વહી ગયેલી વાર્તા : સુરત ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સપેક્ટર માથુર આસિ. ઇન્સપેક્ટર સોની સુરત શહેરનાં પોલીસ કમિશનર મહેતા સાહેબની સૂચના મુજબ ત્રિવેણી એપાર્ટમેન્ટ, મીરાંનગર, કતારગામ પહોંચે છે જ્યાં વિજય રાઘવન નામના એક શખ્સનું ખૂન થયું હોય છે. વિજય રાઘવન રસેશ ગોધાણી સાથે પાર્ટનરશીપમાં ઇન્કમટેક્સ – સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ કામકાજ કરતો હોય છે. ત્રિવેણી ઍપાર્ટમૅન્ટની લિફ્ટ પાસે થયેલ ખૂન માટે ગુનેગાર શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર માથુર કડીઓ, પુરાવા મેળવવા સ્થળ પર હાજર રહેલી વ્યક્તિઓની પૂછપરછ કરે છે. જે કામમાં ‘ત્રિવેણી’ ઍપાર્ટમૅન્ટનાં સેક્રેટરી મિ.શર્મા તેમને સહયોગ આપે છે…અને વિજયના ઘરમાંથી શંકાસ્પદ વસ્તુઓની ઇન્સપેક્ટર માથુર શોધ આદરે છે. ને ત્યાં તપાસ દરમિયાન તેમને એક સિગારેટનો ટુકડો – ફિલ્ટર પાર્ટ- અને તૂટેલી દીવાની ચીમનીનો કાચ મળે છે. માથુર તેના પોતીકી સૂઝથી ગુનાની આગલી કડી સુધી પહોંચવા સતર્ક થાય છે. આ દરમિયાન તેને ઇન્સપેક્ટર સોની એક સ્પેશિયલ ટિપ ની નોંધ મૂકી વિજયની ડાયરી આપે છે. માથુરએ ચોકીદાર પવાર, ગિરધારી ,મિ.શર્મા, વિરજી, પરસોત્તમ ભરવાડ, રસેશ ગોધાણીની પૂછપરછ આદરે છે. પછી તે આગળની તપાસ માટે રસેશ ગોધાણીને મળવા જાય છે. ત્યાં મુલાકાત દરમિયાન માથુર તેને કેટલાંક મૂંઝવણમાં મૂકી દેતા સવાલ-જવાબ કરે છે અને ગોધાણી અકળામણ અનુભવે છે અને દરમિયાન ત્રિવેણી એપાર્ટમેન્ટ પર સોની વૉચ ગોઠવી માથુરને જાણ કરે છે અને ત્યાં સોનીને જોવા મળે છે એક પડછાયો વિજય રાઘવનના ફ્લૅટ પાસે! અને સોની સાથેની વાતચીત બાદ અચાનક માથુર ફરી ‘ત્રિવેણી’ ઍપાર્ટમેંટ પર જાય છે – વેશ-પલટો કરીને ! ત્યાં પોતાના માણસો હોવા છતાં – ત્યાં જઈ માથુરે શું કર્યું ? તે આપે અગાઉના પ્રકરણ – ૧૦, ૧૧, ૧૨ અને ૧૩ માં વાંચ્યું …
ને પછી આગળ….

“હેલો …!” માથુરે ફોન લીધો કે સામેથી ઈન્સ્પેક્ટર વિકાસ પ્રધાનનો અવાજ સંભળાયો, “સર! વિકાસ !”

“હા, બોલો!”

“સર! ‘હચ’ની કૉલ ડિટેઇલ્સ મળી ગઈ છે અને ‘ઍર ટેલ’માંથી પણ કૉલ ડિટેઇલ્સ લગભગ પંદરેક મિનિટમાં હાથમાં આવી જશે. સર ! મેં એવું જાણવા માટે જ ફોન કર્યો છે કે આ માહિતી લઈ પછી હું ક્યાં પહોંચું ?”

“વિકાસ! તને કતારગામનું, હું જ્યાં બેઠો છું, ત્યાંનું સરનામું લખાવું છું તું ત્યાં પહોંચ… કદાચ મારે તારી જરૂર પડે! સરનામું લખ – ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ રઘુપતિભવન …”

“જી સર! “કહી સામેથી આજ્ઞાસૂચક અવાજમાં વિકાસે જવાબ આપ્યો.

