ડ્રેકુલા હવે કબરમાંથી નહીં સમાજમાંથી પેદા થાય છે

ડ્રેકુલા

રોમાનિયાના ટ્રાન્સિલવેનિયા પ્રાંતમાં રહેતો કાઉન્ટ ડ્રેકુલા એક લિજેન્ડરી પાત્ર છે. તેનું અકાળે મોત નીપજતાં તે પ્રેત બની ગયો હતો. રોજ રાત્રે ડ્રેકુલા તેની કબરમાંથી બહાર નીકળતો. રાતના સમયે નગરની ખૂબસૂરત યુવતી શોધી તેનો પીછો કરતો. આ નરપીશાચ એ સુંદરીને શિકાર બનાવવા આધિભૌતિક શક્તિઓનો ઉપયોગ કરતો. તે પછી તે યુવતીને પોતાના પાશમાં લઈ તેના ગળામાં રાક્ષસી દાંત ભરાવી તેનું લોહી ચૂસી લેતો અને યુવતી મોતને ભેટતી. બ્રામ સ્ટોકરે ડ્રેકુલા પર એક કલાસિક ‘હોરર’ નવલકથા પણ લખી છે.

પરંતુ હવે યુવતીઓના ખૂનના પ્યાસા જીવતા નરપિશાચો કબરમાંથી નહીં પરંતુ સમાજમાંથી પેદા થાય છે. આવા ડ્રેકયુલા આજે સમાજમાં આપણી આસપાસ પણ રહે છે. દેખાવમાં તેઓ સામાન્ય હોય છે. પરંતુ તેમની ભીતર તેમને ગમી ગયેલી યુવતીની પાછળ પડી જઈ તેને વશ કરવાનો તીવ્ર આવેગ હોય છે. તેમ ના થાય તો તેઓ જે યુવતીની પાછળ પડી ગયા હોય તેને ડ્રેકુલાની જેમ યુવતીની હત્યા કરી તેને લોહીના ખાબોચિયામાં તબદીલ કરી નાંખે છે. ડ્રેકુલા તો રાત્રે આ કામ કરતો હતો. ૨૧મી સદીના ડ્રેકુલા દિવસના અજવાળામાં આવા ભયાનક કૃત્યને અંજામ આપે છે.

દિલ્હીમાં પણ ધોળે દહાડે આવી જ એક હોરર ઘટના ઘટી ગઈ. ૩૪ વર્ષની વયનો સુરેન્દ્રસિંહ જહાંગીરપુરીથી બુરાડી સુધી વહેલી સવારે સાત કિલોમીટર સુધી એક છોકરીનો માત્ર પીછો જ કરતો રહ્યો. બી.એ.ની વિધાર્થિની કરૂણા કે જેની વય માત્ર ૨૨ જ વર્ષની હતી તે એક સ્કૂલમાં નોકરી કરવા જતી હતી. તે એ સ્કૂલના દરવાજા પાસે કરૂણાનો ઈન્તજાર કરવા પૂરા છ કલાક ઊભો રહ્યો.

કહેવાય છે કે સુરેન્દ્ર છેલ્લા છ મહિનાથી કરૂણાનો પીછો કરી રહ્યો હતો. બુરાડી ઉત્તરી દિલ્હીનો એક વિસ્તાર છે. દિવસના જ સમયે સુરેન્દ્રએ જેવી કરૂણાને જોઈ એવી જ તરત જ તેની તરફ ગતિ વધારી દીધી. તે કરૂણા પાસે ગયો અને કરૂણા પર કાતરના ૩૦ ઘા કરી કરૂણાને લોહીલુહાણ કરી દીધી. કરૂણા ત્યાં જ ઢળી પડી. ઘાયલ યુવતીને એક ઓટોરિક્ષા દ્વારા સિવિલ લાઈન્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી.

કરૂણા દિલ્હીના બુરાડી વિસ્તારમાં તેના માતા-પિતા સાથે સંત નગરમાં રહેતી હતી. તે અહીંની એક પ્રાઈવેટ સ્કૂલમાં કોમ્પ્યુટરની ટીચર હતી.

હત્યારા સુરેન્દ્રને ગિરફતાર કરી લેવાયો છે. તે રોહિણીનો રહેવાસી છે. રોહિણી વિસ્તારમાં જ તે એક કોમ્પ્યુટર ઈન્સ્ટિટયૂટ ચલાવતો હતો. કહેવાય છે તેની અને કરૂણાની મુલાકાત આ ઈન્સ્ટિટયૂટમાં જ થઈ હતી. કોઈ કહે છે કે તે કરૂણાને એકતરફી પ્રેમ કરતો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે. આૃર્યની વાત એ છે કે સુરેન્દ્ર કરૂણાના શરીર પર કાતરથી ઘા ઉપર ઘા કરતો હતો. ત્યારે લોકોએ દૃશ્યને જોઈ રહ્યા હતા. કોઈએ તેને બચાવવા કોશિશ કરી નહીં.

