Eco Buddy ના ચશ્મા- વાત આસોદર સમર કેમ્પની
લાઠી તાલુકાનું આસોદર ગામ અને 10 થી 16 વર્ષ ના ઉત્સાહી બાળકો
કેમ્પ માં મુખ્યત્વે નીચેની પ્રવૃતિઓ થઇ :
- વારલી પેઇન્ટિંગ , થ્રેડ આર્ટ
- બ્રેન જિમ — Right Brain development activities
- નાટક — Improvisation / instant acts
- પર્યાવરણ અને આપણી એક્શન્સ ઉપર ચર્ચા અને રિફ્લેક્શન — Eco buddy activity
સમર કેમ્પ ના થોડા દિવસ પહેલા જ ‘ચાઈલ્ડ ડેવલપમેન્ટ એન્ડ લર્નિંગ’ ઉપર ના વર્કશોપ માં વાયગોતસ્કી ની ‘મિડિયેશન થિયરી’ ભણી ને આવ્યો હતો. જેમાં વાયગોતસ્કી જણાવે છે કે બાળક ના સજ્ઞાનાત્મ્ક વિકાસ માં કેટલાક માનસિક ઉપકરણનો ફાળો ખુબ મહત્વનો હોય છે. જેમકે ભાષા , ક્રિટિકલ થીંકીંગ સ્કિલ , વગેરે માનસિક ઉપકરણો છે જે બાળક ને સંસ્કૃતી અને સામાજિક આંતરક્રિયાઓ દ્વારા મળે છે જેને બાળક પોતાની રીતે આત્મસાત કરે છે. આ માનસિક ઉપકારણો એક મધ્યસ્થી નું કામ કરે છે જે મનુષ્ય ના સંજ્ઞાન ને એક સ્તર ઉપર લઇ જવામાં મદદ કરે છે. જેમકે તમે શાક ભાજી ખરીદવા જાવ ત્યારે શાક ભાજી તાજી છે કે નહિ , પાકી કે કૂણી છે કે નહિ , ભાવ તો બરાબર છે ને આ બધું વિચારો છો અમસ્તી શાક ભાજી લઇ ને આવી નથી જતા. આ પ્રકારે વિચારવું એ મેન્ટલ ટૂલ નો ઉપયોગ કરવો છે. આ વિચારવાની પ્રક્રિયા તમારી બેઝિક સજ્ઞાનાત્મક ક્ષમતા ની આગળ એક મધ્યસ્થીનું કામ કરે છે એક ચશ્માં તરીકે નું કામ કરે છે, એક કુશળ ગ્રાહક ના ચશ્મા… જે તમારી સજ્ઞાનાત્મક ક્ષમતા ને એક સ્તર ઉપર લઇ જાય છે.
કદાચ આપણું કામ બાળક ને આવા વિવિધ મેન્ટલ ટુલ્સ આપવાનું છે જે બાળક ના સન્જ્ઞાનાત્મ્ક વિકાસ ને ઉપર ના સ્તરે લઇ જાય છે. આ સમર કેમ્પ માં મિત્રો એ ભેગા થઇ બાળકો ને Eco Buddy ના ચશ્મા પહેરાવાના પ્રયોગ કાર્ય તેની થોડી વાત અહીં કરવી છે.
પ્રથમ દિવસે બાળકો ને લઈ ને ગામ માં લટાર મારવા નીકળ્યા હતા જ્યાં પ્લાસ્ટિક ની કોથળીઓ ના દર્શન થયા હતા. એક છોકરો બોલ્યો કે “મારી વાડી માં કોથળીયો ઉડી ને આવે એ મને ન ગમે” આ વાત અમને સ્પર્શી ગઈ. આર્ટ ના શેશન પછી અમે આ વાત ઉપાડી અને પલાસ્ટીક ક્યાંથી આવે છે શું આવું પલાસ્ટીક આપણને નુકશાન કરી શકે કે કેમ ? પ્લાસ્ટિક ના ફાયદા શું ? કેમ આટલા બધા લોકો પ્લાસ્ટિક વાપરે છે ? જો પ્લાસ્ટિક મનુષ્ય અને પ્રાણીઓ ને બંને ને નુકશાનકારક હોય તો પછી આપણે પલાસ્ટીક ની જગ્યાએ બીજું કઈક વાપરી શકાય કે કેમ ?
આ બધા જ પ્રશ્નો વારા ફરતી અમે બાળકો સામે ખોલ્યા , બાળકો એ વિવિધ ગ્રુપ માં ચર્ચા કરી , દરેક ગ્રુપમાં ફેસીલીટેટરે મુક્તપણે તેમના વિચારો સાંભળ્યા — સામે તર્ક પણ કર્યા જેથી સ્પષ્ટતા આવે , અંતે બાળકો એ પોતાના વિચારો બધા સમક્ષ પ્રેઝન્ટ કર્યા.
