વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ.ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી‘ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે છે અને હનીફ સ્નિફર ડૉગ લઇ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ કાગળનાં ટૅગ હટાવી જોયું, એક કાગળની ચબરકી ઉપર ઈન્સ્પેક્ટર સોનીએ લખ્યું હતું “૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું ડાયરીનું પાનું _!? ” ને સોનીને મનોમન થાબડતા માથુર ચોકીદાર પવારની પૂછપરછ આદરે છે. પવારની પૂછપરછ દરમિયાન ગિરધારીનું નામ ખૂલે છે જે ત્રિવેણી ઍપાર્ટમૅન્ટનાં કામ કરતો હોવાની વાત મિ.શર્માએ છુપાવી હોવાની વાતથી માથુર અચંભિત રહી જાય છે. અને તેની શંકાની સોય મિ.શર્મા તરફ વળે છે.

ધ્રૂજતા મિ.શર્માની પાસે જઈ માથુરે ફરી પૂછ્યું, “મિ.શર્મા કારણ હું સમય આવ્યે કહિશ…તમે એ ફ્લૅટની વિગત મને આપો.”

“ના..ના.. માથુર સાહેબ ! દર અસલ વાત એમ છે કે એ ફલેટ મેં મારી બહેનને આપવા માટે રાખ્યો હતો. સંજોગવશાત્ મારા બનેવીને, તેઓ જે કંપનીમાં કામ કરે છે ત્યાં ક્વાર્ટર મળી ગયું ; તેથી હાલમાં તેઓને જરૂરત નથી. આમ આ ખાલી ફ્લૅટ પડ્યો પડ્યો ખરાબ થતો હતો. તેથી હજી એક મહિના પહેલાં જ, ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ના માલિક પ્રશાંત જાદવે આ ફ્લૅટ પોતાની ઑફિસ ખોલવા માટે ભાડે માંગ્યો – તે પણ ફકત ચાર મહિના માટે ! તેમણે સારું એવું ભાડું અને ડિપોઝીટ આપવાની ઓફર કરી અને હું ના ન પાડી શક્યો!” મિ.શર્માએ ગભરાતા ગભરાતા કહ્યું.

“કોઈ દલાલ હસ્તક આપ્યો છે, કે પછી તમારી પ્રશાંત જાદવ સાથે ઓળખાણ છે?”

“ના! મારી કોઈ ઓળખાણ નથી. દિનેશ બાવા, કરી અહિના એક મોટા બ્રોકર હસ્તક મારે તેમને આ ડિલ થયેલી.”

“મિ. શર્મા! પ્રશાંત જાદવ કે દિનેશ બાવા, બન્ને જણ વિજય રાઘવનને ઓળખે છે?”

“હા! બંનેના ઇન્કમટેક્સ- સેલ્સટેક્ષનું કામકાજ વિજય રાઘવન જ જોતો હતો ! ” મિ.શર્માની ચહેરાની રેખાઓ જોઈ, તે કંઇક ગૂંચવાયેલા હોય એવું માથુરને લાગ્યું

“અરછા.!અરછા! તો મિ. પ્રશાંત જાદવ અને દિનેશ બાવા બંને વિજયના ક્લાઇંટ છે એમ ને !?” માથુરના ચહેરા પરનું આશ્ચર્ય કદાચ મિ.શર્માથી પણ છાનું રહ્યું નહોતું.

તેને ગડમથલમાં ઔર વધારો કરતાં માથુરે અચાનક મિ.શર્માને કહ્યું, “મિ.શર્મા આપણે હવે નીચે જઈશું ?” કહી માથુર દાદર તરફ વળ્યો. તેઓ અડધા પગથિયાં નીચે ઉતાર્યા હશે કે સામેથી ‘ત્રિવેણી’ એપાર્ટમેન્ટનો ચોકીદાર પવાર આવતો દેખાયો; એટલે તેને વચ્ચેથી અટકાવી માથુરે કહ્યું, “અરે પવાર! તું કઈ તરફ જાય છે ?ચાલ, તો જરા ! મને તારો પંચખૂણિયો ફ્લૅટ બતાવતો ખરો ! મેં આજ સુધી પંચખૂણિયો ફ્લૅટ નથી જોયો ! કેવો છે એ તો જોઉ!”

પવારની ચાલ લથડી અને અવાજ થોથવાયો … “જી..? જી …! સાહેબ,ચાલો! પણ સાહેબ એ ફ્લૅટ બહુ ગંદો છે.”

