‘આપણું ભોજન’

LearningWala Winter Camp 2021

Mihir Pathak
LearningWala STUDIO
6 min readMar 28, 2021

--

LearningWala Winter Camp 2021

શીખવા વિશે એક જાણીતું વાક્ય છે,

I hear and I forget. I see and I remember. I do and I understand.

— Confucius

બાળકોને આપણે જ્યારે બોલીને શીખવીએ છીએ ત્યારે એમનાં અનુભવની ઓછપને કારણે કદાચ તેઓ યોગ્ય રીતે કલ્પના કરી, સમજી નહિ શકતાં હોય. એમને ચિત્રો વસ્તુઓ દેખાડી શિખવવામાં આવે તો તેઓ વધારે શીખે છે. પરંતુ જ્યારે એમને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે જ્યાં તે જાતે કરી શકે, તો તેઓ સૌથી વધારે શીખે છે.

આના ઉપરથી જ ‘Learning by doing’ નો સિદ્ધાંત આવ્યો હશે. LearningWala STUDIO હેઠળ મને પણ આવા જ એક Workshopના ભાગ બનવાનો મોકો મળ્યો. અહીં વિષય હતો — ‘આપણું ભોજન’. બાળકો પાઠ્યપુસ્તકમાં જે શીખે છે એને વધારે સારી રીતે શીખી, સમજી અને જીવનમાં ઉતારે એવો આ કાર્યશાળા(Workshop)નો હેતુ હતો.

વડોદરાની Sai’s Angel સંસ્થાનાં આશરે ૨૫ બાળકો સાથે અમે વડોદરા નજીક પાદરાનાં એક guest houseમાં બે દિવસીય કાર્યશાળા ૩૦ અને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૧માં યોજી હતી. બાળકો સાથે કામ કરનારાં કેટલાંક facilitators નો બાળકો સાથે કોઈ સંપર્ક નહતો, એટલે અમે શરૂઆત, ઓળખાણની એક રમતથી કરી; જેમાં બધાં એકબીજાંનું નામ જાણી, પૂછી શકે. બીજી પ્રવૃત્તિ Brain Gym, right & left brain activityની હતી અને એક સમૂહ નૃત્ય જેવું પણ હતું જેથી બાળકો તાજાંમાજાં થઈ જાય અને બધાં એકબીજાં સાથે હળીભળી પણ જાય. સાથે, શાળામાં અપાતી શિક્ષણ પદ્ધતિ કરતાં આ કાર્યશાળાની પદ્ધતિ જુદી હતી એ પણ બાળકો કહ્યાં વગર જ સમજી જાય અને ખુલ્લાં મને આગળ વધે.

કાર્યશાળાનો વિષય આમ તો વિજ્ઞાનને લગતો હતો, પણ એનો અર્થ એમ નહોતો કે અમે બીજાં કોઈ વિષયની વાત જ નહોતાં કરવાનાં! ભોજન વિશેના workshopની સૌથી પહેલી પ્રવૃત્તિ અમે પન્નલાલ પટેલની જાણીતી વાર્તા ‘લાડુનું જમણ’નાં પિક્ચરથી કરી. આ વાર્તામાં દેવશંકર માસ્તરને લાડુની જે આસક્તિ હતી તેનાથી ચર્ચાની શરૂઆત થઈ. આસક્તિના અર્થ વિશે બાળકો શું સમજ્યા તેના વિશે ચર્ચા કરી. ત્યારબાદ, બધાંને ખાવાની કઈ વસ્તુઓ પ્રત્ત્યે આસક્તિ છે તે જણાવવાનું હતું. એ યાદી પરથી કઈ વસ્તુ સ્વાસ્થ્યપ્રદ (healthy) અને કઈ નહિ એની ચર્ચા ચાલી. વળી, સ્વાસ્થ્યપ્રદ ન હોવાં છતાં જીભનાં સ્વાદને કારણે જે વસ્તુઓ પ્રત્ત્યે આસક્તિ હોય તેવી વસ્તુઓની વાત થઈ. આમ, અમારા વિષય પરત્ત્વે બાળકોનું વિચારવાનું કામ અભાનપણે પણ શરૂ થઈ ચૂક્યું હતું.

