વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની પૂછપરછ આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ?

સામે પ્રશાંત જાદવનો ઊંઘણશી એવો ક્લાર્ક ઝીણી- લાલ ચટાક થઈ ગયેલી આંખ મસળતો ઊભો હતો !!!

બધા તેને અને તે બાઘો થઈ તે માથુર અને સાથે ઊભેલી પોલીસ ટીમને જોઈ રહ્યો હતો !… તેણે ફરી વાર પોતાની આંખો ચોળી, મોટાભાગના સાદા ડ્રેસમાં હતા પણ સામે ઊભેલા વ્યક્તિઓની આંખમાં દેખાતી કડપ જોઈને તે લગભગ અવાચક ઊભો હતો.

“અલ્યા તું? તું પ્રશાંત જાદવનો ક્લાર્ક છે ને ? ” કહેતાં માથુર સહિત બધા પ્રશાંત જાદવ ઑફિસમાં ઘૂસ્યા.

“હા…પણ તમે !? ” પેલો ગૂંચવાતો હતો.

“પોલીસ !” સોનીએ કહ્યું.

ને પેલાના મોતિયા મરી ગયા!

” તારું નામ અજય ચેવલી છે ને ? ” માથુરે ઑફિસમાં નજર ફેરવતા ફેરવતા કહ્યું …ને ત્યારે સોનીને પણ ક્ષણવાર માટે માથુરને સહેજ અચરજથી જોઈ રહ્યો !- વિચારતો હતો કે સર તો એને પહેલીવાર મળી રહ્યાં હતા!

” હા સાહેબ !? ”

“અલ્યા ! તું અહીં શું કરી રહ્યો છે?”

“રાત્રે સુવા માટે આવેલો સાહેબ.”

“કેમ ? તારું ઘર નથી”

“છે ને સાહેબ !”

“તો પછી અહીં કેમ સૂતો હતો ?”

“મને તો પ્રશાંત સરે અહીં સાંજે સૂવાનું કહેલું. તેમનો ફોન આવેલો… દિવસે જ અહીં આવવાના હતા; પણ અગત્યનું કામ આવી જવાથી તેમનાથી દિવસે આવી શકાયું નહોતું…એમ કહેલું.”

“તો તું ઘરે નથી ગયો?”

“ગયો હતો ને સર ! પણ તેમનો લગભગ સાંજે પાંચેક વાગ્યે મારા ઘરે ફોન આવેલો. મેં તેમને પૂછ્યું, તો કહેતા હતા કે તેઓ ગમે ત્યારે અગત્યનું કામ હોવાથી રાત્રે અહીં આવશે! માટે મને અહીં જ સૂઈ રહેજે…રાત્રે તને અને તારા ઘરનાને શા માટે હેરાન કરવાના?” એમ કહેલું

“ઑફિસમાં આ રીતે પહેલીવાર રાત રહ્યો છે ?”

“ના સર ! ક્યારેક પ્રશાંત સર કામ હોય તો મને સૂચના આપે છે. ક્યારેક મારા ઘરે લાઈટ-પાણીની તકલીફ હોય ત્યારે હું જાતે અહીં રાત્રે રહું છું.”

“તું ક્યારે અહીં આવેલો ?”

“ગઈ કાલે સાંજે”

“કેટલા વાગ્યે? ”

“સાંજે છ વાગ્યા પછી.”

“છ પછી એટલે? કેટલા વાગ્યે ? છ… સાત… સાડા સાત…?”

“જી… જી સમય તો મને બરાબર ધ્યાન નથી પણ અહીં આવવા નીકળ્યો તે અગાઉ ‘બાટલીબૉઈ’ કંપનીની પાંચ ત્રીશ વાગ્યાની શિફ્ટ પૂરી થયાની સાઇરન વાગેલી એટલે…

“હવે તું મને એ કહે_ કે આ દરવાજો તેં અંદરથી બંધ કરેલો હતો !… તો પછી બહાર તાળું કેમ ?” મોરેના હાથમાં રહેલી ટોમીમાં લટકતા તૂટેલા તાળાંને બતાવતા માથુરે તેને પૂછ્યું.