“મિ.શર્મા! તમારા ‘ત્રિવેણી’ ઍપાર્ટમેન્ટનો છે, એવો પંચખૂણિયો ફ્લૅટ શું અપશુકનિયાળ હોય છે ?.. હું નથી કહેતો! પણ હમણાં જ કોઈ બોલતું હતું !”દાદર ઊતરતા ઊતરતા માથુરે મિ.શર્માને પૂછ્યું.

“અંધશ્રદ્ધાળું લોકો તો એમ જ કહે છે સર! બાકી હું પણ એમ નથી માનતો !” મિ.શર્માએ કહ્યું.

“પવાર તું શું માને છે ? “ દાદર ઊતરતા ઊતરતા પવારને ખભે હાથ મૂકતાં માથુરે કહ્યું.

“સાહેબ1 મને ગરીબને શું ખબર પડે ? બાકી અમને જ્યાં રહેવાના જ ફાંફાં હોય,ત્યાં આવી બધી લમણાંકૂટ કોણ કરવા બેસે “

વાત કરતા કરતા તેઓ , પવાર જ્યાં રહેતો હતો; એ ‘ત્રિવેણી ‘ઍપાર્ટમૅન્ટના પંચખૂણિયા ફ્લૅટમાં પહોંચ્યા.

“હું જરા બે મિનિટમાં આવું છું! માથુર સર !” મિ.શર્માએ દાદર ઊતરતા જ પૅસેજ તરફ માથુરને કહ્યું.

“જરા જલદી પાછા આવજો ! મને તમારી વારે ઘડી જરૂર પડે છે. યુ નો વેરી વેલ મિ.શર્મા! અહિ તો મને કોઈ ઓળખતું નથી, ઓ કે ?” માથુરે કહ્યું.

મિ.શર્મા હકારમાં માથું હલાવતા ત્યાંથી રવાના થયા.

પવારનો એ ફ્લૅટ ખરેખર પંચખૂણિયો હતો. કદાચ જમીનનો ટુકડો જ પંચખૂણિયો હશે અને એવી કટોકટ જગ્યામાં આસપાસથી વધુ જમીન મળી શકે એમ ના હશે કે શું ; આર્કિટેકે એ જગ્યા પર કદાચ ના છૂટકે ‘ત્રિવેણી’ઍપાર્ટમૅન્ટની ડિઝાઈન આ રીતની તૈયાર કરી હશે… પવારના ફ્લૅટમાં દાખલ થતા જ માથુરે અનુમાન લગાવ્યું .

પછી તે પવારના એ ફ્લૅટના દરવાજા પાસે ઊભો રહ્યો અને ઍપાર્ટમૅન્ટની લિફ્ટ તરફ જોઈ રહ્યો ! અને પોતાના અનુમાન અને ગણતરીની કડીઓને એક તાંતણે બાંધવાનો મનોમન પ્રયત્ન કર્યો.

પછી અંદર દાખલ થઈ પવારના પલંગ પર બેસી ગયો અને સિગારેટ કાઢી સળગાવતા આસપાસ નજર દોડાવતા બોલ્યો , “ યાર પવાર ! તું તો ફાવી ગયો છે. આ મોંધવારીમાં પંચખૂણિયો તો પંચખૂણિયો, આવો ફ્લૅટ કોઈ મફતમાં રહેવા નથી આપતું ! હું માનું છું તું તો ફાયદામાં છે.”

“સાચી વાત છે સાહેબ !” માથુરને લાગ્યું કે પવાર કદાચ જાણી સમજીને તેને લંબાણથી ઉત્તર આપવાનું ટાળતો હતો.

“સારું છોડ એ વાત, આપણે મૂળ વાત પર આવીએ. તને તો ખબર જ હશે કે વિજય રાઘવન ત્યાં દૂધ કયાં થી આવતું હતું ? “

“સામે ભરવાડને ત્યાંથી સાહેબ !” માથુરના એ સવાલનો જવાબ આપવા તૈયાર હોય તેમ પવારે ઉતાવળે કહ્યું.

“કોણ ભરવાડ ? ”

“પરસોત્તમભાઈને ત્યાંથી ! ”

“તું ઓળખે છે પરસોત્તમભાઈને ?”

“હા !”