આના પછીની બીજી પ્રવૃત્તિમાં અમે ચૉકલેટ, બિસ્કિટ, થંડા પીણાં, વેફર્સ, maggi વગેરે બાળકોમાં પ્રિય એવી વસ્તુઓનાં wrappers લાવ્યાં હતાં. દરેક wrapper પર એ વસ્તુ જેમાંથી બની છે તેનાં ingredientsનાં નામ બાળકોને દેખાડવામાં આવ્યા. પછી બાળકોએ સમૂહમાં તેમની પાસે રહેલાં બધાં wrappers ના ingredients નોંધી લેવાનાં હતાં. ત્યાર બાદ મોબાઈલનો ઉપયોગ કરી તેમણે એ બધાં ingredients ના ફાયદા અને ગેરફાયદા શોધીને લખવાનાં હતાં અને બીજાંની સમક્ષ રજૂ કરવાનાં હતાં. અહીં મોટા ભાગે જીભનાં સ્વાદ માટે બાળકો અને વડીલોમાં પણ પ્રસિદ્ધ એવી મોટાભાગની વસ્તુઓમાં કોઈ પોષણ તત્ત્વો હોતાં નથી એ બાળકોએ જાતે જ શોધી કાઢ્યું.

એ દિવસની ત્રીજી પ્રવૃત્તિ જુદી જુદી ઋતુનાં (seasonal) ફળો અને શાકભાજી દોરી chart બનાવવાનું હતું. આના પરની ચર્ચા પરથી બાળકો એ શીખ્યાં કે જે ફળો અને શાકભાજીઓ આપણાં પ્રદેશમાં થતાં હોય અને જે મોસમમાં થતાં હોય તે ખાવા વધારે સ્વાસ્થ્યપ્રદ છે કારણકે તે કુદરતી રીતે ઊગે છે. કૃત્રિમ રીતે ઊગાડાતાં ફળો અને શાકભાજીઓ સ્વાસ્થ્યપ્રદ હોતાં નથી.

Reflection Circle

આખા દિવસની આ બધી પ્રવૃત્તિઓને અંતે એક review session હતું જેમાં દરેકે પોતાનો અનુભવ રજૂ કરવાનો હતો અને પહેલાં નહોતાં જાણતાં એવી કઈ નવી વાત શીખ્યા તે કહેવાનું હતું. અહીં બાળકોએ જે રજૂઆત કરી તે ખૂબ રસપ્રદ હતી. કોઈપણ વસ્તુ ખરીદતાં પહેલાં એનાં ingredients જોઈ લઈને પછી તેને ખરીદવા કે ન ખરીદવા વિશેનો નિર્ણય લેવો જોઈએ એવી સામાન્ય રીતે પુખ્ત વયનાં લોકો દ્વારા પણ અવગણાતી વાત બાળકો પાસેથી આવી. Refined wheat flour એટલે મેંદો અને મેંદો સ્વાસ્થ્ય માટે કઈ રીતે નુકસાનકારક હોય છે તે પણ બાળકો સમજ્યાં. આવી તો કેટલીય નાની-મોટી બાબતો બાળકો શીખ્યાં. અહીં, મજાની વાત એ હતી કે આખા દિવસની પ્રક્રિયાઓમાં બાળકોને ભાગ્યે જ કોઈ ઉપદેશ આપવામાં આવ્યો હશે. માત્ર, જરૂર પડી હોય ત્યાં થોડી માહિતી આપવામાં આવી હતી. એ છતાં, સમજાવવા છતાં બાળકો જે ન શીખે કે ન માને તે બાળકો અહીં જાતે જ શીખી ગયાં હતાં.

