મનુભાઇ સવારે ચા પીને ફેકટરીની નોકરીએ જવા માટે નીકળ્યા, ત્યારે એમની પત્ની વસુબહેને કહ્યું, ‘સાંભળો છો? આપણા બચુડાને ઝાડા થઇ ગયા છે. શરીરમાં ઝીણો-ઝીણો તાવ હોય એવું પણ લાગે છે. એને લઇને ડોક્ટર પાસ જવું પડશે’
મનુભાઇને મોડું થતું હતું. સાઇકલ પર સવાર થતાં એમણે જવાબ આપી દીધો, ‘એમાં ડોક્ટર પાસે જવાની શી જરૂર છે? મેડિકલ સ્ટોરમાં જઇને ટીકડી લઇ આવજે, મટી જશે.’
બચુડો ફકત ચાર જ મહિનાનો હતો. વસુબહેન એને સાસુ પાસે મૂકીને દવાની દુકાને ગયાં. જઇને વાત કરી, ‘ઝાડાની દવા આપો.’ આ રીતે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવાની જગતભરમાં મનાઇ છે. કાયદો આવા ‘કાઉન્ટર સેલ’ને સહેજ પણ મંજૂરી નથી આપતો.
જો કોઇ ફરિયાદ કરે, તો એ મેડિકલ સ્ટોરના માલિકનું લાઇસન્સ રદ થઇ શકે છે. પણ મેરા ભારત મહાન! આ દેશમાં રોજની કરોડો રૂપિયાની દવાઓ વગર પ્રિસ્ક્રિપ્શને વેચાતી રહે છે. દેશના તથા રાજયોના આરોગ્ય પ્રધાનોને બાદ કરતાં આ વાત બધાં જ જાણે છે.
કેમિસ્ટે જાતે નક્કી કરી લીધું કે બચુડાને કઇ દવા આપવી જોઇએ. એણે પાંચ ટેબલેટ્સ કાઢી આપી. ગોળીઓ તદ્દન સસ્તી હતી, પણ અસરકારક હતી. દવાની સાથે એણે સલાહ પણ આપી, ‘બચુડો કેવડો છે! એમ! ચાર મહિનાનો? તો આ અડધી ગોળી પાણીમાં ઓગાળીને એને ચટાડી દેજો. કલાકમાં ઝાડા બંધ અને બચુડો રમતો થઇ જશે.’ વસુબહેને એમ જ કર્યું.
ઘરે આવીને એક ગોળીના બે ભાગ કર્યા. અડધી ગોળી પાણીમાં ઓગાળીને દીકરાને પીવડાવી દીધી. અને ખરેખર ઝાડા બંધ થઇ ગયા! પણ ત્યાં વળી બીજી તકલીફ ઊભી થઇ ગઇ. બાર વાગ્યાની આસપાસ બચુડાનો શ્વાસ બંધ થઇ ગયો. એ જાણે મરણપથારીએ હોય એવી રીતે ડચકાં ખાવા લાગ્યો! વસુબહેન ગભરાઇ ગયાં. ફેકટરીમાં ગયેલા પતિને ફોન કરવાનું કામ પડોશીને સોંપીને એ દોડયાં, સીધાં એમના વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં.
ફરજ પરના જુવાન ડોક્ટરે જોયું તો બાળકનો શ્વાસ અને હૃદય બંને બંધ પડી ચૂકયા હતા. શરીરની નસોમાં દોડતું ગરમ ખૂન ધીમે-ધીમે ઠંડું પડી રહ્યું હતું. વસુબહેન હૈયાફાટ રૂદન કરી રહ્યાં હતાં, ‘ડોક્ટર સાહેબ, મારા બચુડાને બચાવી લો!એ મરી જશે તો હું પણ નહીં જીવી શકું.’
ડોક્ટર પાસે બીમારી વિશેનો પૂર્વ ઇતિહાસ પૂછવા જેટલો સમય જ કયાં હતો? એણે મરતાં માણસ માટે વપરાતું આખરી ઇન્જેકશન (એડ્રિનાલીનનું) ભર્યું અને બાળકના શરીરમાં ઠાલવી દીધું. હૃદયમાં થોડોક ફરકાટ થયો. ડોક્ટરે કાળા રંગની રબ્બરની કોથળી દ્વારા બચુડાની છાતીમાં હવા ફૂંકવાનું શરૂ કર્યું. પછી તરત જ શ્વાસનળીમાં ટયૂબ દાખલ કરી દીધી. હવે પોઝિટિવ પ્રેશર આપીને પ્રાણવાયુ આપવાનો ઉપાય શકય બન્યો.
