ગુજરાતી ના પિરિયડ માં

Mihir Pathak
LearningWala STUDIO
3 min readSep 25, 2019

મારે ત્રીજા ધોરણમાં તૃતીય ભાષા તરીકે ગુજરાતી ભણાવવાનું નક્કી થયું ત્યારે હું ખુબ ખુશ થયેલો , કારણકે ગુજરાતી આપણો પ્રિય વિષય. ધરમપુર જેવા આદિવાસી વિસ્તારની નિવાસી શાળા માં પહેલા- બીજા ધોરણના બાળકો સાથે ‘આનુષંગિક વાંચન’ ના પ્રયોગો કર્યા હતા એટલે એવું વિચારીને શરૂઆત કરી કે ત્રીજા ધોરણના બાળકો સાથે પણ આ પ્રકારે કરી જોવું છે. આ ઉપરાંત સંરચનાવાદી અભિગમ દ્વારા ભાષા શીખવવા માટે નાટકો, વાર્તાઓ, ગીતો, પંચેન્દ્રિય પ્રવૃતિઓ, ઓડિયો- વિડીયોનો સહારો લેવો એમ નક્કી કર્યું હતું.

આમ શરૂ થઈ અમારી અનોખી યાત્રા। …

ધોરણ 3 નું નવું અજમાયશી પાઠપુસ્તક

સૌથી પહેલા તો બાળકો સાથે મિત્ર જેવો સંબંધ બનાવની કોશિશ ચાલી , એવું વાતાવરણ બનાવ્યું જ્યાં બાળકો ભૂલ કરતા ડરે નહિ , બધી વાતો શિક્ષક સાથે વહેંચે અને શીખવાની અનોખી યાત્રા માં ખુશી ખુશી જોડાય.

કેટલીક વાર એવું વાતાવરણ કેઓસ જન્માવે છે, કલાસ માં ખુબ અવાજ થાય , બાળકો તમારું માને નહિ, એવું બધું થાય. પણ બીજી બાજુ આપણે બાળકો ની એનર્જી ને મીનિંગફુલી એન્ગેજ કરવા વિવિધ પ્રકારની પ્રવૃતિઓ તૈયાર રાખવી પડશે. મહેન્દ્ર સર કહે છે તેમ કલાસમાં એક્ટિવિટી ઓરકેસ્ટ્રા ચાલવું જોઈએ જ્યાં બધા બાળકો અલગ અલગ ગ્રુપ માં વિવિધ પ્રવૃતિઓમાં વ્યસ્ત હોય. આ ઉપરાંત નોર્મ્સ બનાવવા અને થોડી ફર્મનેસ રાખવી એ પણ એટલું જ મહત્વનું છે. આ બીજા મુદ્દામાં હું હજુ કાચો પડુ છું. સિનિયર ટીચર્સ પાસેથી આ બાબતો શીખી રહ્યો છું અને એનાથી કલાસ રૂમ માં ફેર પણ દેખાય છે.

DOs and DON'Ts

શાળા માં ગુજરાતી ત્રીજી ભાષા (પ્રથમ અંગ્રેજી , દ્વિતીય હિન્દી — ઘરે કચ્છી બોલાય એ અલગ) તરીકે ભણાવાય છે. એટલે બે ધોરણ નીચા પુસ્તકો વાપરવામાં આવે. ત્રીજા ધોરણમાં પહેલી વખત ગુજરાતી ભણાવવામાં આવે છે જેમાં પહેલા ધોરણના પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવામાં આવે છે. હું મારા કલાસ માં પહેલા ધોરણના પાઠ્યપુસ્તક ઉપરાંત ગુજરાત પાઠપુસ્તક મંડળ દ્વારા ગુજરાતી દ્વિતીય ભાષા તરીકે ભણવા માટે ખાસ તૈયાર કરવામાં આવેલ પાઠ્યપુસ્તક તથા ત્રીજા ધોરણનું નવું અજમાયશી પાઠ્યપુસ્તક વાપરું છું.