ને સાંભળી અજય ચેવલીની પૂરી ઊંધ ઊડી ગઈ..!

“શું વાત કરો છો સાહેબ ? દરવાજાને બહારથી તાળું? હું શું કામ તેમ કરું ? મેં બહારથી દરવાજો લૉક કરવા કોઈને કહ્યું નથી !”…પેલો ગભરાયો.

“કોને કામ સોંપેલું ? સાચું કહેજે… મેં આ ઍપાર્ટમેંટમાં તપાસ કરાવી, તો એક બે જણે એવું કહ્યું કે તું અંદર હોય, લાઈટ સળગતી હોય ત્યારે અચૂક બહાર તાળું લટકતું હોય!! …આ ઍપાર્ટમૅન્ટના રહિશોએ છેલ્લા એક માસથી આ બાબતે તારી પર ખાનગીમાં વૉચ મૂકેલી છે…તે તને ખબર છે?” માથુરે અંધારામાં તીર છોડ્યું.

ઘડીક મોરેના હાથમાં તૂટેલા તાળાંને તો ઘડીક માથુરને જોઈ રહેલો અજય ચેવલીએ ત્યારે કૈંક ગભરાટમાં પોતાની જાત સંકોરવા માંડી અને થોડો આધોપાછો થતા બોલ્યો, “ના સાહેબ ના ! તદ્દન ખોટી વાત છે મારે શું જરૂર બહારથી તાળું મારવાની ? મેં કોઈને એમ કરવા કહ્યું નથી.”

“કેમ તને આમ ઊંઘણશીની જેમ સૂઈ રહેવાની ટેવ હોય તો તારા શેઠ પ્રશાંત સર કે પછી કોઈ બીજો કોઈ તારો મિત્ર બીજી ચાવી લઈને પછી આવી જાય ..” પ્રશાંત ગોધાણીની ઑફિસમાં તીણી નજર ફેરવી રહેલા માથુરે શક્યતા દર્શાવતા કહ્યું.

“સાહેબ ! પ્રશાંત સર પાસે બીજી ચાવી રહે છે, એ વાત સાચી, પણ મેં તમે કહો છો તેવું કશું નથી કર્યું…અને તમે જ મને કહો કે જો મારા બોસ કે અન્ય કોઈપણ જો ઑફિસમાં આવવાનું હોય તો હું અંદરથી દરવાજો શું કામ બંધ કરું ? તો…તો.. બહારથી કોઈ આવી જ ન શકે !!” ક્લાર્ક અજય ચેવલીએ દલીલ કરી .

“દોસ્ત અજય, હું પણ એ જ વિચારી રહ્યો છું કે તું તો અહીં સૂવા માટે આવ્યો હતો ને ? … તો પછી આ લાઈટ બંધ કરી સૂઈ રહ્યો હોત, પણ તમે તો સાહેબ, આખી રાત જાગતા રહ્યા હતા !… તો પછી દરવાજો અંદરથી શા માટે બંધ? આ કાગળનાં ઢગલામાં ચોરી કરવા જેવું શું છે ?” ઑફિસના સ્વિચ બૉર્ડ પાસે જઈ લાઇટની સ્વિચ બંધ કરતા માથુરે કહ્યું.

ને અજય ક્ષણવાર માટે લગભગ ચૂપ થઈ ગયો …

“દરવાજો તો મેં અમસ્તો જ બંધ કરી રાખ્યો હતો…કે અચાનક ઊંઘ આવી જાય તો !? … હું તો_ પ્રશાંત સરનો ફોન આવ્યો, પછી તરત સૂઈ ગયેલો !” ગૂંચવાયો ગયેલા અજયે ખુલાસો કર્યો.