એવામાં અંદરના રૂમમાં હૅન્ડબૅગ મૂકવા ગયેલો અજય ચેવલી બહાર આવ્યો …

સોની તેને જોતાં જ તેની પાસે ગયો અને તેને ખભે હાથ મૂકી હસતા હસતા બોલ્યો… “અલ્યા ચેવલી ! તું તો મારો બેટો જબરો ! આખી રાત જાગતો રહ્યો અને … જા ઘરે જા ! ફ્રેશ થઈને આવ ! પણ તારે પાછા અહીં જ આવવાનું છે, સમજ્યો ?”

“હા સર! પણ સર! મારા જાદવ સાહેબને ના કહેતા કે હું અહીં… નહીં તો મારી નોકરી જશે સાહેબ !” અજય ચેવલીએ વિનંતી કરી.

“નહીં કહીશું ! પણ એક શરતે – અમે અહીંયાં છીએ એવો તારા બૉસને ફોન ન કરવાનો હોય તો … બોલ છે મંજૂર?”

” જી સાહેબ !”

“પાછો ક્યારે આવશે ?”

” એકાદ કલાકમાં સર!”

” સારું જા !” કહી અજય ચેવલીને રજા આપી માથુર ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ ઑફિસના બારી પાસે આવ્યો અને એ કાચની બારી ખોલી નાંખી… અને પછી સ્થિર નજરે બારી બહાર સામે દેખાતા ‘ત્રિવેણી’ એપાર્ટમેંટને જોઈ રહ્યો. તેની નજર અપલક તાકી રહી હતી નવમા માળે…

“શું જોઈ રહ્યા છો સર? ”

“વિજય રાઘવનનો ફ્લૅટ… I-4”

સોની પણ બારી પાસે આવ્યો, “સર ! કંઈક નવું ?”

“નવું તો ઘણું છે સોની ! આ સામે દેખાતા I- 4 અને ‘ઉમિયા લૅંન્ડ ઑર્ગેનાઇઝર્સ ડેવલેપર્સ’ વચ્ચે – ”

“સર! તમે વિજય રાઘવનને બારી પાસેથી સિગારેટનો ફિલ્ટર પાર્ટ શોધેલો…અહીં તો ક્યાં નવું કશું દેખાતું નથી !”

“નવું દેખાતું નથી તો આપણે શોધી કાઢીશું સોની!” કહી માથુર પ્રશાંત જાદવની ઑફિસ ચૅરમાં બેઠો… અને તેના ટેબલ પરની દરેક વસ્તુઓનું ઝીણવટભરી નજરે નિરીક્ષણ કરવા માંડ્યો.

“સોની! ક્યારેક નકામી જણાતી વસ્તુઓ પણ ખૂબ ઉપયોગી પૂરાવો બની જતી હોય છે. તને ધ્યાનમાં હોય તો વિજયના ઘરની બારીની બહારના ગ્રિલના ખાંચામાં, મને જમણી તરફથી સિગારેટનો એક ટુકડો મળેલો.. યાદ છે ને? ‘ફોર સ્કવૅર’ સિગારેટનો વિજય રાઘવને તોડેલો ફિલ્ટર પાર્ટ ?!”

“જી સર ! બરાબર યાદ છે_ તમે કહેતા હતા કે રસેશ ગોધાણીની પણ એ જ બ્રાંડની સિગારેટ પી છે”

“એ તોડેલો ફિલ્ટર પાર્ટ, એ ટુકડો પહેલાં તો મને બહુ ઉપયોગી ના લાગેલો. પછી મને એશ-ટ્રે માં સિગારેટના એવાં જ ફિલ્ટર પાર્ટ મળેલા; તે પણ મને બહુ ઉપયોગી ના લાગેલા. પછી જ્યારે મેં વિજયની બાકી બચેલી બે આખી સિગારેટ સાથેનું પૅકેટ જોયું; ત્યારે મેં અમસ્તું જ ગણિત માંડ્યું… અને વિજય રાઘવનનાં ઘરની બારી પાસે એશ-ટ્રેમાં રહેલા ટુકડાઓ ગણી જોયા!. એશ-ટ્રેમાં સાત ફિલ્ટર પાર્ટ અને સાત વિજયે પીતાં પીતાં બાકી રહેલી, બળેલી સિગારેટના ટુકડાઓ હતા! જ્યારે પૅકેટમાં બે આખી સિગારેટ જ હતી! મતલબ એ હતો કે મને મળેલો, એ આઠમી સિગારેટનો, વિજયે જે પીધી હતી એ બળેલી સિગારેટનો ટુકડો, એશ-ટ્રેમાં નહોતો ! એ ટુકડો ક્યાંક તો હોવો જોઈએ…એ મારો તુક્કો જ હતો ! મારા હાથમાં વિજયના ઘરની બારી પાસેથી મળેલો, એ આઠમી સિગારેટના ફિલ્ટર પાર્ટ હતો; અને એ આઠમી સિગારેટ કંઈક નવી દિશા આપે એ આશામાં, મેં વિજયના ઘરના ઓરડામાં નજર ફેરવવા માંડેલી. પછી તને ધ્યાન હોય તો એ સિગારેટના ટુકડોના બદલે, મને શૂ રૅક પર મૂકેલાં બૂટનાં ખુલ્લા ભાગમાંથી, પેલી ચીમની કાચનો ટુકડો મળેલો ! એ કાચના ટુકડાએ મારી સામે અડધું પડધું ચિત્ર તો સ્પષ્ટ કરી જ દીધું હતું…”