“સારું , જો હમણાં ઘરે હોય તો જરા પરસોત્તમભાઈને બોલાવી લાવ તો! ”

કૈંક હાશ અને છૂટકારાનો ભાવ અનુભવતો પવાર ત્યાં લગભગ ભાગ્યો…. એવુંમાથુરને લાગ્યું.

માથુર પણ એમ જ મનોમન ઈરછતો હતો ! એવું સોનીને લાગ્યું અને તેની આ ધારણા સાચી જ હતી.

પવાર જેવો ત્યાંથી ગયો કે માથુર ઝપાટાભેર ઊઠ્યો અને દોડતોક ફ્લૅટના રસોડામાં ગયો ! લગભગ બે મિનિટમાં પછી તે અંદરથી પાછો ફર્યો !…અને પલંગ પર બેસી ફરી સિગારેટની ચુસ્કી લેવા લાગ્યો.

તે લગભગ સિગારેટ પૂરી કરી ચૂકયો હશે ને પવાર પરસોત્તમ ભરવાડને લઈ આવી પહોંચ્યો.

“આ વિજય રાઘવન તમારે ત્યાંથી દૂધ મંગાવતો હતો કે ? ” માથુરે પરસોત્તમ ભરવાડને પૂછ્યું.

“હા”

“ બંને ટાઈમ ?”

“ના ! ફક્ત સાંજે ! વિજયભાઈ સવારે મોડા ઊઠતો હોય,સવારનું દૂધ પણ તેઓને મોટેભાગે સાંજે પહોંચાડતો ; હું જાતે જ પહોચાડતો હતો , દાદા ! . ”

“ગઈ કાલે તમે કયારે દૂધ પહોંચાડેલું ? ”

“ગઈ કાલે સવારે દૂધ આપેલું. વિજયભાઈ કહેતા હતા કે તેમને સાંજે બહાર જવાનું છે, કદાચ રાત્રે આવતા મોડું પણ થાય; નહિતર તેમનું દૂધ પાસપડોશમાં પણ હું આપી દેતો હતો. પણ વિજયભાઈને તેમના પડોશીઓને અડધી રાત્રે હેરાન કરવાનું યોગ્ય લાગતું ન હોય , તેઓ ઘણીવાર કોઈપણ એક ટાઈમ દૂધ મંગાવી લેતા હતાં ”

“સારું પરસોત્તમભાઈ તમે જાવ! ” કહી માથુર ઊભો થયો અને આસિ.ઇન્સપેક્ટર સોનીના કાનમાં ધીમેથી કહ્યું ,“સોની ! ખૂનીએ વિજય રાઘવનની હત્યા માટે ખોટો સમય પસંદ કર્યો હોય એવું તને નથી લાગતું ? “

ઘડીભર તો સોની પણ ગૂંચવાયો, પણ પછી મનોમન સમજી ગયો કે ચોક્કસ કંઇક કારણ હશે! જે પોતાના ધ્યાનમાં નથી આવતું ! નહિતર માથુર સર આવું ગર્ભિત ના બોલે.! એ બાબતનું કારણ શોધવા તેણે મથામણ શરૂ કરી જ હશે , કે તેને કાને માથુરનો અવાજ અથડાયો , “પવાર! અમે હવે જઈએ છીએ. જરૂર પડશે તો તને બોલાવશું ! પણ મારે તને ખાસ કહેવાનું કે તું જરા સાવધ રહેજે !! ”

અને પછી પવારને એમ જ વિચારતો મૂકી , તે પવારના ફ્લૅટમાંથી બહાર નીકળતા નીકળતા સોની તરફ ફરી બોલ્યો , “સોની! ચાલ, આપણે સાથે સાથે સામેના ‘રઘુપતિભવન’ એપાર્ટમેન્ટના પેલાં સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળા ફ્લૅટમાં પણ ફરી આવીએ.” હજીય ગડમથલ અનુભવતો સોની તેની સાથે થયો.

ત્યાં તો સામેથી સબ ઇન્સપેક્ટર ખન્ના આવી પહોંચ્યો, “સર! તમારી સૂચના મુજબ કામ પતાવી દીધું છે !”

“ઓ કે ! થેંક્સ ખન્ના ! અને હા! જો તો પેલાં મિ.શર્મા ક્યારના ગાયબ થઇ ગયા છે. તું અહિ જ થોભ અને તેમને શોધી લાવ! અને મળે તો એમની સાથે ઉપર નવમા માળે આવ! હું જરા સોની સાથે ‘રઘુપતિભવન’માં લટાર મારી આવું છું ”

“જી સર!” એવા ખન્નાના શબ્દો કાન પડે તે પહેલા તો માથુર સોનીથીય આગળ‘રઘુપતિભવન’ની લિફ્ટ પાસે પહોંચી ગયો હતો.