“પ્રશાંતનો ફોન ક્યારે આવેલો ?”

“ગઈકાલે મોડી રાત્રે, તે કદાચ જ અહીં આવશે એમ કહેતાં હતા…પછી અડધી રાત્રે હું ક્યાં ઘરે જવાનો માટે ? _ ”

“સારું…સારું, તું મહેન્દ્રપાલ સિંગને ગઈકાલે તું મળેલો ? ઓળખે છે ને એને ?”

” ના ! તમે એપાર્ટમેન્ટના વૉચમેનની વાત કરો છો ને સાહેબ ? હું તેને નહોતો મળ્યો !”

“તુ અહીં છે, એ બાબતની એને ખબર નથી ?”

” મને શું ખબર સાહેબ? પણ…કદાચ ના હશે સાહેબ ! કારણકે હું આવ્યો, ત્યારે ઍપાર્ટમૅન્ટનાં દરવાજા પર કોઈ નહોતું !”

“હવે અજય, તું મને એ કહે_ કે શું તુ આખી રાત જાગતો હતો ?… અને ભાઈ મારા આ વીજળીનો દુર્વ્યય શા માટે કરે છે ? બધા ઉપકરણની સ્વીચ બંધ કરવાની ટેવ પાડ !” રૂમમાં ફરી રહેલા માથુરે, સ્ટેન્ડ બાઇ મૉડમાં ચાલી રહેલા વૉલ માઉંટેડ ટીવી અને ડીવીડી પ્લૅયરને, રિમૉટથી બંધ કરતા કહ્યું.

“ના..ના સાહેબ!…હું ક્યાં જાગતો હતો ?” કહેતા પેલા થોથવાયો.

એ એવું બોલ્યો, કે અકળાયેલો સોની તેનો કાંઠલો ઝાલવા લગભગ તેની પાસે પહોંચી ગયો, “કેમ અલ્યા! જુઠ્ઠુ બોલે છે?…ઊંધો લટકાવી; હાડકાં તોડી નાંખીશ !!”

“ના..ના.. સાહેબ ! હું જુઠ્ઠું નથી બોલતો ? ” પેલાએ ગભરાઈ જતા કહ્યું

ત્યાં તો માથુરે આવી તેને ખભે હાથ મૂકતાં કહ્યું, “…અજય ! તું આ સાહેબને ઓળખતો નથી…બહુ કડક છે..” પછી મોરે તરફ ફરી કહ્યું, “…આ મોરે સાહેબને પૂછ…ગઈકાલે પેલા સુરત બૉમ્બ કાંડમાં પકડાયેલા ઈબ્રાહીમને ઈન્ટેરોગેશન રૂમમાં, બરફની લાદી પર સૂવાડી, તેને બંને હાથ-પગ બાંધી સોની સાહેબે જે દીધી છે… મોરે ! ઈબ્રાહીમ, સોની સાહેબના હાથનો માર ખાતા ખાતા શું કહેતો હતો ? …હા, યાદ આવ્યું, કહેતો હતો – આના કરતાં અમારી યુપી પોલીસ સારી !!” કહી માથુર હસ્યો…અને પછી અજય ચેવલીના કાનમાં ધીરેથી ગણગણ્યા, “અજય ! સાહેબને બધી ખબર છે_ કે તું રાત્રે જાગતો હતો !…મહિના પછી તો તારા લગ્ન છે ને? ખોટું બોલવામાં પોલીસના ચક્કરમાં ફસાયો; તો તારી પત્ની મયૂરીને તું શું કહેશે ?”

માથુરે ‘મોરે સાહેબ!’ એવું સંબોધન કરતાં, પોતાનું હસવું માંડ ખાળી મોરે, કૈંક શરમાઈને ત્યાંથી ભાગ્યો_

માથુરે જોયું કે પેલો અજય પણ ગલવાઈ ગયો હતો ! …અને એ ગભરાટમાં, તેની ચકળવકળ ફરતી આંખ ક્યાં જઈ અટકતી હતી; તે પણ માથુરે નોંધ્યું…

વળતી મિનિટે માથુર ગયો અને ટીવી સ્ટેન્ડ પર પર પડેલી એક ચામડાંની નાની હૅન્ડબૅગ લઈ આવ્યો !