“સર! એવું તો શું હતું એ કાચના ટુકડામાં?” સોની ઉત્સુકતાથી પૂછી બેઠો.

“સોની! એ દીવાની ચીમનીના કાચનો ટુકડો સોનાની લગડીથીય વધુ કિંમતી હતો. એ ટુકડો મને મળ્યા પછી મેં ટિપાઈ પર મૂકેલી, દીવાની ચીમની જોઈ. મને એમ હતું કે એ ચીમની તૂટેલી હશે કારણકે એ ગઈ રાતે જ આ ચીમની તૂટી હતી. પણ ત્યાં તો આખી જ ચીમની હતી…!”

“સર! એ ચીમની બે ચાર દિવસ પહેલાં પણ તૂટી હોઈ શકે…” સોનીએ શંકા વ્યક્ત કરી.

“સોની! એ ચીમનીના કાચનો ટુકડો ક્યાંથી મળ્યો હતો_યાદ છે ને? વિજયના બૂટમાંથી ! કે જે વિજય રોજ જ પહેરતો હતો ! શૂ રૅકમાં બે જ તો જોડી હતી, એક ચંપલ અને બીજી વૅલ પૉલીશ્ડ બૂટની ! સ્વાભાવિક છે વિજય રોજ એ બૂટ પહેરતો હોય તો એ કાચના ટુકડો, સાથે થોડો લઈને ફરતો હોય ? વળી મને હાથ લાગેલા એ ચીમનીના ટુકડો પર મેશ લાગેલી હતી. મતલબ એ કે પહેલા જે ચીમનીનો તૂટી હતી, તે કેટલાય દિવસથી સાફ થઈ નહોતી ! મને આશ્ચર્ય થયું કે જો એ ચીમની ગઈ રાત્રે જ તૂટી હોય તો બાકીના કાચના ટુકડાઓ પણ સંભવતઃ એ ઓરડામાં જ હોવા જોઈએ; જે ત્યાં પહેલી નજરે મળતા નહોતા ! સાથોસાથ એ ટુકડો અને પેલો દીવો _એવું કહેતો હતો કે તે રાત્રે ‘ત્રિવેણી’ માં લાઇટ નહોતી ! એનું કારણ પણ સ્પષ્ટ હતું! તે રાત્રે થોડીવાર માટે પણ એ દીવો વિજયે સળગાવ્યો હોત તો એ ચીમની કાળી થઈ હોત ! પણ આપણા સદનસીબે દીવા પર લગાડેલી ચીમની પર મેશ જરાય નહોતી ! મતલબ કે લાઈટ ગઈ હશે દીવો પણ વિજયે સળગાવ્યો હશે ! પછી કોઈક કારણસર દીવો નીચે પડ્યો હશે અને એ ચીમની તૂટી હશે! અને દીવો નીચે પડ્યો હોય તો કેરોસીન નીચે ઢોળાયું જ હોય ! અને ત્યારે એ વિચારે મારા કાન નાક અને આંખ વધારે તેજ થઈ ગયેલા ! કેરોસીનની વાસ લેવા હું વાંકો વળ્યો, ત્યારે મારું અનુમાન સાચું પડ્યું! અને પછી મેં મારું સમગ્ર ધ્યાન પેલી આઠમી સિગારેટના બાકી બચેલા ભાગ અને પેલી તૂટેલી ચીમની ટુકડાઓ શોધવામાં પરોવ્યું.”

“એટલે જ સર! હવે મારા ધ્યાનમાં આવ્યું, પેલી આઠમી સિગારેટના બાકી બચેલા ભાગ અને પેલી તૂટેલી ચીમની ટુકડાઓ ડસ્ટબીનમાં જ હશે ! એવું વિચારી તમે ડસ્ટબીનમાં ખાંખા-ખોળા કરતાં હતા!” સોનીએ કહ્યું.