બીજા દિવસની પહેલી પ્રવૃત્તિ બાળકોએ જાતે ચા નાસ્તો બનાવવાની હતી. એમને પૌંઆ બનાવવાની બધી સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. એમનાં હાથે જેવું બને તે ખાવા બધાં તૈયાર જ હતાં. પહેલી વખત ચા અને નાસ્તો જાતે બનાવતાં હોઈ તેમણે ઘરે ફોન કરીને સૂચનો માંગ્યા અને બીજાં શિક્ષકોને પૂછીને કે જોઈને પણ ઘણું શીખ્યાં. એના પછી વાસણો અને રસોડું સાફ કરવાની અને સૂવા માટે વપરાયેલાં ગાદલાંઓ ભેગાં કરવાની અને બધાં ઓરડામાં સાફસફાઈની કામગીરી તેમણે બખૂબી નિભાવી. એટલું જ નહિ, પણ બે બાથરૂમમાં ન્હાવા-ધોવાનું કામ પણ ખૂબ શાંતિથી પત્યું. બાળકોનાં હાથે બનેલું ખાવાનું ખાવાની મજા જ કાંઈ જુદી હતી!!

Solar Cooker made by children

ત્યાર પછી બીજા દિવસે નેહા, કિંજલ મળીને ત્રણ બહેનો સોલાર કૂકર સરળ રીતે અને ઓછા ખર્ચે ઘરમાં કઈ રીતે બનાવી શકાય તે શીખવવા આવી. સૌથી પહેલાં સૌર ઊર્જા કઈ રીતે વગર પૈસે પ્રાપ્ય છે અને સરળ રીતે તેનો ઉપયોગ કરી શકાય છે તે સમજાવવામાં આવ્યું. પૂઠાં દ્વારા બનેલું એક સોલાર કૂકર તેમણે બાળકો સામે assemble કર્યું. પછી એ સોલાર કૂકરને કઈ રીતે સૂરજની સામે મૂકવાનું એ સમજાવી તેમાં કૂકર માટેનાં વાસણો ગોઠવવામાં આવ્યા અને કૂકરમાં રસોઈ શરૂ થઈ. બીજી તરફ, એ સોલાર કૂકરનું નિરીક્ષણ કરી બાળકોએ બે સમૂહમાં બીજાં બે કૂકર બનાવવાનાં હતાં. તેની માટે પૂઠાં, ફોઈલ પેપર અને કાતર, ફૂટપટ્ટી જેવી બધી સામગ્રી તેમને પૂરી પાડવામાં આવી અહીં પણ સોલાર કૂકર બનાવવા અંગે તેમને કોઈ જાણકારી પહેલેથી આપવામાં આવી નહોતી. બાળકોએ જાતે જ જોઈ, સમજીને કૂકર બનાવ્યાં. જ્યાં ન સમજાયું ત્યાં માર્ગદર્શન પણ મેળવ્યું. વળી, બાળકો સાથે એ બહેનોએ વીડિયો કૉલ જોડી પોર્ટુગલ દેશનાં સેલ્સતિનો સાથે વાતચીત પણ કરાવી. એમણે સોલાર કૂકર ઉપર ઘણું કામ કર્યું છે. એમણે બાળકોનાં સોલાર કૂકર જોયાં અને જરૂર પડી ત્યાં માર્ગદર્શન પણ આપ્યું. વળી, એમનાં ઘરમાં રહેલાં જુદાં જુદાં સોલાર કૂકર પણ બાળકોને જોવા મળ્યાં. બાળકોએ ભાંગીતૂટી અંગ્રેજીમાં તેમની સાથે સંવાદ પણ કર્યો.

Adventure Activity

આ સિવાય, આ બે દિવસમાંથી એક દિવસ બાળકોને બગીચામાં રમવા માટેનો સમય પણ આપવામાં આવ્યો. જોતાં અઘરી લાગે એવી દોરડા પર ચાલવાની એક પ્રવૃત્તિ મોટાભાગે બધાં બાળકોએ અને કેટલાંક શિક્ષકોએ પણ પૂરી કરી. પહેલાં દિવસની રાતે તાપણું કરી, રમત રમવાનો, તારા જોવાનો અને ગરબા કે વાતચીતનો દોર પણ ચાલ્યો.

