વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ.ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજરરહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી‘ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓનીઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે.ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દિવાની ચીમનીનો કાચ મળે છે અને હનીફ સ્નિફર ડૉગ લઇ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર્ સોની એક- સ્પેશિયલ ટિપ- ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ કાગળનાં ટૅગ હટાવી જોયું, એક કાગળની ચબરખી ઉપર ઈન્સ્પેક્ટર સોનીએ લખ્યું હતું “૨૦ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બર નું ડાયરીનું પાનું _!? ” ને સોનીને મનોમન થાબડતા માથુર ચોકીદાર પવારની પૂછ્પરછ આદરે છે.ને પછી…. આગળ

“પવાર તું ક્યારથી એસ.એસ.એસ.માં નોકરી કરે છે.” માથુરએ!” ત્રિવેણી ” ઍપાર્ટમૅન્ટનાં વૉચમેનને પૂછ્યું.

“સાહેબ! હું છેલ્લા બે વર્ષથી આ કંપનીમાં નોકરી કરું છું ”

“પહેલાં ક્યાં સર્વિસ હતી.!”

“રાજસ્થાન બોર્ડર પર, મિલીટરીમાં હતો સર! ” પવારએ કહ્યું.

“અહિ , “ત્રિવેણી” ઍપાર્ટમૅન્ટ ઉપર ક્યારથી છે ? ”

“દોઢ વર્ષથી સર!”

“મિલિટરી સર્વિસ છોડી પછીના છ મહિના ક્યાં હતો?”

“ઘરે જ હતો સર! મારા કાકા સસરા આ કંપનીમાં નોકરી કરી ચૂક્યા છે તેમણે અહિ નોકરી અપાવવી.”

“તારે ઘરે બીજું કોણ કોણ છે.?”

“ઘરવાળી અને ચાર છોકરા”

“તું ક્યાં રહે છે?”

“સર! અમારાં ઍપાર્ટમૅન્ટનો ગ્રાઉન્ડ ફ્લોર પરનો ફ્લૅટ નં A – 7 પંચ ખૂણિયો છે એટલે કોઈ લેતુ નથી. એટલે ખાલી જ છે. હું તેમાં રહું છું.”

“વિજય રાઘવનનું ખૂન થયાની ખબર તને ક્યારે પડી?” માથુરએ મૂળ વાત પર આવતાં પૂછ્યું.

“સવારે સાડા પાંચ વાગ્યે.”

“બરાબર સાડા પાંચે? તને ચોકકસ સમય બરાબર કેવી રીતે ખબર છે?”

“સર! હું નીચે જ રહું છું તેથી શર્મા સાહેબની સૂચના મુજબ રોજ સવારે સાડા પાંચ વાગ્યે એસએમસીનું પાણી આવે, ત્યારે મારે મોટર ચાલુ કરવા ઊઠવું પડે છે. રોજના મારા નિયમ મુજબ હું મોટર ચાલુ કરવા આવ્યો ત્યારે મેં વિજય્ભાઈની લાશ જોઈ.”

માથુરએ મિ.શર્મા તરફ સૂચક નજર ફેરવી. મિ.શર્મા સમજી ગયા એટલે તેમણે તરત કહ્યું “માથુર સાહેબ અમારા ઍપાર્ટમેન્ટનાં રહેવાસીઓ મોટર ચાલુ કરવા બાબતે બાખડતા રહેતા હતા. બધાને સગવડ જોઈએ છે પણ લગીરેય મદદ કરવાની વાત આવે એટલે વારા બાંધવા પર આવી જાય છે. તેથી મેં જ આ રસ્તો કાઢ્યો છે.”

“Ok. પવાર! તે વિજયની લાશ ક્યાં જોઈ. એમના ઘરમાં કે? ” માથુરએ સહજતાથી પવારને પૂછ્યું…એવી આશા સાથે કે કદાચ ગફલતમાં તે જો જુઠ્ઠું બોલતો હોય તો પકડાઈ જાય.

“ના સર! વિજયભાઈની લાશ તો લિફ્ટના દરવાજા આગળ પડેલી હતી.”

“તો_ તો_ લાશ, તેં તારા ઘરમાંથી જ જોઈ લીધી હશે.?”

“ના સર! હું રહું છું એ પંચ ખૂણિયો ફ્લૅટમાંથી લિફ્ટવાળા ઍન્ટરન્સનો કે અમારા ઍપાર્ટમૅન્ટનાં પેસેજનો મોટાભાગનો હિસ્સો દેખાતો નથી.”

“તે સૌથી પહેલાં કોને જાણ કરેલી?”

“વિજયભાઈની લાશ જોઈ એટલે હું ગભરાઈ ગયો! મેં તરત જ દોડીને શર્મા સાહેબને જાણ કરી.” પવારે સ્પષ્ટતા કરી.