“હા ! સાચી વાત છે તારી મને તો ખાતરી હતી કે પેલી આઠમી સિગારેટના બાકી બચેલા ભાગ અને પેલી તૂટેલી ચીમની ટુકડાઓ ડસ્ટબીનમાં જ હશે ! કારણકે વિજય જેવો સમજું માણસ અડધી રાત્રે એ ટુકડાઓ બારી બહાર તો ફેંકવાનો નહોતો ! અને તે પણ જ્યારે એ બારી મેઇનરોડ પર પડતી હોય ત્યારે તો નહીં જ ! એટલે મેં વિચાર્યું કે વિજય બહુ બહુ તો એ ટુકડાઓ ભેગાં કરે અને ડસ્ટબીનમાં નાંખે ! પણ જ્યારે મને એ ટુકડાઓ ડસ્ટબીનમાં ન મળ્યા ત્યારે મનોમન મને ખાતરી થઈ ગઈ કે નક્કી દાળમાં ક્યાંક કાળું છે અને ડસ્ટબીન સિવાઈ બીજે એ ટુકડાઓ મૂકનાર વિજય તો નહીં જ હોય! અને વિજય જેવો એકાંતપ્રિય, અલગારી જેવો માણસ ઘરમાં સ્પૅર ચીમની રાખે એવી શક્યતા પણ લગભગ નહીંવત હતી. મતલબ કે એ કામ કોઇ બીજી વ્યક્તિનું જ હોઈ શકે ! જ્યારે દીવા પર રહેલી તદ્દન સાફ ચીમની પણ વિજયના ઘરમાં તેના સિવાઈ કોઈક અન્ય વ્યક્તિની હાજરી બાબતે ચાડી ખાતી હતી! એ વિચારનો છેડો પકડી મેં એ ટુકડાઓ વિજયના ઘરમાં શોધવા માંડ્યા. સરવાળે આપણને ઉપયોગી એવું ઘણું બધું ટી.વી શૉ-કેસ પાછળના ભાગમાં મળી આવેલું એક પ્લાસ્ટિકની કોથળીમાં…પેલા ચીમનીના કાચના મેશવાળા અસંખ્ય ટુકડા, એક લોહીથી લથપથ દિવાસળીનું બોક્સ અને એટલું જ નહિ પણ એ બધામાં બીજી પણ એક અગત્યની વસ્તુ મળી આવી- પેલી આઠમી સિગારેટનો ટુકડો ! એ અધકચરી સળગેલી આઠમી સિગારેટનો ટુકડો સ્પષ્ટપણે કહી રહ્યો હતો કે વિજયે માંડ એના બે ઘૂંટ ભર્યા હશે – મતલબ કે વિજય સિગારેટ સળગાવી માંડ બે ઘૂંટ ભરી રહ્યો હશે કે…” કહી માથુર શ્વાસ ખાવા થોભ્યો.

“સર! એનો અર્થ એવો થયો કે ‘ત્રિવેણી’ ની લાઇટ ગઈ હશે અને વિજય સિગારેટ સળગાવી જ રહ્યો હશે કે ત્યારે ખૂની ત્યાં હાજર હતો ! બરાબર ?” પાસે પડેલો પાણીનો ગ્લાસ માથુરની સામે ધરતા સોનીએ કહ્યું

“તારી એક વાત બરાબર છે કે ‘ત્રિવેણી’ ની લાઇટ ગઈ અને વિજય સિગારેટ સળગાવી જ રહ્યો હતો ત્યારે જ વિજયનું ખૂન તો થયું હશે ! પણ એક અનુમાન ખોટું છે કારણકે ખૂનીઓ વિજયનું ખૂન કર્યા પછી તેના રૂમમાં આવ્યા હતા !!” માથુરે ધડાકો કર્યો.

“સર…સર ! એક મિનિટ! ખૂનીઓ? તમે ખૂનીને બદલે ખૂનીઓ શબ્દ વાપરી ભૂલ તો નથી કરી રહ્યાં ને ?”

“ના ! અને હવે આપણે એ ખૂનીઓને પકડવાના છે !”

“પણ સર! રસેશ ગોધાણીનું શું કરીશું? એ તો સાપુતારા રવાના થવાની તૈયારી કરી ચૂક્યો હશે, કદાચ નીકળી પણ ગયો હશે.”

“આ ખૂનીઓ કદાચ વિજય રાઘવન પછી તેને વેતરી નાંખે તે પહેલા… તું ફટાફટ વાયરલૅસ પર મૅસેજ મૂકી દે… અહીંથી નીકળી ગયો હોય તો એને કોઈક ચૅક પોસ્ટ ઉપર પણ એને રોક_”

( ક્રમશઃ )

One clap, two clap, three clap, forty?

By clapping more or less, you can signal to us which stories really stand out.