બાળકોએ પલાસ્ટીક વિષે લખ્યું કે પલાસ્ટીક સસ્તું છે, હલકું છે , સરળતા થી મળી રહે છે, પ્રવાહી વસ્તુઓ પણ રાખી શકાય છે, વરસાદ કે પાણી થી વસ્તુઓ ને બચાવવા માં પણ ઉપયોગી છે — એટલે લોકો પ્લાસ્ટિક વાપરે છે.
સામેની બાજુ પલાસ્ટીક થી માણસો તથા પશુ — પક્ષીઓ ને નુકશાન પણ ઘણું થાય છે. બાળકો એ સૂચવ્યું કે પલાસ્ટીક ની જગ્યાએ મેટલ બોટલ , પલાસ્ટીકની કોથળી ની જગ્યાએ કાપડની કે પેપર ની થેલી વાપરી શકીયે આ ઉપરાંત અત્યારે જે પલાસ્ટીક છે તેના રીસાઇકલ અને તેમાં થી કોઈ ઉપયોગી ચીજ વસ્તુ બનાવી અપ સાઈકલિંગ ની વાત પણ કરી.
આ પ્રવૃત્તિ બાળકો ને એક નવી રીતે વિચારવાની તક આપે છે. જે જીવનના બીજા ઘણા તબક્કે પણ ઉપયોગી થશે.
બીજા દિવસે અમે થોડા એક્શન તરફ વળ્યાં — સવાર ના સેશનમાં અમે ગામ ના એક નાનકડા ભાગ માંથી પલાસ્ટીક કલેક્ટ કરવાનો કાર્યક્રમ કર્યો.
ત્યારબાદ ના સેશનનું નામ હતું ‘ઇકો બડીના ચશ્મા’ — આઈડિયા એવો હતો કે જેમ કોઈ સુપર હીરો ના ગુણ હોય — સ્પાઈડર મેન વેબ છોડે , લોકો ની મદદ કરે , વગેરે વગેરે એમ ઇકો બડી એટલે કે પર્યાવરણ નો મિત્ર શું કરે ? એના ગુણો શું હોય ?
અમે બાળકો ને આ પ્રશ્ન પૂછ્યો બહુ સ્પષ્ટ જવાબ ન આવ્યો પણ મગજ નું ચકરડું ફરવા લાગ્યું. અમે બાળકો ને ગ્રુપ માં વહેંચાઈ જવા કહ્યું અને દરેક ગ્રુપ ને એક એક પરિસ્થિતિ આપી. શરત એવી હતી કે દરેક પરિસ્થિતિ ને ‘પર્યાવરણ ના મિત્ર’ તરીકે ના ચશ્મા પહેરી ને જોવાની છે.
પરિસ્થિઓ કાંઈક આવી હતી -
* તમે નદી કિનારે ફરવા ગયા છો, તમે જુઓ છો કે કેટલાક લોકો નદી માં પલાસ્ટીક વહેવડાવી રહ્યા છે. તમે આ જોઈ ને શું વિચારશો ? શું એક્શન લેશો ?
* તમે કોઈ ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે ગયા છો અને ત્યાં કેટલાક લોકો દીવાલો બગાડી રહ્યા છે. તમે શું કરશો ?
* તમારા ગામમાં કેટલાક લોકો જેસીબી લઈને ઝાડ કાપવા આવ્યા છે. તેઓ ગામમાં મોલ બનાવવા માંગે છે. આવી પરિસ્થિતિ માં તમે શું કરશો ?
* વિચારો કે હજી પલાસ્ટીક ની શોધ નથી થઇ તો ક્યાં પ્રકારના ઉપાયો દ્વારા બધું કામ ચાલતું હશે ? શું અત્યારે એવું થાય તો શું વાંધો પડે ?
* આપણને ખબર છે કે પ્લાસ્ટિક ખરાબ છે તો પણ આપણે કેમ વાપરીએ છીએ ? આપ પર્યાવરણ મિત્ર તરીકે શું કરશો ?