કરૂણાના પરિવારનું કહેવું છે કે સુરેન્દ્ર છેલ્લા કેટલાયે સમયથી કરૂણાનો પીછો કરતો હતો.

કહેવાય છે કે સુરેન્દ્ર વારંવાર કરૂણાની પાછળ પાછળ જતો. તેની તસવીરો પાડી લેતો. કરૂણાનો વીડિયો ઉતારી લેતો હતો. તે કેટલાક હસ્તલિખિત પત્રો પણ લખતો, તે કરૂણાને પ્રેમ કરે છે તેવું કહેતો પરંતુ કરૂણાએ તેનો પ્રેમ સ્વીકારવા ઈન્કાર કરી દીધો હતો. તેમ છતાં તે કરૂણા જ્યાં પણ જાય ત્યાં તેની પાછળ પાછળ જતો. કરૂણાએ હવે સ્કૂલમાં જવાનો રસ્તો બદલી નાંખ્યો છતાં પણ તે તેની પાછળ પાછળ જતો. સુરેન્દ્ર પાસે કરૂણાની તમામ ગતિવિધિની માહિતી હતી.

એક દિવસ તો તેણે કરૂણાને એવી ધમકી આપી કે તારા ફોટોગ્રાફર્સને મોર્ફ કરી હું સોસિયલ મીડિયા પર તને બદનામ કરી નાખીશ.

એક દિવસ તો સુરેન્દ્રએ કરૂણાને રસ્તાના એક ખૂણામાં આંતરીને તેના ગળા પર ચાકુ અડાડી કરૂણાને અને તેના બંને ભાઈઓને મારી નાંખવાની ધમકી આપી હતી. તે પછી કરૂણાના પરિવારે પોલીસ સ્ટેશને સુરેન્દ્ર વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. સુરેન્દ્રના પિતા એક નિવૃત્ત પોલીસ અધિકારી છે. તેમણે કરૂણાના માતા-પિતાની માફી માગી સમાધાન કરી લીધું હતું. આ સમાધાન જ કરૂણા માટે ભારે પડી ગયું. સુરેન્દ્ર ના સુધર્યો બલકે વધુ હિંસક થઈ ગયો.

આ ઘટના આમ તો એક તરફી પ્રેમની લાગે પરંતુ આરોપી સુરેન્દ્રએ પોલીસને જણાવ્યું કે મારો કરૂણા વચ્ચેનો એફેર ૨૦૧૨થી ચાલતો હતો. ૨૦૧૨થી ૨૦૧૬ની વચ્ચે મારી અને કરૂણા વચ્ચે ગહેરી દોસ્તી હતી. ૨૦૧૫ પછી કરૂણા મારાથી અંતર રાખવા લાગી. સુરેન્દ્રના બયાન પ્રમાણે કરૂણા તને છોડી મોહિત યાદવ નામના એક બીજા છોકરાને પ્રેમ કરવા લાગી હતી.

કહેવાય છે કે સુરેન્દ્રને આ વાતની ખબર પડતાં તે ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. સુરેન્દ્રના કહેવા પ્રમાણે એણે ફેસબુક પર પણ કરૂણા અને તેના પ્રેમીના ફોટા જોઈ લીધા હતા. તે પછી તેણે કરૂણાની હત્યા કરવાનો નિર્ણય લીધો હતો.

નોંધપાત્ર વાત એ છે કે સુરેન્દ્ર ખુદ પરિણીત હતો જ્યારે કરૂણા કુંવારી હતી, સુરેન્દ્રની પત્નીને પણ ખબર પડી ગઈ હતી કે, તેનો પતિ કરૂણાના પ્રેમમાં છે તેથી પતિ- પત્ની વચ્ચે પણ ખૂબ ઝઘડા થવા લાગ્યા હતા. આ વાત છૂટાછેડા સુધી પહોંચી ગઇ હતી. સુરેન્દ્રની પત્ની અલગ રહેવા જતી રહી હતી. પત્નીના અલગ રહેવા ગયાની ઘટના બાદ કરૂણાએ સુરેન્દ્રથી અંતર રાખવા માંડયું હતું. પત્ની અને પ્રેમિકા બેઉ દૂર ચાલ્યા જતાં સુરેન્દ્ર વધુ હતાશ થઈ ગયો હતો. એણે કરૂણા સાથે ફરી વાતચીત કરવા પ્રયાસ કર્યો પરંતુ તેમાં નિષ્ફળતા મળતાં તેણે એક ખતરનાક યોજનાને અંજામ આપી દીધો હતો.