માથુરે જઈને એ હૅન્ડબૅગ ખોલી.. અંદર જોયું !…અને બીજી જ મિનિટે સોનીને કહ્યું, “સોની ! ચાલ રહેવા દે એને હવે !…મને એણે ખાનગીમાં ખુલાસો કરી દીધો છે!”

પછી પેલા કલાર્કને ક્હ્યું,” અલ્યા, આ હૅન્ડબૅગ અને તેમાં રહેલો ‘નાસ્તો’ તારો છે ને?” અને પછી તેના જવાબની રાહ જોયા વિનાં આગળ ચલાવ્યું _ ” લે સાચવીને અંદર રૂમમાં હમણાં મૂકી દે! આ સોની સાહેબ માંગે ત્યારે આપજે !” કહી સોની તરફ જોઈ આંખ મિચકારી; પેલી હૅન્ડબૅગ અજય ચેવલીના હાથમાં પકડાવી દીધી.

પેલાંએ નીચી નજરે, ચૂપચાપ માથુરના હાથમાંથી હૅન્ડબૅગ લઈ લીધી અને અંદર ના રૂમમાં ચાલ્યો ગયો…એ પણ કદાચ જાણતો હતો કે વધુ ખુલાસો કરવાનો વખત આવ્યો હોત તો પોતે આ હૅન્ડબૅગ પોલીસને બતાવ્યા વિના છૂટકો નહોતો !

સોનીને થોડી નવાઈ તો લાગી કે માથુર કેમ આમ કહે છે …

” સર ! નાસ્તો ? શું નાસ્તો હતો ?”

“એકાદ બે ‘રેસિપિ”ની સીડી છે !! જે તારી ઉંમરની વ્યક્તિએ જોવી યોગ્ય નથી !!” મૂછમાં મરકતા મરકતા કહ્યું.

” …. !” ગુસ્સે ભરાયેલા સોનીના મોં માંથી એક ગંદી ગાળ નીકળી ગઈ…”આખી રાત એ સાલ્લો જાગતો રહ્યો …પોતે સૂતો નહીં અને આપણને પણ..”

“સોની ! આ ભાઈને ઘરે ફ્રેશ થવા જવા દેજે .”

“પણ સર ! તમે એના લગ્નનું કશું કહી રહ્યા હતા ! તે વાત જરા મારા મગજમાં બેઠી નહીં !… વળી તમે તો એને પહેલીવાર મળી રહ્યા છો…તો પછી એની ઘરવાળીનું નામ ..!? ” સોનીએ માથું ખંજવાળતા કહ્યું.

“સોની ! આપણે જ્યારે એના ઘરે ચાવી લેવા ગયા, ત્યારે તું એના ઘરનાને ચાવી બાબતે પૂછપરછ કરતો હતો; ત્યારે મારી અનાયાસ નજર પડી ગયેલી…તેની લગ્નની કંકોત્રી કંકુ છાંટણા કરેલી, હું બેઠો હતો ત્યાં જ દિવાલ પર ચોંટાડેલી હતી ! જેમાં તેની ભાવી પત્નીનું હતું…અને ટીવી શૉ કેસમાં બંનેના બાજુ બાજુમાં ફોટાઓ હતા અને_ !!”

– ‘ રિશ્તોં મેં દરાર આયી…

માથુરે કંઈક આગળ બોલવા જતો હતો કે તેના મોબાઇલ પર જગજીતના અવાજમાં રિંગ વાગી…

( ક્રમશઃ )

One clap, two clap, three clap, forty?

By clapping more or less, you can signal to us which stories really stand out.