આટલી મહેનતનું રોકડું પરિણામ એ આવ્યું કે બચુડાનું શરીર ભૂરું પડી રહ્યું હતું, તે પ્રાણવાયુ મળતાં પાછું ગુલાબી રંગ ધારણ કરવા માંડયું. પણ મોટી તકલીફ તો હજુ ઊભેલી જ હતી. બચુડાની શ્વાસોચ્છ્વાસની ક્રિયા આપમેળે ચાલુ થતી ન હતી. વસુબહેન રડી રહ્યાં હતાં,
‘સાહેબ, મારો દીકરો જીવી તો જશે ને?’ ડોક્ટર હવે એક નહીં, અનેક હતા. તમામ પોતાનાથી બનતી કોશિશ કરી રહ્યાં હતા. એમાંથી એક ડોક્ટરે સાચો જવાબ આપી દીધો, ‘બહેન, તમારો દીકરો મરી ગયો હતો એમાંથી પાછો તો અમે લાવી શકયા છીએ, પણ એ હજુ જાતે શ્વાસ લઇ શકતો નથી. અમે જયાં સુધી બાહ્ય રીતે એને ઓકિસજન આપતાં રહીએ છીએ ત્યાં સુધી એની છાતી ફૂલતી-સંકોચાતી રહે છે. જેવો અમે ઓકિસજન આપવાનું બંધ કરીએ છીએ કે તરત જ શ્વાસ અટકી જાય છે.’
હવે મનુભાઇ પણ ફેકટરી છોડીને આવી પહોંચ્યા. હતા. એમણે પૂછ્યું, ‘સાહેબ, અમે ગરીબ માણસ છીએ, પણ અમારા છોકરા માટે ઘર-બાર ફૂંકી દેવા તૈયાર છીએ. અમારી જાત વેચીને સારવારના પૈસા ચૂકવી આપીશું, પણ તમને જે કરવા જેવું લાગે તે…’
‘કરવા જેવું તો એક જ કામ બાકી રહ્યું છે, તમારા દીકરાને વેન્ટિલેટર મશીન ઉપર મૂકવો પડે.’ ‘તો મૂકી દો ને, સાહેબ!’ ‘એ કામ તમે ધારો છો એટલું સહેલું નથી. આ હોસ્પિટલનું વેન્ટિલેટર અત્યારે રોકાયેલું છે.
તમારા બચુડા જેવા બીજા દસ બાળકો એના માટે કતારમાં ઊભા છે. આજની રાત કાઢી નાખો. આવતી કાલે બીજી મ્યુનિસિપલ હોસ્પિટલોમાં પૂછી જોઇએ.’ ડોક્ટરે સાચી સ્થિતિની જાણ કરી દીધી.
એ આખી રાત કતલની રાત બની રહી. વારાફરતી આખી રાત ડોક્ટરો અને નર્સો બચુડાને કૃત્રિમ રીતે પ્રાણવાયુ આપવાની ફરજ બજાવતા રહ્યાં. જો કોઇને ઝોકું આવી જાય તો બચુડો કાયમને માટે ઊઘી જાય એવી હાલત હતી.
સવાર પડી એટલે મોટા સાહેબ આવ્યા. રાઉન્ડ દરમિયાન એક પછી એક દરદીને તપાસતાં-તપાસતાં સાહેબ બચુડા પાસે આવી પહોંરચ્યા. બચુડાનો સ્વયંભૂ શ્વાસ તો હજુયે બંધ જ હતો.
સાહેબ બરાડયા, ‘વ્હોટ ધી હેલ આર યુ ડૂઇંગ? હી નીડ્ઝ એ વેન્ટિલેટર.’
‘સર, આપણાં વેન્ટિલેટર ઉપર પહેલેથી જ એક બાળક મૂકી દીધેલું છે. એની હાલત પણ ગંભીર છે. જો એને મશીન પરથી ખસેડી લઇશું તો એ મરી જશે.’
‘તો બીજી હોસ્પિટલોમાં તપાસ કરો! આપણે આ એક હોસ્પિટલ સાથે બંધાયેલા છીએ, દરદીઓ તો બધી હોસ્પિટલમાં જવા માટે મુકત છે ને? ફોન જોડો, વી.એસ.માં, સિવિલમાં, એલ.જી. હોસ્પિટલમાં! જયાં પણ વેન્ટિલેટર ખાલી હોય, ત્યાં… શિફટ ધિસ પૂઅર ચાઇલ્ડ અરજન્ટલી!’ મોટા સાહેબે ફરમાન છોડયું.