અમારા કલાસ માં મૂળાક્ષરો શીખવાતા નથી પણ વાર્તાઓ કહેવાય છે, ગીતો ગવાય છે, નાટક થાય છે, આ બધા માં જે નવા શબ્દો અને વાક્યો આવે છે એ અમે સીધા વાંચવાનો પ્રયત્ન કરીયે છે. કાર્ડ્સ દ્વારા , અન્ય રમતો દ્વારા આનુષંગિક વાંચન અને લેખન ની પ્રેક્ટિસ કરીએ છીએ.

મોટા ધોરણો માં પરીક્ષા ચાલતી હોય ત્યારે નાના ધોરણો માં રિવિજ્ન કે સ્પાયરલિંગ કરવામાં આવે છે. અહીં ગુજરાતી માં કરાવેલી કેટલીક પ્રવૃતિઓ ની વિગત મુકું છું.

રિવિજ્ન માટે બાળકો ને ત્રણ કલાક નો સમય મળે છે, જેમાં શિક્ષકે એવી પ્રવૃતિઓ ડિઝાઇન કરી બાળકો સમક્ષ મુકવાની હોય કે જેના દ્વારા બાળકો કેટલું શીખ્યા છે , ક્યાં અટકે છે, કેટલું સ્વતંત્ર રીતે કરી શકે અને ક્યાં પ્રેક્ટિસ ની જરૂર છે એ જાણી શકાય.

પ્રવૃતિઓની યાદી

  • સ્પીકર માંથી વાગતા ઓડિયો ને સાંભળો અને તમારી નોટબુક માં એ લખો (હું કેટલાક શબ્દો રેકોર્ડ કરીને લઈ ગયો હતો જે બ્લ્યુ ટુથ સ્પીકર દ્વારા બાળકો ને સંભળાવ્યા હતા )
  • હું તમને એક કાર્ડ આપીશ એ કાર્ડ માં લખેલો શબ્દ તમારે વાંચીને મને બોર્ડ ઉપર લખવાનો
  • હું બોર્ડ પર જે શબ્દ લખું એ કાર્ડ જેની પાસે હોય એ હાથ ઉપર કરે અને મૉટે થી વાંચી સંભળાવે
  • હું અધૂરું વાક્ય તમારી બેન્ચ ઉપર લખું છું અને એક ઓડિયો સંભળાવું છું , વાક્ય માં ખૂટતો શબ્દ / મૂળાક્ષર લખી કાઢો
  • હું વાક્ય બોર્ડ ઉપર લખું છું જેમાંથી વધારાના મૂળાક્ષર કાઢી વાક્ય ફરી લખો

ઉ.દા — ચગાયચ ચદૂધચ ચઆપેચ ચછેચ.

ગાય દૂધ આપે છે.

  • હું એક વાર્તા નો ઓડિયો સંભળાવું છું અને પછી એમાંથી કેટલાક વાક્યો બોલીશ. તમારે સાચા વાક્યો ને ગપ્પુ બનાવવાનુ અને ગપ્પુ હોય એને સાચું વાક્ય બનવાનું.

બિલાડી કાળા રંગની હતી (સાચું વાક્ય) — બિલાડી ગુલાબી રંગની હતી (ગપ્પુ બનાવ્યું)

  • આ થેલી માં કેટલાક શબ્દો ના કાર્ડ કાપી ને રાખ્યા છે એ કાર્ડ ને સ્પર્શ દ્વારા ઓળખો અને મોટેથી બોલો.
  • ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો
  • ચિઠ્ઠી માં જે લખેલું આવે એવો અભિનય કરો
  • કેટલાક વિદ્યાર્થીઓ દુકાન ખોલે, દુકાન માં વસ્તુઓ ની જગ્યાએ શબ્દ કાર્ડ હોય. ગ્રાહક શબ્દકાર્ડ વાંચી અને વ્યવહાર કરે.
  • ગીતડાં ગાવ અને મજા કરો
  • મિક્સ ચિત્રો માંથી સાચા ચિત્રો શોધી કાઢો

--

--