બાળકોએ ગ્રુપમાં ચર્ચા કરીને નાટક , ગીત, વાર્તા કે અન્ય ફોર્મ માં પ્રિઝેન્ટ કરવાનું હતું. બાળકો અને મોટેરાઓ બંને મંડી પડ્યા અને પોણા કલાક માં તો કોઈ વાર્તા સાથે તો કોઈ ગીત સાથે અને કોઈ અભિનય સાથે તૈયાર થઇ ગયા…
નદી કિનારા વાળા ગ્રુપે નાટક કર્યું અને બતાવ્યું કે કોઈ નદીમાં કચરો ફેંકતું હોય તો તેને કેવી રીતે સમજાવશે.. શું તર્ક આપશે , કોઈ ધર્મ ની વાત મૂકે તો કોઈ એમ કહે કે એક કોથળી નાખવાથી શું બદલાઈ જાય વગેરે, વગેરે આ બધા ની સામે પર્યાવર્ણનો પાક્કો મિત્ર કેવી રીતે ટકી રહે છે અને કેવો પ્રતિભાવ આપે છે તે આખું ચિત્ર ખુબ ખુબ સુંદર રીતે અભિનય કરીને બતાવ્યું. અન્ય ગ્રુપે પણ વાર્તા તથા ગીત દ્વારા પ્રસ્તુતિ કરી.
વધારે સારી પરિસ્થિતિ ડિઝાઇન કરીને , પર્યાવરણ ના મિત્ર ના ચશ્મા વિષે / પર્યાવરણ મિત્ર ના ગુણો વિષે વધારે સ્પષ્ટ વાત કરીને આ પ્રવૃત્તિ હાજી વધારે સારી બનાવી શકાય એમ હતી.
આ પ્રવૃત્તિ પછી એક સેશન માં અમે વાત કરી કે પર્યાવરણના મિત્ર બનવા માટે જો તમારે પોતે પોતાની એક આદત બદલવાની હોય તો કઈ આદત બદલો અને તેના માટે કઈ સ્કિલ જોઈએ અને/અથવા કયો ગુણ તમારામાં હોવો જોઈએ ?
જેમકે શકભાજી લેવા જતી વખતે કાપડની થેલી લઇ જવાની ભૂલી જવાય છે — આ આદત બદલવા માટે શું શું જોઈએ ? — જાગૃત રહેવું પડે અને થોડું પ્લાંનિંગ કરવું પડે
આવી જ રીતે બધાએ પોટ પોતાની આદતો લખાવી જે તેઓ બદલવા માગતા હતા અને સાથે સાથે એ આદત બદલવામાં ક્યાં ક્યાં ગુણો તથા સ્કિલ્સ જોઈશે તે નોંધ્યા
ત્યારબાદ અમે પલાસ્ટીક થી થતી હાની નો ચિતાર આપતા કેટલાક ફોટોગ્રાફ્સ જોયા ને ચર્ચા કરી , અને અંતે સવારે જે પલાસ્ટીક ભેગું કરીને લાવ્યા હતા તેની પલાસ્ટીક બ્રિક્સ બનાવની કામગીરી શરૂ કરી. પલાસ્ટીક બ્રિક્સ બનાવવામાં બાળકોને ખુબ મજા આવી.
હવે વાત કરીયે નાટક ના સેશન ની -
સાચું કહું તો નાટક ના સેશન માં અમે નાટક તો કર્યું જ નથી :)
અમે માઈન્ડ જોગ નામ ની રમત થી શરૂઆત કરી ત્યારબાદ ઈમ્પ્રોવ ની રમત રમ્યા જેમાં બાળકો પોતાની પોઝિશન લેતા અને હું એમને કોઈક પરિસ્થિતિ આપતો જેમાં તેઓએ તાત્કાલિક જે મનમાં આવે એ પ્રમાણે વર્તવાનું છે.
ત્યારબાદ અન્ય એક રમત માં બાળકો એ પોતે એક સાઇલન્ટ એક્ટ તૈયાર કરીને લાવવાનો છે અને બધાની સામે પ્રસ્તુત કરવાનો છે, જેમાં બાળકો ને ખુબ મજા આવી… ત્યારબાદ ના પડાવ માં અમે ભેગા થઇ ને ટી.વી એડ્વર્ટાઇઝ બનાવી. કોઈકે સાબુ ની તો કોઈએ હોટલની , કેટલાક મિત્રોએ ભેગા થઇ ને ‘હોમ વર્ક મશીનની’ જાહેરાત બનાવી.. એવું મશીન કે જે તમારું હોમ વર્ક કરી આપે ટીચર પણ ખુશ અને મમ્મી પણ ખુશ :)
આ પ્રવૃત્તિમાં માં પણ જુદી — જુદી રીતે વિચારવાનું , જૂથ માં કામ કરવાનું , અન્ય કેરેક્ટર ની જેમ વિચારવાનું , અનુભવવાનુ અને વર્તવાનું આવે છે — જે એક નવા મેન્ટલ પ્રોસેસ ને ઉઘાડે છે.