રેસિડેન્ટ ડોક્ટરે ફોન જોડયા. એક પછી એક તમામ હોસ્પિટલમાંથી એક જ જવાબ મળ્યો, ‘અમારા વેન્ટિલેટર ઉપર પહેલેથી જ દરદી છે. મશીન કયારે નવરું પડશે એ કહી શકાય તેમ નથી.’
છેવટે સર્વાનુમતે એવું નક્કી થયું કે બચુડાને પ્રાઇવેટ નર્સિંગહોમમાં જો કોઇ વેન્ટિલેટર ઉપલબ્ધ હોય તો ત્યાં શિફટ કરી દેવો. એક સરનામું મળી ગયું. ડો. પરીખના નર્સિંગહોમમાં આ સુવિધા હતી. બચુડાને કાળી રબરની કોથળી દ્વારા કૃત્રિમપણે હવા આપતાં-આપતાં એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી નર્સિંગ હોમમાં લઇ જવામાં આવ્યો.
‘સાહેબ, ત્યાં મશીન પર દીકરાને રાખવાનો ખર્ચ કેટલો આવશે?’ મનુભાઇએ રેસિડેન્ટ ડોક્ટરને અછડતા અંદાઝ માટે પૂછી લીધું. ‘કહી ન શકાય. પ્રાઇવેટમાં રોજના ત્રણથી પાંચ હજાર રૂપિયા જેવું ભાડું ગણી લેવાનું. બીજી સારવાર તો જુદી જ.’ મનુભાઇ અને વસુબહેન માટે દીકરાથી વિશેષ બીજું શું હતું?
ડો. પરીખે સૌથી પહેલું કામ બાળકને વેન્ટિલેટર ઉપર મૂકી દેવાનું કર્યું. હવે એક વાતની તો રાહત થઇ ગઇ, પણ નિદાનનું કામ બાકી હતું અને ખાસ મહત્ત્વ આ જ વાતનું હતું. એવી તે કેવી બીમારી લાગુ પડી ગઇ કે આ ચાર મહિનાનું બાળક યમરાજના ખોળામાં જઇ પડયું?
હવે પૂછપરછ કરવા જેટલો સમય હતો. ડો. પરીખે શરૂઆત કરી, ‘તમારા દીકરાને અચાનક જ શ્વાસની તકલીફ ઊભી થઇ ગઇ? કે એને બીજું કશું હતું?’
‘ના રે, સાહેબ! અમારા બચુડાને નખમાંયે રોગ ન હતો. સવારે ઝાડા થયા હતા, પણ અડધી ગોળી પીવડાવી ત્યાં જ મટી ગયા.’ વસુબહેને એવી રીતે કહ્યું જાણે આ માહિતી સાવ નગણ્ય હોય!
ડોક્ટર ચોંકી ઊઠયા, ‘ઝાડા? ગોળી? એ કોણે લખી આપી હતી?’
વસુબહેનને નવાઇ લાગી, ‘કોઇએ નહીં. હું મેડિકલ સ્ટોરમાં જઇને…’ આટલું કહીને એમણે બ્લાઉઝની તિજોરીમાંથી બચેલી ચાર ગોળીઓનું પતાકડું બહાર કાઢયું. ડો. પરીખે નામ વાંચ્યું તો લોપેરામાઇડ! ‘ઓહ નો! બહેન, આ દવાની જ બધી મોંકાણ છે. આ ગોળી જેટલી અસરકારક છે એટલી જ જોખમી છે.
આ દવાની આડ અસરને કારણે જ તમારા બાળકના શ્વસનકેન્દ્ર પર ગંભીર અસર પહોંચી છે. ફેમિલી ડોક્ટરના દસ-વીસ રૂપિયા બચાવવાની લ્હાયમાં તમે દીકરો ગુમાવી બેસવાની હદ સુધી પહોંચી ગયા છો.
હવે એક કામ કરો! આ ઝેરી આડ અસરના મારણ માટે હું નેલોકઝોન નામનું ઇન્જેકશન લખી આપું છું. તાત્કાલિક લઇ આવો!’
મનુભાઇ દોડયા. ઇન્જેકશન આવી ગયું. ‘લક્ષ્મણ માટે જે કામ હનુમાનજીની સંજીવનીએ કર્યું હતું એ આ ઇન્જેકશને બચુડા માટે કર્યું. સાંજ સુધીમાં તો દીકરો હસતો-રમતો થઇ ગયો.