ઝડપ કરી તેની બરાબર પાછળ પહોંચેલા આસિ. ઇન્સપેક્ટર સોનીએ ત્વરાથી લિફ્ટનો દરવાજો ખોલી સ્વિચ બોર્ડ પર હાથ મૂકતાં પૂછ્યું , “સર! આઠ કે નવ ?”

“નવમો માળ!” પછી સહેજ આંખ મિચકારતા ઉમેર્યુ , “સોની તું ચબરાક થવા માંડ્યો છે.”

‘રઘુપતિભવન’ એપાર્ટમેંટના નવમા માળ પર લિફ્ટ પહોંચી એટલે બંને ,કૉરીડોરમાં ચાલતા, ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’નું બૉર્ડ જ્યાં માર્યું હતું ;ત્યાં પહોંચ્યા. પણ કમનસીબે ત્યાં તાળું લટકતું હતું.

કૉરીડોરની રેલિંગ પકડી સહેજ નિરાશ જણાતા માથુરે સોની તરફ જોયું.

“સર! કદાચ મિ.શર્મા પાસે આ ફ્લૅટની ડુપ્લિકેટ ચાવી હોય તો પૂછી જોઉ ?”સોનીએ કહ્યું.

“મિ. શર્મા પાસે ના હોય તો કદાચ આ ઑફિસમાં કામ કરતાં પ્યૂન અથવા તો ક્લાર્ક પાસે ચાવી હોઇ શકે છે.”

“હું હમણાં આવ્યો સર !” કહેતા સોની ત્યાંથી લિફ્ટ તરફ બાગ્યો.

સોની ગયો કે માથુરે નવમા માળના કૉરીડોરમાં આંટા ફેરા મારવા માંડ્યા. તેને અહિ, આ ઑફિસમાં નજર નાંખી લેવાની તાલાવેલી હતી… અને ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ કે – પ્રશાંત જાદવ – ક્યાંક કશુંક મળી જાય ; કોઇક કડી ! કે જેનું તે અનુમાન લગાવી રહ્યો હતો…એ કડી શોધવાની હતી ! જલ્દીથી જલ્દી ..કે અચાનક તેને થયું કે આ પ્રશાંત જાદવ અહિયા નહિ તો ક્યાંક બીજે મળવો તો જોઇએ જ ! તો પછી …

કે અચાનક તેણે દૂરથી લિફ્ટમાંથી સોની,ખન્ના અને મિ. શર્મા ત્રણેયને બહાર નીકળતા જોયા…

અને તેણે અનુમાન અને ગણતરી પર એક ચાન્સ લેવાનું વિચારી લીધું હતું.

“સર! મિ. શર્મા પાસે ફ્લૅટની ચાવી નથી.” સોનીએ આવતાં જ કહ્યું.

“મેં ચાવી માટે, એક માણસને પ્રશાંત જાદવના ક્લાર્કને શોધવા મોકલ્યો છે…જો હોય તો તેને ચાવી લઈ બોલાવી લીધો છે ! જાદવને મોબાઇલ લગાડું છું; પણ નંબર સ્વિચ ઑફ આવે છે. નહિતર એમને જ અહિ બોલાવી લેત !” મિ. શર્મા વધુ ખુલાસો કર્યો.

“સારું , વાંધો નહિ ! થેંક્સ ફોર યોર સપોર્ટ મિ. શર્મા! ”કહી તેણે મિ.શર્માનો આભાર માન્યો અને પછી સોનીને હાથ પકડી લઈ; તેને ત્યાંથી સહેજ દૂર લઈ જઈ, ધીમેથી તેના કાનમાં કશુંક કહ્યું – અને સોની ફાટી આંખે તેની આ વાત સાંભળી રહ્યો!!

ને પછી સબ ઇન્સપેક્ટર ખન્ના તરફ ફરી અચાનક બોલ્યો , “ખન્ના! આસિ.ઇન્સપેક્ટર સોનીને જે જોઈએ તે મદદ કરજે. હું થોડીવારમાં પાછો આવું છું ! ”

( ક્રમશઃ )

One clap, two clap, three clap, forty?

By clapping more or less, you can signal to us which stories really stand out.