સુરેન્દ્ર એક આરોપી છે અને જાહેરમાં હત્યા કરી દેનાર વ્યક્તિ છે. મનોવૈજ્ઞાનિકો આવી ઘટનાઓને ‘પર્સનાલિટી .ડિસ ઓર્ડર’નું પરિણામ માને છે. એમાં બોર્ડર લાઈન અને એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર મુખ્ય છે. આવી ઘટનાઓને અંજામ આપનારા લોકો સામાન્ય વ્યક્તિની જેમ જ આપણી વચ્ચે રહે છે. આપણી વચ્ચે જ બેસે છે, ખાય છે, પીવે છે પરંતુ કોઈ કારણસર ”ના” સાંભળવાથી કે તેમની ઈચ્છા મુજબ કંઈ ના થાય તો તેમના દિમાગના આવેગો નિયંત્રણની બહાર ચાલી જાય છે.

સુરેન્દ્ર કરૂણાને ચાહતો હતો પરંતુ કરૂણાની ફેસબુક પર તેનો અન્ય કોઈની સાથેનો ફોટો શાયદ તે સહન કરી શક્યો ન હતો. આ તેનો મનોવૈજ્ઞાનિક પ્રશ્ન હતો. કોઈ પણ યુવતીની પાછળ પડી જનાર અને તેનો આ રીતે પીછો કરનાર લોકોને અંગ્રેજીમાં ‘સ્ટોકર્સ’ કહે છે. સ્ટોકર્સ ઓબ્સેસીવ હોય છે. તેઓ લપાતા છુપાતા કોઈ યુવતીને પોતાનો શિકાર બનાવવા પીછો કરતા હોય છે. તેઓ કોઈ પણ મુદ્દે ‘ના’ સાંભળવા તૈયાર હોતા નથી. તેઓ એમ જ માને છે કે સામેની વ્યક્તિ પણ તેમને પ્રેમ કરે છે તેમનો આ એકતરફી રોમાન્સ એક પરીકથા જેવો હોય છે. તેઓ જ્યારે વાસ્તવિકતા જાણે છે કે કોઈના તરફથી ‘ના’ સાંભળે તે ત્યારે જે તે વ્યક્તિને પદાર્થપાઠ શીખવવાનો તીવ્ર આવેગ ધરાવે છે. આવા સ્ટોકર્સનો ભોગ બનનાર યુવતીઓ પૈકી ૮૦ ટકા યુવતી આ સ્ટોકર્સને જાણે છે પણ તેઓ એ નથી જાણતી કે એ વ્યક્તિ પર્સનાલિટી ડિસ ઓર્ડર ધરાવે છે. સ્ટોકર્સ એવું કદી સ્વીકારવા તૈયાર હોતા નથી કે સામેની વ્યક્તિએ તેમનો અસ્વીકાર કરી દીધો છે એ પછી તેઓ ક્રોધે ભરાય છે અને હિંસક બની જાય છે. સ્ટોકર્સ બળાત્કારીઓ જેવી જ લાગણી ધરાવે છે. તેઓ સામેની વ્યક્તિને પોતાના અંકુશ હેઠળ લાવવામાં માને છે. કેટલાક સ્ટોકર્સ અબ્નોર્મલ સેક્યુઅલ ડિઝાયર ધરાવતા હોય છે, ખાસ કરીને હિંસક પ્રકારની. તેઓ જ્યારે કોઈ હિંસક કૃત્ય કરે છે ત્યારે તે ગુનો છે કે કાંઈક ખોટું કરી રહ્યા છે તેમ માનતા નથી. ઘણા સ્ટોકર્સ એકાકી અને એકલવાયાપણું ધરાવે છે. આવા લોકોને સામાજિક વ્યવહારૂતાનું કોઈ જ કૌશલ હોતું નથી. આવા લોકો ભૂતકાળના અનુભવમાંથી પણ કાંઈ શીખવા માંગતા નથી.

ખાસ કરીને યુવતીઓ સ્ટોકર્સ કોણ છે તે જાણી લેવાની જરૂર છે. કોઈ તમને વારંવાર ટેક્સ્ટ મેસેજ મોકલતું હોય, કોઈ તમને વારંવાર કોલ કરતું હોય, કોઈ વારંવાર ઈ-મેલ મોકલતું હોય, કોઈ કારણ વગર તમને ગિફટ્સ કે ફૂલ મોકલતું હોય કોઈ તમારા ઘર કે ઓફિસની આસપાસ કારણ વગર આંટા મારતું હોય, કોઈ તમારા બાળકોને તમને કે તમારા પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપતું હોય, કોઈ તમારા વિશે ખરાબ વાતો અને અફવાઓ ફેલાવતું હોય, કોઈ તમારી અંગત માહિતી મેળવવા કોશિશ કરતું હોય, કોઈ તમારો પીછો કરતું હોય તો સમજી લો કે તે સ્ટોકર્સ છે.

સાવધાન રહો.

ખાસ કરીને યુવતીઓ.

સ્ટોકર્સ તમારી આસપાસ પણ હોઈ શકે છે.

One clap, two clap, three clap, forty?

By clapping more or less, you can signal to us which stories really stand out.