વિશ્વના મહાન સાહિત્યકાર આનાતોલ ફ્રાન્સની લખેલી કહાણી અહીં પૂરી થાય છે. તેમણે આવી તો અનેક અદ્ભુત વાર્તાઓ લખી છે. આનાતોલ ફ્રાન્સનો જન્મ ઈ.સ. ૧૮૪૪માં ફ્રાન્સમાં પેરિસ ખાતે થયો હતો. એક કવિતાસંગ્રહ બહાર પાડયો. ૧૮૮૧ની સાલમાં તેમણે એક નવલકથા લખી : ‘ધી ક્રાઈમ ઓફ સિલ્વેસ્ટર બોનાર્દ.’ આ કૃતિએ ચાલીસ વર્ષ સુધી સાહિત્યજગતમાં પ્રભાવ જમાવી રાખ્યો અને આનાતોલ ફ્રાન્સ દુનિયાભરમાં મશહૂર થઈ ગયા. એ પછી તેમણે ‘થાયા’ લખી, જેણે આનાતોલ ફ્રાન્સને ખૂબ પ્રસિદ્ધિ અપાવી. ‘જોન ઓફ આર્ક’ તેમની મહાન રચના સાબિત થઈ. ફ્રાન્સની લાઈબ્રેરીઓ હજુ તેમનાં પુસ્તકોની ઉપેક્ષા કરતી હતી, પરંતુ ઈ.સ. ૧૯૨૧માં તેમને સાહિત્યના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો અને લોકોએ હવે તેમને ધ્યાનપૂર્વક વાંચવાનું શરૂ કર્યું. તેઓ સામ્યવાદના વિરોધી હતા. તેઓ યુદ્ધવિરોધી અને શાંતિના ચાહક હતા. આ મહાન કથાકારનું ૧૯૨૪માં અવસાન થયું.

મેરી ક્રિસમસ.

- દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

One clap, two clap, three clap, forty?

By clapping more or less, you can signal to us which stories really stand out.