Camp Fire

વળી, દરેક વખતે ચા-નાસ્તા કે જમવાનાં સમયે બાળકોએ જાતે વાસણ સાફ કરવાનાં હતાં. એક વખત બાળકોને દેખાડી દીધાં પછી બાળકોએ એ જવાબદારી પણ સારી રીતે પૂરી કરી. ત્યાં રહેલાં પશુ-પક્ષીઓ સાથે પણ બાળકોએ સમય નવરાશનો સમય વીતાવ્યો અને તેમનાં પ્રત્યે પણ સંવેદનશીલ બન્યાં. વળી, પહેલાં દિવસે કૂતરાં અને બીજાં પશુઓથી ડરતાં બાળકો બીજા દિવસ સુધી તેમની સાથે રમતાં પણ થઈ ગયાં હતાં. બાળકોને વાંચવા માટે કેટલાંક charts અને પુસ્તકોનો પણ સમય પ્રમાણે ઉપયોગ કર્યો. અંતે છેલ્લા દિવસે બધાંનો અનુભવ રજૂ કરીને અને આગળ આવી કાર્યશાળામાં ફરી જોડાવું ગમે કે નહિ અને તે માટેના વિષયોની ચર્ચા કરી સાંજે અમે બધાં છૂટાં પડ્યા. બાળકોનો કાર્યશાળાનો અનુભવ તો હકારાત્મક હતો જ. વળી, એમણે સૂચવેલાં નવા વિષયો અને મેંદા બનાવવાની અને ભાવતી વસ્તુઓ માટે સ્વાસ્થ્યપ્રદ રેસિપી બુક બનાવવાની એમની ધગશ જોઈને અમારો ઉત્સાહ પણ વધ્યો.

બાળકો જાતે ‘કરી’ને ઘણું શીખે છે એની સાથે બાળકો પર પૂરો ભરોસો રાખીને જવાબદારી સોંપવાથી પણ તેઓ માત્ર વિષય સંબંધિત જ નહિ પણ સ્વચ્છતા, સાફસફાઈ, એકતા, જવાબદારી, સંવેદનશીલતા જેવાં કેટલાંય સદ્‌ગુણો પણ જીવનમાં ઉતારે છે તે જોઈ કાર્યશાળાનો હેતુ પરિપૂર્ણ થયો અને એક સંતોષ સાથે અને ભવિષ્યની સુંદર પરિકલ્પનાઓ સાથે અમે પાછાં વળ્યાં.

  • “આ કેમ્પ માંથી તમે શું શીખ્યા ?” આવું જ્યારે બાળકોને પૂછ્યું ત્યારે તેઓ એ શું કહ્યું અહીં વાંચો
  • કેમ્પ માં આવેલા ફેસીલીટેટર મિત્રો કેમ્પ વિષે શું કહે છે ? અહીં વાંચો
  • બાળકોએ લીધેલા પ્રોજેક્ટનું ડોક્યુમેન્ટેશન અહીં જુઓ
  • કેમ્પ ડિઝાઇન કરતી વખતે ક્યાં લર્નિંગ આઉટ કમને ધ્યાન માં રાખવામાં આવ્યા હતા અને પ્રવૃતિઓ દ્વારા ક્યાં લર્નિંગ આઉટકમ ઉપર કામ થયું, અહીં વાંચો
  • બાળકો દ્વારા કેમ્પ વિષે લખાયેલો અહેવાલ અહીં વાંચો
  • કેમ્પની ઝાંખી કરાવતો 2 મિનિટનો વિડીયો જોવા અહીં ક્લિક કરો
  • કેમ્પના ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લિક કરો

Written by Purvi Nisar

Purvi was one of the facilitators at learningWala winter camp. She is teacher and life long learner interested in language learning and allround development of child. Currently she is exploring alternative learning spaces in Gujarat. You can write to her at nisarpurvi@gmail.com

--

--