“પવાર! તું તો મિલીટરીમાં હતો! લાશ જોઈ તું ગભરાઈ ગયો?” માથુરએ શંકા કરી.

“સર! દુશ્મનને ઢાળીને મેં તેની લાશ ગર્વથી ઠંડે કલેજે જોઈ છે. પણ આમ અચાનક રિહાઈસી ઈલાકામાં—તમે સમજી શકો છો સાહેબ હું શું કહેવા માગું છું એ ”

“તેં ચોકકસ કોઈ ચીસ કે અવાજ સાંભળ્યો નહોતો?”

“ના સર! અને સાચું કહું તો ગિરધારી નથી એટલે છેલ્લા બે દિવસના ઉજાગરાને કારણ મારી આંખો મિંચાઇ ગયેલી! બાજુમાં રહેતા ભરવાડાઓ ભેંસ દોહવા ઊઠ્યા, ત્યારે તેમના ડચકારા-બૂચકારાને લીધે મારી ઊંઘ ઉડી ગયેલી…નહિતર મોટર પણ સમય પર ચાલુ કરી શક્યો ના હોત.”

“પવાર! આ ગિરધારી કોણ છે? ”

“સર! એ મારી સાથે જ રહે છે. અમે બંને મળી સમજી એકબીજાની સગવડતાએ કામ કરીએ છીએ ”

“શું એ એસ.એસ.એસ. નો માણસ છે.?”

“ના સર!”

“અરછા, પવાર! ગઈ કાલે રાત્રે લાઈટ ગયેલી ખરી ?”

માથુરના એ સવાલથી પવાર તો સહેજ ચોંક્યો જ સાથોસાથ મિ.શર્મા પણ ચોંક્યા હોય એવું માથુરને લાગ્યું.

પણ પવારએ સ્વસ્થતા જાળવી રાખી કહ્યું, “હા! ”

“ક્યારે?”

“સવારે દોઢથી ચારના ગાળામાં”

“પવાર! તું વિજયને છેલ્લે ક્યારે મળેલો? મતલબ કે તે વિજયને છેલ્લે ક્યારે જોઈલો?”

“જી સર! વિજયભાઈએ મને રાત્રે ૧ વાગ્યે બોલાવી, ‘સુંદર‘ની લારી પરથી ચા લાવવા માટે કહેલું ”

“રાત્રે ૧ વાગ્યે?આટલી મોડી ? કેમ, તને કંઈ ખબર છે ? ”

“જી સર! એક વાગ્યે. કહેતાં હતાં ભૂખ લાગી છે અને પણ કંટાળી ગયો છું જરા‘સુંદર‘ની ચા પી લઇશ તો સારું લાગશે. ઘણીવાર વિજયભાઈ રાત્રે આવી રીતે ચા મગાવતાં. ‘સુંદર‘ની લારી અને ઘર ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં છે તેથી લગભગ તેના ઘરે રાત્રે ૨ વાગ્યા સુધી ચા મળી રહે છે. ” પવારએ વિગતે ખુલાસો કર્યો.

“પછી તું વિજય માટે ચા લઈ આવેલો ?”

“હું ચા લેવા ગયેલો પણ ‘સુંદર’ની લારી બંધ હતી પૂછતાં ખબર પડી કે કોઈ સગાનું મરણ થયું હોવાથી સ્મશાને ગયો હતો. ”

“વિજયભાઈએ તને બીજું શું કહેલું? રાત્રે નવરા હોય, ત્યારે તારી પાસે કદાચ બેસતા હોય– એટલે તને પૂછું છું ”

“ખાસ કશું નહિ. બસ!… પણ કહેતા હતા કે આજે રાત્રે તેમને ખૂબ જરૂરી કામ છે માટે– ”

“પવાર! કોઈક વી વ્યક્તિ કે જેની હિલચાલ તને શંકાસ્પદ લાગી હોય? અથવા એવી વ્યક્તિ જે વિજયને મળવા આવી હોય કે જેના પર તને જરા સરખી પણ શંકા હોય ? ” માથુરએ તેની વાતને અડધેથી કાપતા પૂછ્યું

જવાબમાં પવાર કશું બોલ્યો નહિ, ફક્ત નકારમાં માથું હલાવ્યું.

“સારું પવાર તું જા! જરૂર પડી તો હું તને પાછો બોલાવીશ.” કહી માથુર મિ.શર્મા તરફ ફર્યા.

“મિ.શર્મા! તમે ગિરધારી વિશે મને ના કહ્યું ! તમે ઓળખો છો ગિરધારીને? ” માથુરએ મિ.શર્મા પૂછ્યું.

મિ.શર્મા સહેજ થરકતા અવાજે બોલ્યા,“જી માથુર સર! હું ખરેખર એનો ઉલ્લેખ કરવાનું ભૂલી જ ગયેલો. ગિરધારી અમારા ઍપાર્ટમેન્ટનો કાયદેસરનો વૉચમેન નથી. મારા ગામનો છે. બેકાર રખડતો હતો. તેના પિતાજી મારા ફાધરને સારી રીતે ઓળખે છે . મારા ફાધરે જ તેની ભલામણ કરેલી. તેથી હું તેને અહિ લઈ આવેલો. ઍપાર્ટમેન્ટના પરચુરણ કામ માટે રાખી લીધો છે. ઍપાર્ટમેન્ટના રહીશોના નાના-મોટા દરેક કામ ગિરધારી જ સંભાળે છે. પવારની સાથે જ રહે છે. મહિને દિવસે બે ચાર દિવસ ગામ અચૂક જાય છે. જરૂર પડ્યે પવારને કામમાં મદદ કરે છે. દરેક ફ્લેટવાળા તેઓને યોગ્ય લાગે તે મહેનતાણું આપે છે. સૌથી વધારે મારા કામ સંભાળતો હોય હું તેને ફિક્સ માસિક રકમ ચૂકવું છું”

“આ સિવાય બીજું કશું?

“ સૉરી …સાચું કહું તો હું મારા ધંધામાંથી જ નવરો થતો નથી. બસ! આ તો અમારા ઍપાર્ટમેન્ટના રહીશોએ મારા માથે બળજબરીથી ઠોકી બેસાડેલું કાંટાળા તાજ જેવું સૅક્રેટરીનું કામ નિભાવ્ય જાઉં છું. બાકી મને ખાસ લોકોની વ્યક્તિગત જીવનમાં માથું મારવાની આદત નથી મિ.શર્માએ કહ્યું. ”

“મિ.શર્મા! એક મિનિટ જરા અહિ આવો તો ” કહી અચાનક માથુરએ મિ.શર્માને ચોંકાવી દીધા.

મિ.શર્મા માથુર પાસે આવ્યા એટલે તેને ખભે હાથ મૂકી, તેને વિજય રાઘવનના ફ્લેટની બારી પાસે લઈ જઈ, સામેના ઍપાર્ટમૅન્ટ તરફ ઈશારો કરી તેમણે પૂછ્યું,“મિ.શર્મા! મને ખબર છે કે તમે ખૂબ બીઝી રહો છો પણ તમે ફરિયાદી છો એટલે મારે તમને તકલીફ આપવી પડે છે … કદાચ તમને ના ખબર હોય તો વાંધો નહિ…અને જો ખબર હોય તો એ કહો, કે પેલો_ જે બરાબર સામેનો ફલેટ છે, તેમાં કોણ રહે છે.? ”

“જી..જી..એ ફલેટમાં તો_ ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ & ડેવલેપર્સ ‘ની ઑફિસ છે.!! ” મિ.શર્માએ સહેજ વિસ્ફુરિત નેત્રે કહ્યું.

“કોણ છે એનો માલિક? ”

“ જી….જી…સર! હું – એ ફલેટ મારી માલિકીનો છે.!! ” મિ.શર્માએ ઘ્રૂજતા અવાજમાં કહ્યું. પછી એ પોતાની જાતને આગળ બોલતાં રોકી ના શક્યો. “કેમ ?એવું પૂછો છો માથુર સર! ? ”

“શું વાત કરો છો મિ. શર્મા? તમે જ એ ફ્લેટના માલિક છો.? હું બરાબર સામે દેખાતા પે…લા, સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળા ફલેટ બાબતે પૂછી રહ્યો છું ?!” ક્ષણવાર માટે મિ.શર્માનો જવાબ સાંભળી લગભગ અચંભિત થઈ ગયેલા માથુરએ તેને વળતો સવાલ કર્યો.

“ હા! સર! એ ફલેટ મારી જ માલિકીનો છે! ” કૈંક અકળાયેલા જણાતા મિ.શર્મા બોલી ઊઠયા.

“મિ.શર્મા! તો એ ફલેટ સાચે જ તમારો છે એમને ” કહી માથુરએ મિ.શર્માના ખભેથી હાથ ઉઠાવી લઈ ફરી વિજયના ફલેટની બારીની બહાર એ સામે દેખાતાં એ સ્કાય બ્લ્યુ કલરની બાલ્કનીવાળા ફલેટ તરફ એકીટશે જોવા માંડ્યું.

ને ત્યારે માથુરને અચરજ અને ડરના સંમિશ્રિત ભાવ સાથે નિહાળી રહેલા, મિ.શર્માની આંખમાં કંઈક અજબનો અજંપો; દૂર ચૂપચાપ ઊભેલા, ઈન્સ્પેક્ટર સોનીએ તિરછી નજરે કળી લીધો હતો..

( ક્રમશઃ )

Show your support

Clapping shows how much you appreciated GUJJU'S ❤️ FEELINGS’s story.